આજે કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધ વિષે ની આ બાબતો જાણો છો? જાણો છો કે કોને પાકિસ્તાની ઘૂસણખોરો ની સૌથી પહેલી બાતમી આપી? જાણો છો કે પેપ્સી ને કારગિલ યુદ્ધ સાથે શું લેવાદેવા છે? 

કેન્ડીડ વિથ પૂજા – ૨૬ જુલાઈ, 2019 

હું લગભગ ૭ માં ધોરણ માં હોઈશ જયારે આપણે પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધ લડેલા. હું સ્કૂલ માં જાઉં  ત્યારે મિત્રો એના વિષે ભેગા થઇ ને રોજ નવી નવી વાત કરતા એ મને યાદ છે. એ વખતે એટલું સમજાયેલું કે આ યુદ્ધ આપણા દુશ્મન દેશ સામે લડાઈ રહ્યું છે જે આપણા દેશ માં ખોટી રીતે ઘુસપેઠ કરી ચુક્યા છે. વધુ ટેન્શન અને એક્સાઇટમેન્ટ એટલે પણ ફીલ થતું કારણકે પરિવાર ના એક સદસ્ય ખરેખર માં ઇન્ડિયન એરફોર્સ વતી સરહદ પાર તૈનાત હતા અને યુદ્ધ નો હિસ્સો હતા. ( એમની પાસેથી જ પાછળ થી યુદ્ધ ની જે અમુક રોમાંચક વાતો સાંભળી છે એ ક્યારેય નઈ ભૂલી શકું) અને પછી એ દિવસ આવ્યો જયારે ૩ મહિના થી સતત લડતા આ યુદ્ધ માં લગભગ ૬૦૦ જવાનો ની શહીદી વહોર્યા પછી ભારતે યુદ્ધ જીતી લીધું, એ દિવસ હતો ૨૬ જુલાઈ, ૧૯૯૯. 
આજે ૨૬ જુલાઈ , ૨૦૧૯ , કારગિલ યુદ્ધ ની જીત ને  બરાબર ૨૦ વર્ષ પુરા થયા છે. આજનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવા માં આવે છે કારણકે ‘ઓપરેશન વિજય’ ને આજના દિવસે ૨૦ વર્ષ પહેલા સફળતાપૂર્વક પર પાડવામાં આવેલું. ત્યારે આજાન દિવસે તમારી સાથે કારગિલ યુદ્ધ ને જોડાયેલી કેટલીક એવી વાતો શેર કરવી છે જે તમને ચોક્કસ ગર્વ અપાવે. 
૧) ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ યુદ્ધો લડયા છે. જેમનું કારગિલ એકમાત્ર એવું યુદ્ધ છે કે જે ૨ મહિના કરતા પણ વધુ સમય માટે લદાયેલું અને એનું ટીવી પર લાઈવ પ્રસારણ પણ થયેલું,
૨) પાકિસ્તાન એ પોતાના સૈનિકો ને ભારત ના લડાખ ના કારગિલ – દ્રાસ વિસ્તાર માં LOC ની અંદર મોકલેલા. એમનો ઈરાદો લડાખ ને ભારત થી અલગ પડી , દરેક પ્રકાર ના સંપર્કો કાપી ને યુદ્ધ નો માહોલ સર્જવાનો હતો.  
૩) જયારે ભારત સરકાર ને પાકિસ્તાન ની આ ઘૂસણખોરી વિષે જાણ થઇ ત્યારે પાકિસ્તાન ના સૈનિકો પર્વત ની ટોચ પર હતા અને ભારતીય સૈનિકો એ નીચેથી ચાંદાં પર લડાઈ કરવાની હતી ટોચ પર રહેલા સૈનિકો માટે આ ખુબ અનુકૂળ પરિસ્થિતિ હતી . તેમ છતાં ભારત સરકાર અને ભારતીય સેનાએ એ સફળતા પૂર્વક ‘ઓપરેશન વિજય’ પર પડ્યું અને કારગિલ પાછું મેળવ્યું. 
૪) ખરા અર્થ માં ભારતીય સેના ને પાકિસ્તાની ઘૂસણખોરો વિશેની સૌથી પહેલી માહિતી કારગિલ વિસ્તાર માં રહેતા એક ગરીબ ખેડૂતે આપેલી. એ ખેડૂતે થોડા દિવસ પહેલા જ ૧૦૦૦૦ રૂપિયા માં એક  નવું યાક ખરીદેલું . જે ગાયબ હતું. આ યાક ને શોધવા માટે આ ખેડૂતે જંગલ અને પર્વત પર શોધ આદરેલી. જેમાં યાક તો મળ્યું સાથે એને પાકિસ્તાની ઘૂસણખોરો પણ જોયા અને તાત્કાલિક માં ભારતીય સેના ને આની માહિતી આપી. 
૫) ૧૯૯૮ માં ભારત અને પાકિસ્તાન બંનેવ દેશો એ પોતાની પરમાણુ તાકાત ની ચકાસણી કરેલી અને દુનિયા ને ચોંકાવી દીધેલી. આ ઘટના થી કષમકીર મુદ્દો વધુ ઉગ્રતા થી સપાટી પર આવેલો. પણ ત્યારબાદ બંનેવ દેશો એ ફેબ્રુઆરી ૧૯૯૯ માં લાહોરે ડીક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા જે મુજબ બંને દેશ કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સંમત થયા. પણ ત્યાર બાદ પાકિસ્તાને કારગિલ વિસ્તાર નજીક પોતાના સૈનિકો નો ખડકલો શરુ કર્યો. એમની ઈચ્છા સિયાચીન ગ્લેશિયર પર કબ્જો જમાવી ને લડાખ ને કાશ્મીર થી અલગ પાડવાની હતી. પણ અંતે મે ૧૯૯૯ માં યુદ્ધ શરુ થયું જે ૨૬ જુલાઈ ૧૯૯૯ એ પૂરું થયું. 
૬) કારગિલ યુદ્ધ વિષવું નું એવું પહેલું યુદ્ધ હતું કે જે બે એવા દેશો વચ્ચે લડાયું હોય જે પરમાણુ તાકાત થી સજ્જ હોય. 
૭) કારગીલ યુદ્ધ માં બંનેવ તરફ થી લગભગ ૨૫૦૦૦૦ જેટલા બૉમ્બ ઝીંકાયા હતા. એવું મનાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ માં પહેલી વખત કોઈક યુદ્ધ માં આટલા મોટા પ્રમાણ માં દારૂગોળા નો ઉપયોગ થયેલો. જેમાં છેવટે ભારતે જીત હાંસલ કરી. 
૮) ૧૯૯૯ ના કારગિલ યુદ્ધ પછી કપ્તાન વિક્રમ બત્રા , કમાન્ડર મેજર મનોજ કુમાર પાંડે , યોગેનદર સીંગ યાદવ અને રાઇફલ મેન સંજય કુમાર ને કારગિલ ટોચ પર પહોંચી ને એને કબ્જે કરવા માટે પ્રતિષ્ઠિત પરમવીર ચક્ર થી નવાજવામાં આવેલા. એવું કહેવાય છે કે યુદ્ધ માં વિજય મેળવ્યા પછી કપ્તાન વિક્રમ બત્રા બોલેલા ,  ‘યેહ દિલ માંગે મોર’ જે પાછળ થી પેપ્સી ની ટેગલાઈન બનેલી. 
૯) કારગિલ યુદ્ધ માં ભારત તરફ થી સરહદ પર ૭૦૦૦૦૦ સૈનિકો ને તૈનાત કરવામાં આવેલા. અને આ યુદ્ધ ભારતીય સૈન્ય ના એ વખત ના વાળા વેદ પ્રકાશ મલ્લિક ની આગેવાની હેઠળ લડાયેલું. 
અને છેલ્લે, 
આ યુદ્ધ માં દેશ ની અને આપણા સૌ ની સુરક્ષા માટે શાહિદ થયેલા એ ૫૨૪ વીર સપૂતો ને શત શત વંદન. અને એ ૭૦૦૦૦૦ સૈનિકો અને એમના પરિવારો ને સલામ.   

