‘ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.’ આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી?

કેન્ડીડ વિથ પૂજા – ૨૧ જાન્યુઆરી , ૨૦૨૦

આજ થી લગભગ દસ બાર વર્ષ પહેલા જયારે એક ફેમેલી ગેટ ટૂ ગેધર ની ચર્ચાઓમાં મને ખબર પડેલી કે મુંબઈ શહેર માં એક બહેન એવો બિઝનેસ ચલાવે છે , જેમાં એ એમના ગ્રાહકો માટે એમની પસંદ નો જમવાનો ઓર્ડર તૈયાર કરી આપે , અને ગ્રાહક ની જ પસંદ ની રેસ્ટોરન્ટ માંથી એ ઓર્ડર તૈયાર કરાવી ને એમના ગ્રાહક ના ઘરે પહોંચાડે, ત્યારે ખુબ નવાઈ લાગેલી! કે એવું કેવું? રેસ્ટોરન્ટ નું જમવાનું કોઈ આપણા ઘરે આપી જાય? આપણે ત્યાં નહીં જવાનું? મને લાગેલું કે મુંબઈ માં કદાચ આવું બધું ચાલતું હશે કારણકે ત્યાં ટ્રાફિક ની સમસ્યા ખુબ મોટી છે અને શહેર પણ ઘણું મોટું છે. એમાં જો કોઈ તમારા ઘરે બેઠા તમારો મનપસંદ ઓર્ડર આપી જાય , તો એનાથી ઉત્તમ બીજું શું હોય? ત્યારે મને સહેજેય ખ્યાલ નહોતો કે ૧૦ વર્ષ ની અંદર મારી આસપાસ નું દુનિયા એ હદે બદલાઈ જવાની છે કે આ બહુ જ સહજ વાત બની જવાની છે. ( અને જનરેશન એક્સ અને વાય અને ઝેડ માટે તો , એક માત્ર વિકલ્પ.)

પણ ખેર , બરાબર આ જ સમયે , આઈ.આઈ.ટી. દિલ્હી માંથી ભણી ને બહાર નીકળેલા અને એ સમયે એક મલ્ટિનેશનલ કંપની માં કામ કરતા બે મિત્રો દીપિન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢા ના મન માં એક વિચાર આવ્યો. જે માત્ર ૧૦ વર્ષ ની અંદર જ ભારત માં જ નહીં પણ ભારત બહાર સમગ્ર દુનિયા માં ફેલાવાનો હતો. ડેપિન્દર અને પંકજે જોયું કે એ જે કંપની માં કામ કરે છે , ત્યાં માત્ર ફૂડ મેન્યુ જોવા માટે પણ લોકો એ ખુબ લાંબી રાહ જોવી પડે છે. એમને થયું કે આપણે એવું કાંઈ શરુ કરીએ જેનાથી આખી ઓફિસ ના લોકો મેન્યુ એક જ સમયે જેને જોવું હોય એ બધા જ પોતપોતાની રીતે જોઈ શકે તો? અને આ વિચારે ૨૦૦૮ ની સાલ માં જન્મ આપ્યો ફૂડીબે નામની વેબસાઈટ ને. જેના પાર જે જોઈતા હોય એ બધા જ મેન્યુ ઉપલબ્ધ હોય અને જેને જયારે જોવું હોય , જોઈ શકે. એના માટે રાહ જોવાની જરૂર નહીં. એમની આ વેબસાઈટ ખુબ ચાલી. માત્ર એમની ઓફિસ માં જ નહીં , પણ દિલ્હી આખા માં. પછી તો મુંબઈ માં પણ. અને એ વિચાર ને આગળ વધારવા માટે ૨૦૧૦ ની સાલ માં આ બંનેવ મિત્રો એ ફૂડીબે નું નામ બદલી ને ઝોમેટો કરી નાખ્યું. અને એમના સ્ટાર્ટઅપ ને રિ લોન્ચ કર્યું.

ત્યારથી લઇ ને આજે સવારે ૭ વાગ્યા સુધી કે જયારે ઝોમેટો એ ભારત માં ઉબેર ઇટ્સ ને ટેકઓવર કર્યું , એ દસ વર્ષ ના સમય માં આપણે સૌએ એની પ્રગતિ જોયેલી છે. પણ મને એવો વિચાર ચોક્કસ આવ્યો કે સાલું આની શરૂઆત ક્યાંથી થઇ હશે?! અને થોડું ખણખોદ કરતા , જે માહિતી મને મળી , એ બહુ રસપ્રદ છે.