કેન્ડીડ વિથ પૂજા – ૨૫ જુલાઈ, 2019

Source: Google

આજે આપણા દેશ ની લોકસભા માં ટ્રીપ્પલ તલાક મુદ્દે ચર્ચા ચાલી રહી છે.કેન્દ્ર માં બેઠેલી સરકાર ઈચ્છે છે કે ટ્રીપ્પલ તલ્લાક નાબૂદ થવા જોઈએ અને વિપક્ષ ઈચ્છે છે કે ટ્રીપ્પલ તલ્લાક બિલ ને ચર્ચા વિચારણા માટે વળી પાછું પાર્લામેન્ટરી બોર્ડ પાસે મોકલવામાં આવે.

શું છે આ ટ્રીપ્પલ તલ્લાક?

ઇસ્લામ માં તલ્લાક એટલે કે છૂટાછેડા ને લઇ ને અમુક નિયમો છે. જેમનો આ નિયમ જેને લઇ ને લોકસભા માં ચર્ચા ચાલી રહી છે , એ પતિ દ્વારા પત્ની ને તલ્લાક આપવાની એવી વ્યવસ્થા છે કે જેમાં પતિ એક જ વખત માં પત્ની સામે ત્રણ વાર ‘ હું તને તલાક આપું છું , હું તને તલ્લાક આપું છું , હું તને તલ્લાક આપું છું’ એમ બોલે એટલે એમના તલ્લાક મંજુર થઇ જાય. આ વ્યવસ્થા ને તલાક – ઊલ – બિદત કહેવામાં આવે છે. ભારત માં આ રીતે તલાક લેવાની પ્રથા સદીઓ થી ચાલતી આવે છે. પણ ટેક્નોલોજી ના વિકાસ પછી , ઇમેઇલ , સ્કાઇપ , વોટ્સ એપ અને ફેસબુક આવ્યા પછી આ મુદ્દે મુશ્કેલીઓ વધી છે.

ઘણા કિસ્સાઓ માં એવું જોવા મળ્યું છે પતિ એ માત્ર મેસેજ દ્વારા કે વોટ્સ એપ દ્વારા ત્રણ વાર ‘ તલાક તલાક તલાક’ લખી ને મોકલી દીધું હોય અને એને માન્ય ગણવામાં આવ્યું હોય. એવું પણ બન્યું છે કે એ એ હદે માન્ય ગણવામાં આવ્યું હોય કે પાછળ થી પતિ ને જો પોતાના આ વર્તન અંગે પસ્તાવો થાય અને એ પોતે પોતાની પત્ની પાસે જવા ઈચ્છે તો એ ત્યાં સુધી ના જય શકે જ્યાં સુધી એની પત્ની ના બીજા લગ્ન થઇ ને ત્યાંથી તલાક ના થાય.

વર્ષ ૨૦૧૭ માં આપણી સુપ્રીમે કોર્ટ એ આ ટ્રીપ્પલ તલાક ને બંધારણ ની વિરુદ્ધ ની પ્રથા ગંવતો ચુકાદો ચોક્કસ આપેલો પણ એ હાજી કાયદો બન્યો નથી. એને કાયદો બનાવવા માટે સંસદ ના બંને ગૃહો માંથી એ અંગે નું બિલ બહુમતી થી પસાર થવું જરૂરી છે. જે બદનસીબે આપણે ત્યાં આઝાદી ના આટલા વર્ષો પછી પણ નથી થઇ શક્યું.

અહીંયા વાત કોઈ ધર્મ ની સામે પાડવાની નહિ , પણ આ દેશ ની દરેક ધર્મ ની સ્ત્રીઓ ને એમનો સમાન અધિકાર અપાવવા ની છે. જયારે ટ્રીપ્પલ તલાક થી કોઈ પતિ પત્ની છુટા પડે છે ત્યારે એમાં પત્ની ની મંજૂરી લેવામાં આવતી નથી. એને પૂછવામાં પણ આવતું નથી કે એ શું ઈચ્છે છે. અને હવે ના જમાના માં જ્યાં સોશ્યિલ મીડિયા ના ઉપયોગ થી લગ્ન જેવી બાબતો ને માત્ર ત્રણ વાક્યો બોલી ને તોડવામાં આવે છે ત્યારે એનો સૌથી મોટો ભોગ મહિલાઓ જ બને છે.

દુનિયા ના બીજા ૨૦ એવા ઇસ્લામિક દેશો છે કે જેમને આ ટ્રીપ્પલ તલાક પ્રથા ને ક્યારનીયે તિલાંજલિ આપી દીધી છે. જેમાં આપણા પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ આવી ગયા.અને આપણે હજી ચર્ચા થી આગળ નથી વધી શક્યા! આશા રાખીયે કે આ મુદ્દે ચર્ચા છોડી ને આપણે ઝટ નિવેદ સુધી પહોંચીયે.

આપણે જો તળિયા ની હકીકત ની વાત કરીએ તો આપણે જાણીયે છીએ કે અમુક સમાજ અથવા અમુક જૂથ માં રહેતા કુટુંબો માં મહિલાઓ ની પરિસ્થિતિ શું હોય છે! જ્યાં એમને હાજી આજે પણ પોતાની મરજી મુજબ કપડાં પહેરવાનો કે જીવવા નો અધિકાર નથી હોતો ત્યાં લગ્ન જેવી બાબતો માટેની એમની ઈચ્છાઓ ને કેટલું પ્રાધાન્ય અપાતું હશે?? અને ત્યાં એજ્યુકેશન ની તો વાત જ શું પૂછવી?! જ્યાં પતિ ને બહુપત્નીત્વ પ્રથા ની છૂટ છે પણ પત્ની ને બહુપતિત્વ પ્રથા ની છૂટ નથી ! એવી પરિસ્થિતિ માં સંસદ માં ટ્રીપ્પલ તલાક બિલ પસાર થવા અંગે જો આટલી મુશ્કેલી પડતી હોય તો એ દેશ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની નિષ્ફળતા છે.

અને છેલ્લે,

દુનિયા ની કુલ વસ્તી ના લગભગ ૫૦% જેટલી વસ્તી મહિલાઓ ની છે , અને એ ૫૦% મહિલાઓ જ દુનિયા ની એ કુલ વસ્તી નું ઉદ્ભવસ્થાન છે. તેમ છતાં જયારે મહિલાઓ ને પોતાના અધિકારો માટે આજના સમય માં પણ લડવું પડતું હોય તો આપણે ક્યાં જઈ ને અટકીશું?

ઓગસ્ટ ની રજાઓ માં કે દિવાળી વેકેશન માં ક્યાંય પણ ફરવા જવાની તૈયારી કરતા હોવ તો એની પહેલા આ ચોક્કસ વાંચી જજો.

કેન્ડીડ વિથ પૂજા – ૨૪ જુલાઈ, 2019

આજે એક એવી વાત કરવી છે જે વાંચી ને જો તમે ફરવાના શોખીન હોવ તો કદાચ તમને મજા ના પણ આવે , પણ સાવ હકીકત છે.

આજની તારીખે ટુરિઝમ એ વિશ્વ ની સૌથી વધુ ઝડપ થી વિકસતી જતી ઇન્ડસ્ટ્રીઝ માની એક છે, એમાં પણ આપણે ગુજરાતીઓ તો ફરવાના એકદમ શોખીન! અને હવે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટેશન , એકોમોડેશન, ગ્રુપ ટુર્સ , ફરવા માટેની પર્સનલ લોન વગેરે વગેરે જેવી સુવિધાઓ ખૂબ સહેલાઇ થી ઉપલબ્ધ હોવાના કારણે વૈશ્વિક ટુરિઝમ માં પૃથ્વી ના ઇતિહાસ માં ક્યારેય નહોતો એટલો વધારો નોંધવામાં આવ્યો છે. આમ તો જો ખિસ્સા ને પરવડે તો ટ્રાવેલિંગ કરવામાં અને ફરવામાં કઈ જ ખોટું નથી. ઉપરથી એ સાંસ્કૃત્તિક આદાન પ્રદાન વધારે છે , લોકો ને નજીક લાવે છે , દુનિયા નાની બનાવે છે એવા ઘણા બધા વૈશ્વિક ફાયદા છે. પણ હાલ ના તબક્કે એનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે વિશ્વ ના લોકો નું વધુ પડતું ટુરિઝમ આપણી પૃથ્વી ના વાતાવરણ ને ધીમે ધીમે અક્ષમ્ય નુકસાન પહોંચાડી રહ્યું છે.

જી હા, વધુ પડતું ટ્રાવેલિંગ અને વધુ પડતું ટુરિઝમ પર્યાવરણ ને ભારોભાર નુકશાન પહોંચાડી રહ્યું છે. જેમ મેં પહેલા કહ્યું એમ , પૃથ્વી ના ઇતિહાસ માં એકસાથે આટલી મોટી સંખ્યા માં માનવ જાતિ એક સ્થળે થી બીજા સ્થળે માત્ર થોડા સમય માટે સ્થળાંતર કરતી હોય એવું ક્યારેય નથી બન્યું. જેની સીધી અસર જે તે જગ્યા ની કાર્બન ફૂટપ્રિન્ટ્સ ના વધારા પર પડે છે. ( આ કાર્બન ફુટ પ્રિન્ટ એટલે જે તે વ્યક્તિ કે સંસ્થા દ્વારા એમની પ્રવૃત્તિઓ થકી ઉત્સર્જિત કરાતા કાર્બન નું માપ) જે એ જગ્યા ને પ્રદુષિત / ખૂબ પ્રદુષિત કરવા માટે કારણભૂત છે.

જેમ જેમ પ્રવાસીઓ ની સંખ્યા વધે , એમ એમ એના ધસારા ને પહોંચી વળવા માટે ત્યાં હોટેલ્સ , ટ્રાન્સપોર્ટેશન અને ખાણી પીણી ની વ્યવસ્થા પણ વધવાની, અને આ બધાય ના વધુ પડતા ઉપયોગ ના કારણે પ્રદુષણ નું પ્રમાણ વધવાનું. મુશ્કેલી ત્યાં છે કે આપણે ત્યાં જે પ્રકાર ની ગૃપ ટુર્સ નું આયોજન થાય છે જેમાં ઓછા સમય માં વધુ જગ્યાઓ ફરવા માટે દરેક જગ્યાએ માત્ર અમુક કલાકો જ ગાળવાના રહે છે , જેથી વાહન વ્યવહાર અને ખાણી પીણી નો વપરાશ ખૂબ વધે છે અને અંતે એ જગ્યા ના કાર્બન ફૂટપ્રિન્ટ્સ વધે છે. જેની સીધી અસર ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ ના વધારા પર પડે છે.

તમને યાદ હશે થોડા સમય પહેલા ના છાપાં માં છપાયેલા આપણા મનાલી ના ફોટોગ્રાફ્સ. મનાલી શહેર એ ભારત નું ખૂબ જાણીતું પર્યટન સ્થળ છે. ઉપરની મનાલી ની તસ્વીર આ વખત ના ઉનાળુ વેકેશન પછી લેવાયેલી છે. જ્યાં સહેલાણીઓ ૨૦૦૦ ટન કચરો છોડી ને ગયેલા. મનાલી પહેલાથી જ પાણી ની તંગી અને ગંદકી ના પ્રશ્ન સામે ઝઝૂમી રહેલું , જેમાં આ ઉનાળા પછી સખત પ્રમાણ માં વધારો થયો છે. કારણકે આખા મનાલી માં ઉપલબ્ધ ૭૦% પાણી ત્યાંની હોટેલ્સ માં વપરાય છે. જેથી સ્થાનિક રહીશો ને પાણી ની ખૂબ તંગી નો સામનો કરવો પડે છે. સાથે વધુ પ્રમાણ માં પર્યટકો ભેગા થઇ જવાથી કચરા નો નિકાલ અને ગંદકી ની સફાઈ પણ મોટા પ્રશ્નો થઇ પડ્યા છે. જે આ સુંદર સ્થળ ને કાયમી નુકશાન પહોંચાડી રહ્યા છે.

આ જાણ્યા પછી કે આ લખાવનો હેતુ એ ચોક્કસ નથી કે આપણે ટ્રાવેલિંગ સાવ બંધ કરી દઈએ કે પછી સાવ ઓછું કરી નાખીયે. પણ આપણે જે રીતે ટ્રાવેલ કરીએ છીએ એમાં બદલાવ ચોક્કસ લાવી શકીએ. એક્સપર્ટસ ના હિસાબે અમુક મુદ્દાઓ નું જો ધ્યાન આપીએ તો કદાચ આ સમસ્યા નો ઉકેલ લાવી શકીએ.

જેમકે,

૧) અવાર નવાર વિદેશ જ ફરવા જવાનો મોહ રાખવા કરતા આપણે જ્યાં રહીએ છીએ ત્યાંની અને નજીક ની જગ્યાઓ પહેલા ફરી લઈએ. ( ટૂંકમાં , વિદેશ જ જવું એવો મોહ ના રાખવો. )

2) પોતાના દેશ માં જો ફરવા જવાના હોઈએ તો બસ , ટ્રેન અથવા અન્ય લોકલ ટ્રાન્સપોર્ટેશન નો જ ઉપયોગ વધુ કરીયે. વિમાની મુસાફરી શક્ય હોય તેટલી ઘટાડીયે.

૩) પાણી ના વપરાશ પર ધ્યાન આપીયે. અને શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક શાકાહારી વાનગીઓ ખાવાનો આગ્રહ રાખીયે.

અને છેલ્લે,

૪) આપણે જ્યાં ફરી ને પાછા જઈએ છીએ એ જગ્યાઓ આપણને જીવન ભાર ની ખૂબ બધી યાદો આપે છે , એને કચરો આપી ને ના આવીએ.

ભારતીય સ્ત્રીઓ સોળે કળાએ ખીલી રહી છે. એમાં ચંદ્રયાન ૨ સાથે જોડાયેલી ગુજરાતી મહિલા વૈજ્ઞાનિક વિષે જાણો છો?