જો આપણે ઘરની બહાર બનાવેલું ફૂડ જાતે જ ડિલિવરી લઇ ને ઘરે આવી ને જમવા વાળા વિચારની ( ટેક અવે ફૂડ ) વાત કરીએ તો એની શરૂઆત એન્શિયન્ટ ગ્રીસ માં થયેલી. જ્યાં એવા ગરીબ લોકો , કે જેમની પાસે ઘરે રસોડું રાખી શકવાની તાકાત ના હોય , એમના માટે રસ્તાઓ અને બજાર માં ખાસ થર્મોપોલિયમ ની વ્યવસ્થા કરવામાં આવતી. કે જેમાં ખોરાક ગરમ રહી શકતો. અને કામ પરથી ઘરે જતો માણસ , ત્યાંથી ગરમ ખોરાક લઇ ને ઘરે જઈ શકતો. ( આપણને આ વિચાર થોડો અજીબ લાગે કારણકે આપણા ભારતીય ઘરો માં ખોરાક હંમેશા ઘરે અને ગરમ જ બન્યો છે. પણ પશ્ચિમ અને યુરોપ ના દેશો માં જ્યાં સંસ્કૃતિ આપણા કરતા ઘણી સદીઓ પછીથી વિકસી છે , એમનો ખોરાક હંમેશા ગરમ નહોતો. )

પણ આ તો ટેક અવે ફૂડ ડિલિવરી ની વાત થઇ. પહેલી એક્ચ્યુઅલ ફૂડ ડિલિવરી કઈ થઇ હશે? તો એનો ઇતિહાસ ૧૭૬૮ ની સાલ માં કોરિયા સુધી જાય છે. જ્યાં સૌથી પહેલી વખત ‘કોલ્ડ ન્યુડલ્સ’ ની હોમમાં ડિલિવરી થયેલી. એના પછી ૧૮૮૯ માં , ઇટાલી ના રાજા અમ્બર્ટો અને રાણી માર્ગરિટા એ આળસી જઈ ને એમના મહેલ માં પિઝા ની ડિલિવરી મંગાવી. ( આ એ જ પિઝા છે જેનું નામ આપણે રાણી માર્ગરીટા ના નામ પરથી માર્ગરીટા પાડ્યું છે. અને એને ખુબ ટેસ થી આરોગીએ છીએ.) ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટન માં હજ્જારો નિરાશ્રિત પરિવારો ને ગરમ ભોજન મળી રહે એની ખાસ વ્યવસ્થા બ્રિટન ની સરકારે કરી. જેમાં દેશભર માં ‘ હોટ મીલ’ પહોંચાડવામાં આવતું. યુદ્ધ પૂરું થયા પછી અમેરિકા ના કમર્શિયલ સેક્ટરે આ વિચાર અપનાવી લીધો અને શરૂઆત થઇ દુનિયા ના શરૂઆત ના ફૂડ ડિલિવરી બિઝનેસ ની. જેના થકી અમેરિકા ની રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ટકી ગઈ.કારણકે આ એ સમય હતો કે જયારે વધતો જતો અમેરિકન મિડલ ક્લાસ , એમના ઘર માં નવા આવેલા ટીવી ને છોડવા નહોતો માંગતો અને એટલે જ પોતાના ઘરે રસોઈ બનાવવાનું ચલણ વધી રહ્યું હતું.

Roman kitchen of thermopolium at Pompaii.

જો કે , અત્યાર સુધી આ બધું જ ફોન દ્વારા કે પછી અગાઉ થી અપાયેલા ઓર્ડર દ્વારા ચાલતું હતું. પહેલો ઓનલાઇન ફૂડ ડિલિવરી ઓર્ડર ક્યારે અપાયો? અને કોને અપાયો? એનો ઇતિહાસ બહુ જ નજીક ના ભૂતકાળ માં વર્ષ ૧૯૯૪ ની સાલ માં જાય છે. જ્યાં પિઝા હટે પહેલી વાર એનો ઓનલાઇન ડિલિવરી કરેલી.
બસ એ ઘડી ને આજનો દિવસ , ઓનલાઇન ફૂડ ઇન્ડસ્ટ્રી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને આપણે એના સહારે જીવી રહ્યા છીએ.

છેલ્લે,

ઓનલાઇન ફૂડ ડિલિવરી માં આખી દુનિયા ના મસાલા ના ચટાકા હશે , પણ માં ના હાથ ના રોટલી શાક ઘર ના રસોડે જ બને છે. કારણકે ઘર કા ખાના આખિર ઘર કા ખાના હોતા હૈ!

આ વખતે ઘણા લોકો એ મને પૂછ્યું કે આ ગણેશ ચતુર્થી એ ઘરે જ માટી ના ઈકો ફ્રેંડલી ગણેશ જી કેવી રીતે બનાવી શકાય ? હું કહું છું આવી રીતે.

કેન્ડીડ વિથ પૂજા – ૩૦ ઓગસ્ટ , ૨૦૧૯

ભગવાન શ્રી ગણેશ ના તહેવાર ના શ્રી ગણેશ થવામાં માત્ર ૨ દિવસ ની વાર છે. દુનિયા નો કદાચ આ એકમાત્ર એવો તહેવાર હશે કે જયારે આપણે વાજતે ગાજતે ભગવાન ને ઘરે લાવતા હોઈશું , નક્કી કરેલા દિવસો એમની ખાતિરદારી કરતા હોઈશું અને પુરા માં સન્માન સાથે આવતા વર્ષે ફરી આવે એવી આજીજી સાથે વળાવતા હોઈશું.