કેન્ડીડ વિથ પૂજા – ૨૩ જુલાઈ

ભારતીય મહિલાઓ નો ચહેરો બદલાઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષેત્ર માં મહિલાઓ ‘સુપર વૂમન’ તરીકે ઉભરી રહી છે. આમ જોવા જાવ તો છેલ્લા એક મહિના ની અંદર એવી કેટલી મહિલાઓ છે કે જેમના નામ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હોય. જેમના થકી દેશ નું માથું ગર્વ થી ઊંચું થયું હોય. આ એવી જ મહિલાઓ છે જે સાવ તમારા મારા જેવી છે. આપણા જેવા જ ઘર પરિવાર માંથી આવે છે અને આપણા જેવો જ ઉછેર પામેલી છે. જે વસ્તુ એમને આપણા થી અલગ બનાવે છે એ છે એમની અડગ હિમ્મત , લડી લેવાની તાકાત , કઈ કરી છૂટવાની ભાવના અને એ માટે નું મજબૂત મનોબળ.

Source : Google

અત્યારે સૌથી વધુ ચર્ચા માં જો કોઈ બે સ્ત્રીઓ હોય તો એ છે ભારત ના ચંદ્રયાન ૨ ની પ્રોજેક્ટ ડિરેક્ટર્સ રીતુ કરીધલ અને મુથૈયા વનિતા. આ બે સ્ત્રીઓ ના સુકાન પદે ભારત એ સફળતા પૂર્વક ગઈકાલે પોતાનું બીજું ચંદ્રયાન લોન્ચ કર્યું. હવે કોઈ સ્ત્રી આ પ્રોજેક્ટ સાંભળે એ આટલી મોટી વાત કેમ હોતી હશે ? તો એ એટલા માટે કારણકે ખગોળ વિજ્ઞાન નું સંશોધન એ એવો વિષય છે કે જ્યાં અત્યાર સુધી માત્ર પુરુષો નું જ પ્રભુત્વ રહ્યું છે. જયારે ચંદ્રયાન ૨ ના પ્રોજેક્ટ પર કામ કરનારી ટીમ માં ૩૦% સ્ત્રીઓ છે, મુથૈયા વનિતા ૩૦ વર્ષ થી ઈસરો સાથે સંકળાયેલા છે અને ખુબ નીચે થી કામ કરી ને ઉપર સુધી આવ્યા છે. જયારે રીતુ કરીધલ ૨૪ વર્ષ થી ઈસરો સાથે જોડાયેલા છે. એક સામાન્ય ગૃહિણી ની જેમ જ પોતાનું ઘર પણ સાંભળે છે અને ઓફિસે ના સમય પછી ઘરે આવી ને બાળકો ને હોમ વર્ક પણ કરાવે છે.

(Photo by Pallava Bagla/Corbis via Getty Images)
Source : Google

આ પ્રોજેક્ટ સાથે એક એવા સ્ત્રી વૈજ્ઞાનિક પણ સંકળાયેલા છે જે આપણા અમદાવાદી છે. એક સામાન્ય ‘વર્કિંગ વૂમન’ છે પણ એમની સિદ્ધિ ઓ અસામાન્ય છે. એમનું નામ છે જલશ્રી દેસાઈ. વ્યવસાયે ઇલેકટ્રોનિક્સ એન્જિનિયર છે જે અવકાશી સાધનો માં વપરાતા વિવિધ ભાગો બનાવવા માં પાવરધા છે. એ પણ ચંદ્રયાન ૨ ની ટીમ નો હિસ્સો છે. હું એમને અંગતપણે ઓળખું છું અને એટલે જાણું છું કે આ સ્ત્રીઓ પોતાનું ઘર સાચવવાની સાથે સાથે ભારત ના અવકાશી સપનાઓ ને સાકાર કરવા માટે દિવસ રાત એક કરતા હોય છે, મને એવા કેટલાય દિવસો વિષે જાણ છે કે જયારે આ ‘સુપર હ્યુમન્સ’ સતત ૨૪ કલ્લાક સુધી કામ કરતા હોય. એવી કેટલીયે ક્ષણો આવી હોય કે જે એમને નાસીપાસ કરી મુક્તિ હોય , તેમ છતાં એ દરેક ને પર પાડી ને આ સ્ત્રીઓ આ મુકામ સુધી પહોંચી છે , જેના પર સમગ્ર દેશ ને ગર્વ છે.

ગઈકાલે જ મેં ગોલ્ડન ગર્લ હિમા દાસ વિષે વાત કરેલી. એક સાવ સામાન્ય ગરીબ પરિવાર માંથી આવતી ખેડૂત પુત્રી આજે દુનિયા ને પાછળ છોડી ને આગળ દોડી રહી છે. એને એક સમય એવો પણ જોયેલો છે કે જ્યાં એના ઘર માં ખાવા માટે માત્ર ભાત જ હોય અને એના પાર ગુજરાત ચાલતું હોય. દોડ માટે ની ખાસ બનાવટ ના શૂઝ પહેરવાનું હાજી એને માત્ર બે વર્ષ થી જ શરુ કર્યું છે. અને આજે દુનિયા ને હંફાવી રહી છે.

અને છેલ્લે,

આજે જયારે આપણે આ બધી જ સ્ત્રીઓ ના નામ , કામ અને એમની સિદ્ધિઓ પર ગર્વ કરીયે છીએ ત્યારે એ વિચારવાનું રહ્યું કે આ ત્યારે શક્ય બને છે જયારે આ સ્ત્રીઓ ને એમનો પરિવાર એમના સપનાઓ પુરા કરવા માટે ખુલ્લું આકાશ આપે છે. એમનો સમાજ એમને આગળ વધવા માટે ની તક પુરી પાડે છે અને એ માટે મોકલું મેદાન આપે છે. કાશ દેશ ની દરેક સ્ત્રી ને આ ખુલ્લું આકાશ અને મોકલું મેદાન મળતા હોત!

ભારત ની ગોલ્ડન ગર્લ હીમા દાસ ની ૨૦ દિવસ મા ૫ ગોલ્ડ મેડલ ની સિધ્ધી વિશે જાણો છો , પણ શું ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણો છો?

કેન્ડીડ વીથ પૂજા – ૨૨ જુલાઈ

હીમા દાસ.

હમણાં હમણાં આ નામ લોકજીભે ચડ્યું છે. કારણ ૧૫ દિવસ મા દેશ માટે આ છોકરી ૫ ગોલ્ડ મેડલ લઈ આવી છે. એની આ ગોલ્ડન સિધ્ધી વખાણવા લાયક તો ખરી જ , સાથે એની પાછળ ની કાળી મહેનત પણ જોવા સમજવા લાયક છે.

Image: Google

આસામ ના કાંધુલીમારી નામના સાવ નાનકડા ગામડા મા એક ગરીબ ખેડૂત પરીવાર ના ૭ સંતાનો માનું સૌથી મોટું સંતાન જેનું નામ હીમા દાસ. નાનપણ મા ઢીંગ પબ્લીક હાઈ સ્કુલ મા ૧૨ ધોરણ સુધી ભણતા ફુટબોલ રમવાનો ચસકો લાગ્યો. એ સમયે કોઈ છોકરીઓ ફુટબોલ રમતી નહી એટલે હીમા સ્કુલ ના છોકરાઓ સાથે ફુટબોલ રમતી. આગળ જતા એણે સ્પોર્ટ્સ મા કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. પણ ભારત મા મહિલાઓ માટે ફુટબોલ મા ઝાઝી તક નહોતી. એ જ સમયે શમશુલ શૈખ નામના એના રમત ગમત ના શિક્ષકે એની ફુટબોલ રમતી વખત ની ચપળતા અને ઝડપ જોઈ ને સલાહ આપી કે એણે ફુટબોલ ને બદલે દોડ મા મહેનત કરવી જોઈએ. બસ આ સલાહ એની જીંદગી નો પહેલો ટર્નીંગ પોઈન્ટ બની.

હીમા એ પહેલી વખત ૨૦૧૬ મા ઈન્ટર ડીસ્ટ્રીકટ મીટ મા સફળતા નો સ્વાદ ચાખ્યો. આ સ્પર્ધા મા એ ત્રીજા ક્રમે આવી. પણ આ તો માત્ર શરૂઆત હતી. આગળ નો રસ્તો ઘણો લાંબો અને ખૂબ કઠીન હતો. એની પાસે પ્રોફેશનલ ટ્રેઈનીંગ માટે ના તો કોઈ ટ્રેક હતો, ના કોઈ સાધનો. એ ફુટબોલ ના ખરબચડા કાદવ વાળા મેદાન પર દોડ ની પ્રેક્ટીસ કરતી. આમ છતાં એ રાજ્ય કક્ષા ની સ્પર્ધા મા ત્રીજો ક્રમ લાવી શકી. અને એ જ વર્ષે ૧૦૦ મીટર ની જુનીયર નેશનલ સ્પર્ધા મા એ ફાઈનલ સુધી પહોંચી.

ત્યારબાદ હીમા દાસ એશીયન યુથ ચેમ્પીયનશીપ મા મહિલા ઓની ૨૦૦ મીટર દોડ સ્પર્ધા માટે ક્વોલીફાય થઈ. આ સ્પર્ધા મા એ ૭ મી આવી. પણ નસીબ જોગે એનો ૨૪.૫૨ સેકન્ડ નો સમય વર્લ્ડ યુથ ચેમ્પીયનશીપ મા ક્વોલીફાય થવા માટે પુરતો હતો. નૈરોબી મા યોજાનારી આ સ્પર્ધા મા હીમા ૫ મા ક્રમે આવી. અને આમ સખત મહેનત અને ખંત થી કરેલી તૈયારી ઓ થકી હીમા સફળતા ની સીડી ઓ ચડતી ગઈ.

Image: Google

એણે ૨૦૧૮ મા ઓસ્ટ્રેલીયા ના ગોલ્ડ કોસ્ટ મા યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ મા ભાગ લીધો. જીતી તો ના શકી પણ વર્લ્ડ અંડર ૨૦ ચેમ્પીયનશીપ ૨૦૧૮ મા ૪૦૦ મીટર ની દોડ સ્પર્ધા માટે કવોલીફાય થઈ. આ સ્પર્ધા ફીનલેન્ડ મા યોજાએલી. જેમાં નાટકીય રીતે પોતાનાથી આગળ એવા ત્રણ પ્રતિસ્પર્ધી ઓ ને છેલ્લી ક્ષણો મા પાછળ છોડી ને હીમા દાસે આ સ્પર્ધા જીતી ઈતીહાસ રચી દીધો. એ સમયે આનો વિડીયો પણ ખૂબ વાયરલ થયેલો. કારણકે કોઈ પણ ઈન્ટરનેશનલ ટ્રેક પર દોડ સ્પર્ધા મા ગોલ્ડ મેડલ જીતનારી એ પહેલી ભારતીય હતી.

ત્યારબાદ હીમા એ કયારેય પાછળ વળી ને નથી જોયું . અત્યારે ૨૦ દીવસ મા ૫ ગોલ્ડ મેડલ ઘરભેગા કર્યા છે.અને આપણને ક્રીકેટ સિવાય ની રમત રમતી આ છોકરી એ એના પર ગર્વ લેવા મજબૂર કર્યા છે.

અને છેલ્લે,

Image :Google

હીમા એ જ્યારે શરૂઆત કરી ત્યારે એની પાસે વ્યવસ્થીત જૂતા પણ ન્હોતા . આજે એડિડાસ જેવી વિશ્વ વિખ્યાત કંપની એ હીમા ને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.

સફળતા કયારેય ઉંચનીચ , અમીરી ગરીબી કે જાતી ધર્મ જોઈ ને નથી આવતી. એ ક્યારેય રાતોરાત પણ નથી આવતી. એટલે જ વડવાઓ કહી ગયા છે કે સીધ્ધી એને જઈ વરે, જે પરસેવે ન્હાય.

કેન્ડીડ વિથ પૂજા – ૧૬ જુલાઈ , ૨૦૧૯

આજે ગુરુ પૂર્ણિમા. સૌથી પહેલા તો મારા દરેક ગુરુ ને હૃદયપૂર્વક સાદર પ્રણામ અને આપ સૌને ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ.

વર્ષો થી આપણે ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ આપતા આવ્યા છીએ. આપણા શિક્ષકો અને ધાર્મિક ગુરુઓ ને વંદતા આવ્યા છીએ પણ આપણા માના બહુ ઓછા લોકો ગુરુ પૂર્ણિમા વિષે ની ખરી માહિતી ધરાવે છે. ગુરુ પૂર્ણિમા એ હિન્દૂ , બૌદ્ધ અને જૈન ધર્મ માં ઉજવાતો ખૂબ મહત્વનો તહેવાર છે અને આ ત્રણેય ધર્મ પ્રમાણેનો આનો ઇતિહાસ અલગ અલગ છે.

હિન્દૂ ધર્મ પ્રમાણે જે દિવસે ભગવાન શિવ આદિ યોગી માંથી આદિ ગુરુ બન્યા એ દિવસ થી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી શરુ થઇ. ધાર્મિક માન્યતા પ્રમાણે હિમાલય પર એક દિવસ અચાનક એક આદિ યોગી પ્રગટ થયા. જેમને જોવા ઘણા લોકો ભેગા થયા. પણ આ આદિ યોગી નું તેજ બધા સહન ના કરી શક્યા. ધીમે ધીમે લોકો વિખરાયા અને માત્ર સાત લોકો બાકી રહ્યા જે આદિ યોગી ના અનુયાયી બનવા માટે તત્પર બન્યા. શરૂઆત માં આદિ યોગી એ એમની માંગણી ના સ્વીકારી , પણ સતત ૮૪ વર્ષ ના ધ્યાન અને આ સાત વ્યક્તિઓ ની પોતાના પ્રત્યેની આસક્તિ જોઈ ને શિવજી એ એમને પોતાના શિષ્યો તરીકે સ્વીકાર્યા. જે દિવસે શિવજી એ આ સાત શિષ્યો નું ગુરુ પેડ સ્વીકાર્યું , એ જ દિવસ થી શિવાજી આદિ યોગી મટી ને આદિ ગુરુ બન્યા. આ દિવસ એટલે હિન્દુ તારીખિયા પ્રમાણે અષાઢ મહિના ની પૂનમ નો દિવસ. અને આ સાત શિષ્યો એટલે સપ્તર્ષિ. જેમને આપણે રોજ રાત્રે આકાશ માં ટમટમતા જોઈએ છીએ. હિન્દુ ધર્મ પ્રમાણે આજ દિવસ થી પૃથ્વી પર ગુરુ શિષ્ય ની પરંપરા ની શરૂઆત થઇ. જે આજ સુધી ચાલી આવે છે.