જયારે આ તહેવાર ની ઉજવણી ની શરૂઆત થઇ ત્યારે લોકો પોતાના ઘર ની આસ પાસ ની માટી ભેગી કરી અને એમાં પાણી ભેળવી ગણેશજી બનાવતા અને એને રંગવા માટે સાવ જ કુદરતી રંગો વાપરતા. જેથી કરી ને જયારે આ ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવાનું થાય , ત્યારે આ પદાર્થો સહેલાઇ થી જમીન માં ભળી જાય. સમય બદલાયો એમ રીત પણ બદલાઈ. હવે ગણેશ જી ની પ્રતિમા પ્લાસ્ટર ઓફ પોરિસ ની બને છે અને એને રંગવા માટે જે રંગો વપરાય છે એ પણ રસાયણ યુક્ત હોય છે. આવી પ્રતિમા દેખાવ માં સારી લાગે અને વજન માં પણ કદાચ હલકી હોય . ભાવ માં પણ સસ્તી પડે ( અને જાતે કોઈ મહેનત નહીં!) પણ એનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ પ્રતિમા ઓ વિસર્જન વખતે જે નદી માં કે તળાવ માં વિસર્જિત કરવામાં આવે ત્યાં અનહદ પ્રદુષણ ફેલાવે છે.

હવે જયારે ઈશ્વર ને ઘરે આમંત્રણ આપવું હોય તો સૌથી પહેલું જેનું ધ્યાન રાખવું પડે એ છે પર્યાવરણ. કારણકે ઈશ્વર નો સૌથી પહેલો વાસ પર્યાવરણ માં જ છે.


કેવી રીતે ઘરે બનાવી શકાય ગણેશજી ની પ્રતિમા.

આપણી નજીક માં જો કોઈ કુંભાર હોય , તો એની પાસે થી સરળતા થી પ્રતિમા બનાવવા માટે જોઈતી ચીકણી માટી મળી રહે. જો આપના ઘર ની આસ પાસ ક્યાંય એ ઉપલબ્ધ હોય તો એ પણ વાપરી શકાય. આ ચીકણી માટી માં પાણી ભેળવી ને એને ગણેશ જી નો આકાર આપી શકાય. મૂર્તિ ને સીધી રાખવા માટે અને એ પડી ના જાય એ માટે ધાડ અને માથું જોડી રાખવા આઈસક્રીમ સ્ટીક કે પછી ટૂથપિક નો ઉપયોગ પણ કરી શકાય. જો બાળકો પાસે આ પ્રવૃત્તિ કરાવવા માં આવે તો અતિ ઉત્તમ.


એને રંગાવ માટે કેટલાક એવા ફૂલો જે તમારા ઘર ની આસપાસ ઉગતા હોય , એને પીસી ને એમાંથી રંગ બનાવી શકાય. પીળા રંગ માટે હળદર કે મરૂન રંગ માટે બીટ વાપરી શકાય. લાલ રંગ માટે કંકુ પણ વાપરી શકાય.

એને સજાવવા માટે ઘર ની આસપાસ થતા ફૂલો નો માળા બનાવી શકાય. ઘર માં પડેલા તોય કે ટિક્કી થી મુગટ પણ થઇ શકે. અને આપના જાતે બનાવેલા ગણેશજી તૈયાર.

ઘરે જાતે કે પછી બાળકો દ્વારા બનાવવા માં આવતી પ્રતિમા ની જો ઘર માં સ્થાપના થાય તો એનું પોતીકાપણું જ કૈક અલગ હોય છે. સાથે એના અનેક ફાયદાઓ પણ છે. બાળકો આપણી સંસ્કૃત્તિ અને સભ્યતા ના પરિચય માં આવે. એમની રચનાત્મક સમાજ ખીલે. એક હકારાત્મક પ્રવૃત્તિ માં એમનો સમય પસાર થાય.અને સૌથી મહત્વનું એ કે આવી પ્રતિમાઓ વિસર્જન વખતે પર્યાવરણ ને નુકશાન ના પહોંચાડે. આજે આ વાત અહીંયા ખાસ એટલે કહેવાની કારણકે આ બધો જ મારો જાત અનુભવ છે.

અને છેલ્લે,

આવી જાતે બનાવેલી ગણેશ પ્રતિમા નું આપના ઘર માં સ્થાપન થાય એ બાદ ગણેશજી આપના પાર ખુબ પ્રસન્ન રહે અને એમના આશીર્વાદ સદાય આપણી સાથે રહે એવી શુભેચ્છા. ( જો પ્રયોગ કરો તો અનુભવ ચોક્કસ શેર કરજો. )

એમ કહેવાય છે કે એમની રમત જોઈ ને હિટલર એટલો તો પ્રભાવિત થયેલો કે એણે એ ચેક કરવાનો આદેશ આપેલો કે આ ખેલાડી ની હોકી માં ક્યાંક લોહ ચુંબક તો નથી ને જેથી બોલ એની હોકી સ્ટિક થી છૂટો જ ના પડે !! આ ખેલાડી કોણ ?? વાંચો આજના બ્લોગ માં.