બૌદ્ધ ધર્મ પ્રમાણે ગૌતમ બુદ્ધ એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કાર્ય પછી પોતાનું ત્રિકાળ જ્ઞાન વાપરી ને એવા પાંચ લોકો ને શોધી નાખ્યા કે જેઓ ઝડપ થી ધર્મ સમજી શકે અને એનો પ્રચાર અને પ્રસાર કરી શકે. જે દિવસે ગૌતમ બુદ્ધે આ પાંચ શિષ્યો ને પોતાનું જ્ઞાન પ્રદાન કર્યું એ દિવસ અષાઢ મહિના ની પૂર્ણિમા હતી. અને એ દિવસ થી બૌદ્ધ ધર્મ માટે ગુરુ પૂર્ણિમા ની શરૂઆત થઇ.

જૈન ધર્મ પ્રમાણે ૨૪ માં તીર્થંકર મહાવીર સ્વામી એ જયારે ઈંદ્રભૂતિ ગૌતમ ને પોતાના શિષ્ય તરીકે સ્વીકારી ને એમને ધર્મ જ્ઞાન આપ્યું અને ઈંદ્રભૂતિ ગૌતમ , જે પાછળ થી ગૌતમ સ્વામી તરીકે ઓળખાયા, એ દિવસ ને ટર્મિનૉક ગુહ પૂર્ણિમા કે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આમ ધર્મ અલગ પણ સાર એક જ છે. અલગ અલગ ધર્મ માં જે દિવસ થી ગુરુ શિષ્ય પરંપરા ની શરૂઆત થઇ એ દિવસ ને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે.

ગુરુ એ માત્ર તમારા શિક્ષક જ હોય એ જરૂરી નથી, ગુરુ એ કોઈ ધર્મ ગુરુ જ હોય એ પણ જરૂરી નથી. એવી કોઈ પણ વ્યક્તિ ગુરુ હોઈ શકે જે તમને સાચો માર્ગ ચીંધે અથવા સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે. જીવન ના અલગ અલગ પડાવ પર અલગ અલગ ગુરુઓ હોઈ શકે.ગુરુઓ હંમેશા વંદનીય જ હોય છે. પણ આજે જયારે એ ગુરુ શિષ્ય પરંપરા ને ઉજવવાનો ખાસ દિવસ છે ત્યારે ફરી એક વાર આપ સૌને ગુરુ પૂર્ણિમા ની ઘણી બધી શુભેચ્છાઓ. જીવન ના દરેક પડાવ પર આપણે યોગ્ય માર્ગ ચીંધનાર ગુરુઓ મળી રહે એવી પ્રાર્થના.

કેન્ડીડ વિથ પૂજા – ૧૫ જુલાઈ , ૨૦૧૯

ગઈકાલે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલ ધડક ફાઇનલ મેચ રમાઈ. દુનિયા ભર માં જોવાઈ. ભારત કે જે આ વખતે સેમિફાઇનલ માંથી ન્યૂઝીલેન્ડ સામે હારી ને બહાર થઇ ગયેલું. એમાં પણ મોટા પાયે આ મેચ જોવાઈ અને વખણાઈ.

ગઈકાલે વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ની જોકોવિચ અને ફેડરર વચ્ચે ની પણ મહત્વપૂર્ણ ફાઇનલ મેચ હતી. જે પણ ભારત ભાર માં જોવાઈ અને વખણાઈ.

હમણાં ચાર દિવસ પહેલા જ ભારત ની દૂતી ચાંદ એ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માં ૧૦૦ મીટર રેસ માં ભારત ને ગોલ્ડ મેડલ જીતાડી ને ઇતિહાસ રચ્યો.

ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રી હમણાં જ ફૂટબૉલ જગત ના ઇતિહાસ માં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓ માં લિઓનલ મેસ્સી ને પાછળ રાખી ને બીજા ક્રમે પહોંચ્યો.

ગયા અઠવાડિયે સ્પેન ગ્રાન્ડ પ્રિ માં ભારત ની પહેલવાન વિનેશ ફોગટ એ ગોલ્ડ મેડલ જીત્યો. આ અઠવાડિયે ફરી વાર એમણે યાસર ડૉગુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માં ગોલ્ડ મેડલ જીતી ને ભારત માટે ઇતિહાસ કાયમ કર્યો છે.

આ જ પંદર દિવસ માં ભારત ના દોડવીર હિમા દાસ અને મોહમ્મદ અનસ એ બે અલગ અલગ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માં દેશ માટે ગોલ્ડ મેડલ્સ જીત્યા. .

કહેવાનો મર્મ માત્ર એટલો જ છે કે દેશ નો માહોલ બદલાઈ રહ્યો છે. સારા માટે બદલાઈ રહ્યો છે. જે અત્યાર સુધી નહોતું થઇ રહ્યું તે હવે થઇ રહ્યું છે. દેશ સ્પોર્ટ્સ પ્રત્યે સભાન બન્યો છે. ક્રિકેટ સિવાય ની અન્ય રમતો ને માણતો સમજતો થયો છે. જે વાત નો આનંદ જ કરવો ઘટે. કારણકે જે સમાજ ખેલ કૂદ સાથે જોડાઈ રહે છે , એને પોતાની સંસ્કૃત્તિ અને હયાતી નો હિસ્સો બનાવે છે , એ દેશ ની પ્રજા માં ખેલદિલી , ઈમાનદારી અને હાર સ્વીકારી ને એમાંથી શીખી ને આગળ વધવાની ધગશ પણ સહજ જ જોવા મળે છે.

ઓસ્ટ્રેલિયા જેવા દેશ માં જ્યાં સ્પોર્ટ્સ કલ્ચર ખૂબ પ્રખ્યાત છે ત્યાં દરેક નાગરિક ઓછા માં ઓછી બે રમતો રમી જાણે છે. આપણે ત્યાં જેમ કોઈ નવી વ્યક્તિ ની ઓળખાણ માં એમ પૂછવામાં આવે કે તમે શું કામ કરો છો , એમ ત્યાં પુછાય છે કે તમે શું રમો છો. કારણકે લોકો રમત થી જોડાયેલા છે. અને એટલે જ કદાચ વિશ્વ માં અલગ અલગ રમતો ની આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓ માં આ દેશ નું પ્રભુત્વ જોવા મળે છે. અહીંયા લોકો સ્પોર્ટ્સ ને કારકિર્દી તરીકે અપનાવતા ખચકાતા નથી.