કેન્ડીડ વિથ પૂજા – ૨૯ ઓગસ્ટ , ૨૦૧૯

૨૯ ઑગસ્ટ , ૧૯૦૫ ના દિવસે અલાહાબાદ ના એક રાજપૂત પરિવાર માં એક બાળક નો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું ધ્યાન સીંગ. પિતા ઇન્ડિયન આર્મી માં નોકરી કાર્ય હોવાને લીધે ધ્યાન સીંગ અને એમના આખા પરિવાર ને અવાર નવાર શહેર બદલવા પડતા. પણ અમુક વર્ષો ને અંતે છેવટે આ સીંગ પરિવાર ઝાંસી માં સ્થાયી થયો. ત્યાંથી જ ધ્યાન સીંગ એ પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું અને પિતાના પગલે એ પણ ઇન્ડિયન આર્મી માં જોડાઈ ગયા. અત્યાર સુધી એમને જરાય ખ્યાલ નહોતો કે દુનિયા ના નકશા પર એ ભારત નું નામ એક એવા ખેલ માટે રોશન કરવાના છે કે જે તરફ એમને ઝાઝું લક્ષ્ય જ નથી સેવ્યું,

ધ્યાનચંદ જી ના કહેવા પ્રમાણે ઇન્ડિયન આર્મી સાથે જોડાયા પહેલા એમને મંદ અમુક વખત મિત્રો સાથે માજા માટે હોકી રમી હશે. આ રમત વિષે એમને થોડું ઘણું જ્ઞાન હતું કારણકે એમના પિતાજી ઇન્ડિયન આર્મી ની ટીમ માટે હોકી રમતા. પણ પોતે ખેલ કૂદ માં કારકિર્દી બનાવી શુક્લે એ વિષે ધ્યાન સીંગ ને જરાય ખ્યાલ જ નહોતો. આર્મી સાથે જોડાયા પછી ધ્યાન સીંગ એ આર્મી ની જ ટિમ માટે હોકી રમવાનું શરુ કર્યું અને ધીમે ધીમે એમને આમ ફાવટ આવત આવતી ગઈ.

ધ્યાન સીંગ નું નામ ધ્યાન ચંદ કેવીરીતે પડ્યું?

એ સમય માં જયારે ધ્યાન સીંગ આર્મી માટે હોકી રમતા , ત્યારે આખા દિવસ ની નોકરી પતાવી ને એ રાત્રે પ્રેકટીસ કરતા. રાત ની પ્રેકટીસ હોય એટલે એ હંમેશા ચાંદો નીકળવાની રાહ જોતા જેથી હોકી ના બોલ ને બરાબર જોઈ શકાય! ( આ એ સમયગાળા ની વાત છે કે જયારે ભારત ને આઝાદી મળવાને હાજી ૨૫ એક વર્ષ ની વાર હતી એટલે હોકી રમવા માટે સ્ટેડિયમ કે એમાં ફ્લડ લાઇટ્સ નો તો સવાલ જ નથી ઉભો થતો. ) ધીમે ધીમે રોજ રાત્રે ચંદ નીકળવાની ઉત્સુકતા ધ્યાન સીંગ માં એટલી વધતી ગઈ , કે એમના એમની જ સાથે હોકી રમતા મિત્રો એમને ધ્યાન ‘ચંદ’ ના નામ થી સંબોધવા લાગ્યા. અને આ રીતે ધ્યાન સીંગ ધ્યાન ‘ચંદ’ બન્યા.

જયારે ભારતીય સેનાએ તરફ થી ધ્યાન ચંદ ને ભારત ની હોકી ની ઓલિમ્પિક ટીમ માં રમવા માટે ની પરવાનગી મળી અને મુંબઈ થી આ આખી ટીમ નેધરલેન્ડ જવા રાવણ થઇ ત્યારે એરપોર્ટ પર એમને મુકવા માત્ર ૩ જણા આવેલા. કારણકે દરેક ને એમ હતું કે આ ટીમ કઈ ઉકાળવાની નથી. જતા પહેલા ની અહીંની દરેક પ્રેકટીસ મેચ માં પણ આ ઓલિમ્પિક ટીમ હાર સહન કરી ચુકેલી. પણ ૧૯૨૮ માં એમ્સ્ટર્ડેમ સમર ઓલિમ્પિક માં પહોંચ્યા પછી આ ટીમે ઓસ્ટ્રિયા , બેલ્જિયમ , ડેનમાર્ક , સ્વિટ્ઝર્લૅન્ડ અને નેધરલેન્ડ સહીત ની દરેક ટીમ ને ખુબ મોટા મારગીન થી હરાવી . જેમાં ધ્યાન ચંદ નો ફાળો બહુ મોટો હતો. કુલ ૫ મેચ માં ૧૪ ગોલ ફટકારી ને એ સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી બન્યા. અને અહીંથી એમને ભારતીય હોકી ને વિશ્વ ફલક પર સુવર્ણ પદક જીતાડી ડંકો વગાડી દીધો.