હમણાં ઉપર ના લિસ્ટ માં જેટલા ભારતીય નામો તમે વાંચ્યા હશે , એમના મોટા ભાગ ના લોકો ના જીવન અને આ સ્તર સુધી પહોંચવા માટે ના એમના સંઘર્ષ માટે આંખે આખા પુસ્તકો લખાઈ શકે એમ છે. તેમ છતાં પોતાના લક્ષ્ય ને ધ્યાન માં રાખી ને , દરેક મુશ્કેલીઓ નો સામનો કરી ને દેશ ને આંતર રાષ્ટ્રીય કક્ષા પર જીતાડવો એ જરાય નાની બાબત નથી. એનાથી વધુ મોટી બીજી કોઈ સફળતા નથી. આપણે ત્યાં હાજી આજે પણ માં બાપ પોતાના સંતાનો ને , એમના એમાં આવડત હોવા છતાં સ્પોર્ટ્સ માં કારકિર્દી બનાવતા અટકાવે છે . આવા દરેક માં બાપ ભવિષ્ય ના દૂતી ચાંદ , વિનેશ ફોગટ , મેરી કોમ , સાઈના નેહવાલ , એમ એસ ધોની , હિમા દાસ , સાક્ષી મલિક કે અભિનવ બિન્દ્રા ને એમના બાળપણ માં જ રૂંધી નાખે છે. સ્તરહમણાં ઉપર ના લિસ્ટ માં જેટલા ભારતીય નામો તમે વાંચ્યા હશે , એમના મોટા ભાગ ના લોકો ના જીવન અને આ સુધી પહોંચવા માટે ના એમના સંઘર્ષ માટે આંખે આખા પુસ્તકો લખાઈ શકે એમ છે. તેમ છતાં પોતાના લક્ષ્ય ને ધ્યાન માં રાખી ને , દરેક મુશ્કેલીઓ નો સામનો કરી ને દેશ ને આંતર રાષ્ટ્રીય કક્ષા પર જીતાડવો એ જરાય નાની બાબત નથી. એનાથી વધુ મોટી બીજી કોઈ સફળતા નથી. આપણે ત્યાં હાજી આજે પણ માં બાપ પોતાના સંતાનો ને , એમના એમાં આવડત હોવા છતાં સ્પોર્ટ્સ માં કારકિર્દી બનાવતા અટકાવે છે . આવા દરેક માં બાપ ભવિષ્ય ના દૂતી ચાંદ , વિનેશ ફોગટ , મેરી કોમ , સાઈના નેહવાલ , એમ એસ ધોની , હિમા દાસ , સાક્ષી મલિક કે અભિનવ બિન્દ્રા ને એમના બાળપણ માં જ રૂંધી નાખે છે.

અને છેલ્લે,

આપણે ત્યાં કઈ વ્યક્તિ કેટલી સફળ છે , એ નક્કી કરવા માટે નો માપદંડ એ કેટલા પૈસા કમાય છે એના આધારે નક્કી થાય છે. પછી એ પૈસા કાયા માર્ગે ચાલી ને ઘર માં આવ્યા છે એ જોવાતું પૂછતું નથી. એટલે જ કદાચ ખૂબ સફળ રમત વીરો ને ગરીબી અને ગુમનામી માં દિવસો ગુજારવા પડે છે.

કેન્ડીડ વિથ પૂજા – ૧૦ જુલાઈ, 2019

Source : Google

છેલ્લા એક અઠવાડિયામાં ભારત ભર માં બે દાદી ઓ જોરદાર ચર્ચા માં છે. ઈન્ટરનેટ ની ભાષા માં કહીયે તો વાયરલ થયા છે. પહેલા દાદી ૮૭ વર્ષ ના ચારુલતા પટેલ , જે આ વર્લ્ડ કપ દરમ્યાન ભારત ની ટીમ ને સ્ટેડિયમ માં બેસી ને પાનો ચડાવતા જોવા મળ્યા. અને બીજા એક તામિલિયન દાદી એમના પૌત્ર સાથે અલગ અલગ કૂલ વિડીયો ટીક ટોક પર પોસ્ટ કરી ને જોરદાર ચર્ચા માં છે.

આ બંને કિસ્સાઓ માં મારા મતે દર્શકો ને જે આકર્ષી રહ્યું છે તે આ બંને દાદીઓનો જુવાનો ને પણ શરમાવે એવો જુસ્સો છે. આપણે ત્યાં અમુક ઉંમર થી મોટા લોકો માટે સામાજિક રીતે જ અમુક પ્રવૃત્તિઓ ના કરી શકાય એવી માનસિકતા છે. એવો કોઈ બંધ નથી પણ મોટા ભાગ ના લોકો દ્વારા એમ માની લેવા માં આવે છે કે અમુક ઉંમર પછી તમારી જિંદગી પૂરી. તમે એને માની ના શકો. અને જો તમે એવું કૈક કરવા જાવ તો તમારી પ્રવૃત્તિઓ માટે ક્યાં તો તમારી ટીકા થાય અથવા તમારી હાંસી ઉડે. આ આપણા સમાજ ની વિચિત્ર માનસિકતા નો ચિતાર આપે છે.

હમણાં થોડા સમય પહેલા આયુષ્માન ખુરાના ની એક ફિલ્મ આવેલી. ‘બધાઈ હો’. એમાં પણ આ જ વિષય ને સુંદર રીતે રજુ કરાયેલો. મોટી ઉંમર ની વ્યક્તિઓ અમુક જ રીત ની માજા માણી શકે , અમુક જ રીતે હસી બોલી શકે , અમુક જ પ્રકાર ના કપડાં પહેરી શકે , એમનું ધ્યાન મોટા ભાગે પ્રભુ ભક્તિ માં જ હોવું જોઈએ , એમણે ધાર્મિક જાત્રાઓ જ કરવી જોઈએ એવું એક લાંબુ લિસ્ટ સમાજ એ એમના માટે તૈયાર કરેલું છે. અને એ દાયરા ની અંદર રહી ને વર્તતા લોકો ને ‘ સભ્ય’ ગણવામાં આવે. જાણે કે અમુક ઉંમર પછી તમને મુક્ત મને જીવવા પર રીત સર નો પ્રતિબંધ ના હોય!

આ બાબતે આપણે પશ્ચિમ ના દેશો અને ત્યાંની સભ્યતા પાસે થી શીખ લેવા જેવી છે. ત્યાં ઉંમર નો કોઈ બાધ નથી. તમને તમારી ઈચ્છા પ્રમાણે વર્તવા બાદલ કોઈ પણ ઉંમરે ટોકવામાં નથી આવતા. એના વિષે ધારણાઓ પણ બાંધવામાં નથી આવતી. ઉપરથી તમને આમ કરવા માટે નું મોકળાશ ભર્યું વાતાવરણ અપાય છે. ત્યાં ‘ Age is just a number ‘ એ વાત માત્ર વાતો માં નથી. એનો અમલ પણ થાય છે. અને એટલે જ ત્યાં જુસ્સા ભેર હોંશ થી જીવતા દાદીઓ રાતોરાત ચર્ચા નું કારણ નથી બનતા.

ખરું જોવા જાવ તો આ બંનેવ કિસ્સા માં આ દાદીઓ આપણા માટે પ્રેરણા રૂપ છે. દુનિયાઇ ને ભૂલી ને પોતાની મસ્તી માં જીવવું , પોતાને ગમતું કરવું , કોણ શું કહેશે એની પરવાહ કાર્ય વગર પોતાના શોખ પૂરા કરવા , આ બધું જ કરવા માટે આપણા જેવા સમાજ માં હિમ્મત જોઈએ. બેફિકરાઈ જોઈએ , ખુબ મજબૂત મન જોઈએ અને જીવન જીવવા ની અપ્રતિમ ધગશ જોઈએ જે આજના યુવાનો માં પણ કૈક અંશે ખૂટતી જોવા મળે છે . એટલે જ વારંવાર તમને એમના મોઢે થી ‘કંટાળો’ શબ્દ સાંભળવા મળે છે. મારા દાદી મને કહેતા કે જે પોતે કાંટાળા જનક હોય ને એને જ કંટાળો આવે. ત્યારે નહિ સમજાતું , અત્યારે આ વાત કેટલી સાચી લાગે છે.

અને છેલ્લે,

આ પરિસ્થિતિ માં આપણે શું કરી શકીએ? આપણા વડીલો ને વડીલો મટાડી ને મિત્રો બનાવી શકીએ. એમને એમની રીતે જીવવા ની મોકળાશ આપી શકીએ. એમની એમની મનગમતી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપી શકીએ. ટૂંક માં એમની ઢળતી ઉંમરે એમને ફરીથી જીવતા શીખવીએ.