હિટલરે ધ્યાન ચંદ ની રમત જોઈ ને એમને શું ઓફર આપેલી?

ઓલિમ્પિક માં ગોલ્ડ મેડલ જીતી ને જયારે ધ્યાનચંદ અને ટીમ ભારત પાછા આવ્યા ત્યારે મુંબઈ એરપોર્ટ પર , જ્યાં જતી વખતે માત્ર ૩ જણ મુકવા આવેલા , આવતી વખતે એમનું ભવ્ય સ્વાગત થયું. અને ધ્યાન ચંદ ને ભારતીય સેનાએ માં ‘મેજર’ તરીકે પ્રમોશન પણ મળ્યું. ત્યારથી એ ‘ મેજર ધ્યાનચંદ ‘ કહેવાયા, એવું કહેવાય છે કે જારમાંય સામેની એક મેચ માં એમની રમત જોઈ ને હિટલર એટલો બધો પ્રભાવિત થયેલો કે એને ધ્યાન ચંદ ને જર્મન સેનાએ માં ખૂબ ઉચ્ચ હોદ્દો આપવાની ઓફર મુકેલી સાથે જર્મન સિટિઝનશીપ પણ ઓફર કરેલી. જેને ઠુકરાવી ને ધ્યાનચંદ જી એ પોતાના દેશ પ્રત્યેની વફાદારી બતાવેલી.

કેવી હતી ધ્યાન ચંદ ની પાછલી જિંદગી?

૧૯૫૬ માં ભારત સરકારે એમને પદ્મ ભૂષણ ના ખિતાબ થી નવાજ્યા. પણ જીવન ના આખરી પડાવ માં એમને ખૂબ આર્થિક અને શારીરિક તકલીફો નો સામનો કર્યો. દિલ્હી ની એઇમ્સ હોસ્પિટલ ના ગનરલ વોર્ડ માં લીવર ના કેન્સર સામે ની જંગ હારી ને ૩ ડિસેમ્બર ૧૯૭૯ ના દિવસે એમને આ દુનિયા ને અલવિદા કહ્યું . મેજર ધ્યાન ચંદ સીંગ ના માન માં ભારત સરકાર ખેલ કૂદ નો લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ ‘ મેજર ધ્યાન ચંદ’ એવોર્ડ એનાયત કરે છે. સાથે એમના જન્મ દિન ને આપણે ત્યાં રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ તરીકે ઉજવવા માં આવે છે.

હોકી ની રમત માં દુનિયા એ જોયેલા અત્યાર સુધી ણ એ સર્વશ્રેષ્ટ ખેલાડી રહ્યા છે. કદાચ એટલે જ એમને ‘ ધ વિઝાર્ડ’ અથવા ‘ ધ મેજિશિયન’ ના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે.

અને છેલ્લે,

આજે ૨૯ ઓગસ્ટ ,૨૦૧૯ ના દિવસે , મેજર ધ્યાન ચંદ સીંગ ની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ ના માન માં ભારત સરકારે ‘ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ ની શરૂઆત કરી છે. જેથી દેશ ના વધુ ને વધુ યુવાનો ને ખેલ કૂદ અને શારીરિક કસરત તરફ વળી શકાય.

મેઘાણી ની ‘સૌરાષ્ટ્ર ની રસધાર’ વાંચી તો હશે , પણ લખાઈ કઈ રીતે , ખબર છે?  મેઘાણી એ એમના જીવન ની સૌ પ્રથમ સાહિત્યિક કૃતિ કઈ ઉંમરે રચેલી?  મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ કેવીરીતે મળેલું ? 

કેન્ડીડ વિથ પૂજા – ૨૮ ઓગસ્ટ , ૨૦૧૯ 

રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા ભારત ના ‘રાષ્ટ્રીય શાયર ‘ નું બિરુદ જેમને મળેલું છે  , જેઓ પોતાની રચનાઓ  માં સોરઠી લહેકો , ભાષા અને જુસ્સો સાચવી શક્યા છે , જે આવનારી સદીઓ માટે પોતાના સાહિત્ય થાકી અમરત્વ પ્રાપ્ત કરી ચુક્યા છે , એવા ગુજરાત અને ગુજરાતી ભાષા ના ગૌરવ સમા લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી ની આજે જન્મ જયંતિ છે. તો એ નિમિત્તે એમના વિષે ની કેટલીક વાતો કરવાનું મન છે, 
ઝવેરચંદ મેઘાણી નો જન્મ ૨૯ ઓગસ્ટ ના , ૧૮૯૬ ના રોજ ચોટીલા ના બહાર ના વિસ્તાર માં થયેલો. સૌરાષ્ટ્ર – કાઠિયાવાડ ની ધરતી પાર જન્મેલા ઝવેરચંદ પોતાને હંમેશા ‘ પહાડ નું બાળક’ ગણાવતા.  પિતા કાલિદાસ ની નોકરી પોલીસ માં હોવાથી એમની વારંવાર બદલી થતી , પણ ઝવેરચંદ નું મોટા ભાગ નું શિક્ષણ રાજકોટ માં જ થયું. ઝવેરચંદ નો જન્મ પણ એવા સમયે થયો જયારે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ ની ધરતી એના ખુબ કપરા સમય માંથી પસાર થઇ રહી હતી. એવું કહેવાતું કે એક સમયે જ્યાં દૂધ ની નદીઓ વહેતી હતી એ કાઠિયાવાડ માં એ સમયે એટલી ગરીબી હતી કે એની ૧૫% જેટલી પ્રજા નું આ વણસેલી પરિસ્થિતિ ના કારણે મૃત્યુ થયેલું. આવા કપરા સમય માં ઉછરેલું બાળક કાળજા નું કેટલું કઠણ હોય! 
બાળક ઝવેરચંદ ને પહેલેથી જ ભાષા અને સાહિત્ય માં રસ પડતો. માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે એમને જીવન ની પહેલી કવિતા ની રચના કરેલી. ત્યારે કદાચ સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે એમનો જન્મ લોક સાહિત્ય ની સેવા કરવા માટે જ થયો છે! પાછળ થી એમને સંસ્કૃત અને અંગ્રેજી , આ બંનેવ ભાષા માં સ્નાતક ની પાડવી મેળવી અને ભાવનગર માં એક શાળા માં શિક્ષક તરીકે જોડાયા. પણ એ જ સમય દરમ્યાન કલકત્તા માં ભાઈ ના પરિવાર માં મુશ્કેલી આવી પડી અને એને સાચવવા માટે ઝવેરચંદ ને સોરઠ છોડી ને કલકત્તા જવું પડ્યું. આ દરમ્યાન કલકત્તા માં પણ એમને એક નોકરી લીધી જ્યાં એમની આવડત અને હોંશિયારી જોતા એમને ઝડપ થી મેનેજર તરીકે પ્રમોશન પણ મળ્યું. 
ઝવેરચંદ મેઘાણી નું જીવન હંમેશા સાવ સાદું રહ્યું. એમાં પહેરવેશ માં એક ધોતી , ઘૂંટણ સુધી નો ઝભ્ભો અને માથે પાઘડી જ હોય. જેથી કલકત્તા માં એમની ઓફિસ ના સહ કર્મચારી એમને પ્રેમથી ‘ પઘડી બાબુ’ તરીકે સંબોધતા. આમ જોવા જાવ તો કલકત્તા નો સમય ઝવેરચંદ મેઘાણી ની સાહિત્યિક પ્રવૃત્તિઓ ને વેગ આપવા માટે ખૂબ મહત્વ નો સાબિત થયો. અહીંયા એ રસ્તા પર ની જાહેરાતો વાંચી વાંચી ને બંગાળી ભાષા શીખ્યા. અને એના થાકી રવિન્દ્ર નાથ ટાગોર અને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મહાન સાહિત્યકારો ના સર્જન ના સંપર્ક માં આવ્યા. આ સાહિત્ય થી એમને પોતાની મૌલિક રચનાઓ કરવા માટેની ઘણી પ્રેરણા મળી. કલકત્તા ની નોકરી ખૂબ સારી હતી પણ કુદરતે એમના માટે કંઈક બીજું જ વિચારી રાખેલું. 
૧૯૨૧ ની સાલ માં એ કાઠિયાવાડ પાછા આવ્યા. ૧૯૨૨ માં એમને દમયંતી બહેન સાથે પહેલા લગ્ન કાર્ય. ઉંમર હતી મંદ ૨૪ વર્ષ ની. કલકત્તા ની સફરે લખાવનો ચસ્કો જગાડેલો. એટલે પ્રયોગ માટે એમને ‘સૌરાષ્ટ્ર વીકલી’ નામના સમાચાર પાત્ર માટે પોતાના બે લેખ મોકલી આપ્યા. એડિટર ને આ લેખ એટલા પસંદ પડ્યા કે એમને તાત્કાલિક માં મેઘાણી ને નોકરી પર રાખી લીધા અને અહીંથી એમની ખરી સાહિત્યિક અને પત્રકાર તરીકે ની સફર શરુ થઇ. સોમ થી ગુરુ ઝવેરચંદ મેઘાણી પોતાની નોકરી ને ફાળવતા. અને શુક્ર , શનિ , રવી એ કાઠિયાવાડ ના ગામેગામ ફરી ને લોક વાયકાઓ અને વાર્તાઓ નું સાહિત્ય એકઠું કરતા. 