કેન્ડીડ વિથ પૂજા – ૯ જુલાઈ, 2019

Source : Google

આજે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ ની પહેલી સેમિફાઇનલ મેચ રમવાની છે, ત્યારે મને થયું કે તમારી સાથે કેટલીક એવી વાતો શેર કરું જેમાં એક ક્રેઝી ઇન્ડિયન ક્રિકેટ ફેન તરીકે તમને ચોક્કસ જ રસ પડે.

૧) ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ માં કુલ ૭ વખત એકબીજા સામે રમ્યા છે. જેમાં છેલ્લી મેચ ૨૦૦૩ ના વર્લ્ડ કપ દરમ્યાન રમાયેલી. આ મેચ માં ઝહિર ખાન નો મેચ વિનિંગ દેખાવ તમને યાદ જ હશે.

૨) આ ૭ મેચ માંથી ભારત ૩ વખત અને ન્યૂઝીલેન્ડ ૪ વખત જીત્યું છે.

૩) આજ ની મેચ માં વરસાદ પાડવાની પુરી શક્યતાઓ છે. જો વરસાદ ના કારણે મેચ રદ્દ થશે , તો રન રેટ ના આધારે ભારત ફાઇનલ માં પહોંચશે.

૪) વર્લ્ડ કપ સિવાય ની વાત કરીએ તો ક્રિકેટ ના ઇતિહાસ માં ભારત અને ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી માં કુલ ૧૦૭ વખત એકબીજા ની સામે રમ્યા છે. જેમાંથી ભારત ૫૫ મેચ જીત્યું છે.

૫) ભારત ના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલૅન્ડ ના કેપ્ટન કેન વિલિયમસન ૧૧ વર્ષ પહેલા એકબીજા સામે અંડર ૧૯ ના ક્રિકેટ વર્લ્ડ કપ માં પોતાની ટીમ ના કેપ્ટન તરીકે રમી ચુક્યા છે.

૬) આ મેચ માં વિરાટ કોહલી એ કેન વિલિયમસન ની વિકેટ લીધેલી અને ભારત મેચ જીતેલું.

અને છેલ્લે,

બપોરે ૩ વાગ્યા થી આજની મેચ શરુ થશે. તમને શું લાગે છે , ફાઇનલ માં ભારત ની સામે કઈ ટીમ રમશે ? 😛

કેન્ડીડ વિથ પૂજા – ૫ જુલાઈ, 2019

ગઈકાલે રથયાત્રા ના દિવસે વણજોયું મહુર્ત હોવાના કારણે માત્ર અમદાવાદ શહેર માં જ ૭૦૦૦ જેટલા દ્વિ ચક્રી વાહનો અને ૨૫૦૦ ગાડીઓ નું વેચાણ થયું. મને ખાતરી છે કે દેશભર નો આ આંકડો ખૂબ ઉપર હોવાનો. નવું વાહન લેવું એ સારી બાબત છે. પણ એ આપણને કઈ રીતે નડશે એની શક્યતાઓ જણાવું.

૧) રસ્તા પર છે એટલા વાહનો પણ સમાતા નથી. એમાં બીજા નવા વાહનો નો ઉમેરો થશે. એટલે ટ્રાફિક ની સમસ્યા વકરશે.

૨) આપણે ત્યાં વધુ વસ્તી , અણઘડ શહેરવ્યવસ્થા અને નિયમો નું પાલન નહિ કરવાની વૃત્તિ ના કારણે પાર્કિંગ ની સમસ્યા પણ વધશે.

૩) વાહનો વધશે એટલે પેટ્રોલ ડીઝલ નો વપરાશ વધશે જેથી હવે ના પ્રદુષણ માં વધારો થશે.

૪) ટ્રાફિક ની સમસ્યા ના કારણે ધ્વનિ પ્રદુષણ પણ વધશે.

વાહન ખરીદતી વખતે આપણને આ બધી બાબતો નો ખ્યાલ નથી આવતો જે લાંબા ગાળે આપણી મુશ્કેલિઓ વધારવાની છે. પણ ખેર , આની સાથે એક સારા સમાચાર પણ છે. અને તે એ કે આમાંથી મોટાભાગ ની સમસ્યાઓ નો ઉકેલ હવે આપણી પાસે છે. અને એ છે બેટરી થી ચાલતા વાહનો. જે મોટાભાગે EV તરીકે ઓળખાય છે. એમાં પણ આ વખતે નીતિ આયોગે સરકાર ને આ બેટરી થી ચાલતા વાહનો માટે ની ખરીદી પર ગ્રાહક ને ખાસ વળતર મળી રહે એ માટે ની રજૂઆત કરી છે જે સરકાર એ મંજુર કરી છે.

દુનિયાભર માં પ્રદુષણ સામે લાડવા માટે અને કાર્બન નું ઉત્સર્જન ઘટાડવા માટે બેટરી થી ચાલતા વાહનો ને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. અને ભારત માં પણ હવે ઘણીં બધી આંતરરાષ્ટ્રીય કંપનીઓ આ ક્ષેત્ર માં પગપેસારો કરી રહી છે. આપણે ત્યાં આ પ્રકાર ના વાહનો વધુ પ્રખ્યાત નથી એનું સૌથી મોટું કારણ એ છે કે આવા વાહનો ખૂબ મોંઘા છે. જેમાં નીતિ આયોગ ના આ પગલાં થકી ગ્રાહક તરીકે આપણને ઘણો ફાયદો થઇ શકે. કેટલાક મુદ્દાઓ જેની આપણે અપેક્ષા રાખી શકીએ.

૧) યુનિયન કેબિનેટે બેટરી ની સાઈઝ પ્રમાણે વાહન ની ખરીદી પર દર એક કિલો વોટ આવર પર ૧૦૦૦૦ રસ ની છૂટ ને મંજૂરી આપી છે.

૨) આના થકી દ્વિચક્રી વાહનો કે જે ૨ થી ૪ કિલો વોટ આવર બેટરી થી ચાલતા હોય છે , એની ખરીદી પર ૨૦૦૦૦ થી ૪૦૦૦૦ રુઇયા સુધી ની છૂટ મળી શકશે. ૩ પૈડાં વાળા વાહનો પર ૫૦૦૦૦ થી ૧૦૦૦૦૦ રૂપિયા જેટલી છૂટ મળી શકશે અને ચાર પૈડાં વાળા વાહનો પર ૨૫૦૦૦૦ રૂપિયા સુધીની છૂટ મળી શકશે.

૩) આ પગલાં થી સરકાર બેટરી થી ચાલતા વાહનો નું વેચાણ વધવાની અપેક્ષા રાખે છે , જેથી પેટ્રોલ અને ડીઝલ નો વપરાશ ઘટે અને એના માટે ની આયાત પણ ઘટાડી શકાય.

૪) આ પગલાંથી પ્રદુષણ તો ચોક્કસ ઘટવાનું જ !

૫) આવા વાહનો માટે મોટા શહેરો માં અને હાઇવે પર દર અમુક થોડા અંતરે ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાનો પણ સરકાર નો ઈરાદો છે. જેથી બેટરી સંચાલિત વાહનો નો વપરાશ વધે.

અને છેલ્લે,

આ બધી જ વ્યવસ્થા છતાં છેલ્લી પસંદગી તો આપણી જ છે. આપણે કેવું ભવિષ્ય જોઈએ છીએ,અને આવનારી પેઢી ને આપણે કેવી દુનિયા આપવા માંગીએ છીએ એનો આધાર આપણી પસંદગી પર રહેલો છે.