 ૧૯૨૭ થી ૧૯૨૯ ના બે વર્ષ નો સમયગાળો એ એમની આ સફર માટે ખૂબ મહત્વ નો સાબિત થયો. કારણકે આ સમયગાળા દરમ્યાન જ મેઘાણી એ એમની ખૂબ જાણીતી કૃતિ ‘ સૌરાષ્ટ્ર ની રસધાર’ માટે ગામેગામ ફરી ને લોક વાર્તાઓ એકથી કરેલી. પછી આવી ‘ સોરઠી બહારવટિયા’ . જેના લખાણ એ બ્રિટિશ હકુમત ના પાયા હચમચાવી નાખેલા સાથે માત્ર ગુજરાતી જ નહીં , ભારતીય સાહિત્ય માં મેઘાણી ના નામ નો ડંકો વાગેલો. એ જ સમયગાળા દરમ્યાન એમની ખૂબ જાણીતી રચના ‘ ચારણ કન્યા’ પણ લખાઈ. મેઘાણી એ ચારણ સમાજ ના કંઠસ્થ સાહિત્ય ને પુસ્તક સ્વરૂપ આપવાનું ખૂબ મોટું કામ કર્યું છે. જે થાકી આજે આપણી પાસે ચારણ સાહિત્ય ઉપલબ્ધ છે. 
૧૯૩૦ ની સાલ માં મીઠા સત્યાગ્રહ અને ધોલેરા સત્યાગ્રહ વખતે ઝવેરચંદ એ ‘સિંધૂડો’ ની રચના કરી. દેશભક્તિ ના ૧૫ કાવ્યો નો આ સમૂહ પ્રગટ થતા જ દેશભક્તિ નો એવો જુવાળ ઉઠ્યો કે બ્રિટિશ સરકાર એ એના પર પ્રતિબંધ લગાવ્યો અને એની એક એક નકલ ને ઘેર ઘેર થી મેળવી ને એનો નાશ કર્યો. ઝવેરચંદ મેઘાણી ની ધરપકડ થઇ અને ખોટા ગુનાઓ ની કલામ હેઠળ એમને અમદાવાદ ની સાબરમતી જેલ માં રાખવામાં આવ્યા. એ બાદ ગાંધીજી ગાંધી – ઇરવિન સંધિ હેઠળ લંડન માં બીજી ગોળમેજી પરિષદ માં શામિલ થવા રાજી થયા , ત્યારે બ્રિટિશ સરકારે બધા જ રાજકીય કેદીઓ ને છોડવા પર સંમતિ આપી, જેથી મેઘાણી નો બે વર્ષ બાદ જેલ માંથી છુટકારો નિશ્ચિત થયો. પણ એ દરમ્યાન જેલ માંથી જ ગોળમેજી પરિષદ માં જવા માટે ની વાત સ્વીકારતી ગાંધીજી ની મનોસ્થિતિ ને કાવ્ય સ્વરૂપ આપતા મેઘાણી એ  એમની અમર  કૃતિ ‘ છેલ્લો કટોરો’ ની રચના કરી. (જેમાં ગાંધીજી ને દેશ માટે ઝેર નો કટોરો પી જવાની વાત છે )  જે સાંજે ગાંધીજી લંડન જવા રવાના થવાના હતા , એ જ સમયે આ કવિતા ગાંધીજી સુધી પહોંચી અને બાપુ એ કહ્યું કે ‘ મેઘાણી એ  જાણે પોતાના શરીર માં પ્રવેશી ને પોતાની આત્મા નો ભાવ જાણતા હોય એ રીતે આ કવિતા રચી છે’. મહાદેવ ભાઈ દેસાઈ એ ‘નવજીવન’ અને ‘ યંગ ઇન્ડિયા’ માં જયારે બાપુ ની આ વાત વિષે લખ્યું એ પછી દેશ ભાર માંથી આ કવિતા સાંભળવા માટે ની માંગ ઉઠી અને આ જ સમયે ગાંધીજી દ્વારા ઝવેરચંદ મેઘાણી ને ‘ રાષ્ટ્રીય શાયર’ નું બિરુદ આપવામાં આવ્યું. 
૧૯૩૨ ની સાલ માં ‘ સૌરાષ્ટ્ર ડેઇલી’ બંધ થયું અને ‘ ફૂલછાબ’ ની શરૂઆત કરવામાં આવી ( જે હાજી આજે પણ કાર્યરત છે) મેઘાણી ‘ફૂલછાબ’ સાથે જોડાયા. દરમ્યાન એમના પહેલા પત્ની નું મૃત્યુ થયું. અને મેઘાણી એ મુંબઈ જવાનું નક્કી કર્યું. આ જ સમયગાળા દરમ્યાન એમની મુલાકાત એમની પ્રેરણા એવા રવીન્દ્રનાથ ટાગોર સાથે પણ થઇ. ત્યારબાદ ૧૯૨૪ ની સાલ માં એ એમના બીજા પત્ની ચિત્ર દેવી ( જે જન્મે નેપાળી અને બાલ વિધવા હતા) ને મળ્યા , લગ્ન કર્યા. ૧૯૩૬ ની સાલ માં ઝવેરચંદ મેઘાણી પાછા ‘ ફૂલછાબ ‘  સાથે જોડાયા. પત્રકાર તરીકે ની એમની કારકિર્દી આગળ વધી અને ૧૯૪૭ ની ૯ મી માર્ચે માત્ર ૫૦ વર્ષ ની ઉંમરે હૃદય રોગ ના હુમલા થી એમનું અચાનક જ મૃત્યુ થયું. 
સરદાર પટેલ એ એ સમયે નોંધેલું કે ‘ મેઘાણી ના આમ અચાનક જવાથી ગુજરાત માં જે ખાલીપો ઉભો થયો છે તે ક્યારેય પુરી શકાય એમ નથી. પણ આજીવન જે આઝાદી માટે ઝવેરચંદ મેઘાણી પોતાની કલામ થાકી લડ્યા , જેને પોતાના જીવન કાળ દરમ્યાન જોઈ ના શક્યા , એ આઝાદી હવે ખૂબ જલ્દી મળવાની છે. ‘ 
લોક સાહિત્ય ક્ષેત્રે મેઘાણી ના જવાથી જે ખાલીપો ઉભો થયો છે તે આજે આટલા વર્ષેય હાજી જેમનો તેમ જ છે. એક ગુજરાતી તરીકે આપણે ઈશ્વર ના ઋણી રહેવું ઘટે , કે આપણી ધરતી પર આ શાયર અને આ સાહિત્યકાર નો જન્મ થયો જેથી આપણી ભાષા વધુ સમૃદ્ધ બની અને એમની કલામે દેશ ની આઝાદી માટે લડતા લોકો ને બળ પૂરું પડ્યું. 

આજની વાત આપણા દ્વારા રોજ થતી હત્યા ની. 

કેન્ડીડ વિથ પૂજા – ૨૭  ઓગસ્ટ , ૨૦૧૯ 

 
‘બેટા , ડાઉનસ્ટેઇર્સ પ્લે કરી ને આવ્યા પછી હેન્ડ્સ અને લેગ્સ વૉશ કરી ને આવો….’ 
‘તું અહીંયા સીટ કર. મારી બાજુ માં.’ 
‘બહુ મોબાઈલ પ્લે કરીશ ને તો તારી આઈસ બગડી જશે.’ 
શું તમે પણ તમારા બાળકો સાથે આ રીતે વાત કરો છો? તો તમે રોજ બે ભાષા ની હત્યા કરો છો. એક તમારી માતૃ ભાષા અને બીજી અંગ્રેજી ભાષા. કારણકે તમે બે માંથી એકેય ભાષા માં સરખી વાત કરતા નથી. આ વાત આજે એટલા માટે , કારણકે આમ તો રોજ ક્યાંક ને ક્યાંક થતું હોય છે પણ આજે એક એવી વ્યક્તિ ને એના બાળક સાથે વાત કરતા સાંભળી કે એના પછી હું આજે આ વાત તમારી સમક્ષ મુકવા માટે મજબૂર થઇ ગઈ.
મને એમ કહેતા જરાય અતિશયોક્તિ નથી લગતી કે આપણે અંગ્રેજો ના રાજ માંથી આઝાદ તો થઇ ગયા છીએ પણ ગુલામી ની માનસિકતા નથી છોડી શક્યા, આ મારુ ઓબઝર્વેશન છે કે જે માં બાપ પોતાના બાળકો અન્યો કરતા વધુ સ્માર્ટ છે અને પોતે પણ અંગ્રેજી બોલી શકે છે એમ દુનિયા ને બતાવવા માંગે છે એ લોકો મોટા ભાગે આ રીતે વાત કરે છે. હું હાજી સુધી નથી સમજી શકી કે આમ કરવાની જરૂર શા માટે ? 
ભાષા એ પ્રત્યાયન નું માધ્યમ છે. તમે કોઈ એક વાત અન્ય વ્યક્તિ ને કહેવા માંગો છો , તમારો ભાવ પ્રદર્શિત કરવા માંગો છો એ માટેનું એક સાધન માત્ર છે. જો કોઈ વ્યક્તિ ને પોતાની માતૃભાષા ઉપરાંત અન્ય ભાષાઓ સારી પેઠે આવડે છે ( જેવી કે અંગ્રેજી કે હિન્દી ) તો એ સારી બાબત છે, પણ એ વ્યક્તિ ની હોંશિયારી નું માપદંડ ના હોઈ શકે. જો એમ વાત હોય તો કોઈ પણ અંગ્રેજ ક્યારેય ઠોઠ હોય જ નહીં, બધા જ ખૂબ જ હોંશિયાર જ હોય. પણ એવું જરાય નથી.બાળક ને અંગ્રેજી કેમ આવડવું જ જોઈએ ?? કેમ એ પોતાના ઘર માં બોલાતી પોતાની માતૃભાષા માં શુદ્ધ રીતે વાત ના કરી શકે?! અને આમ કરવાથી એ ‘ઓછું હોંશિયાર લાગશે કે એનો વટ નહિ પડે’ એવું વિચારનારા લોકો એ કે માં બાપ એ પોતાની માનસિકતા ની ચકાસણી કરાવવી / કરવી જરૂરી છે. 
   
દુનિયા ના બીજા કોઈ દેશ માં અંગ્રેજી ભાષા માટેની આટલી ઘેલછા નથી જેટલી આપણે ત્યાં છે. તમે ક્યારેય કોઈ અંગ્રેજ ને ગુજરાતી ભાષા આવડતી હોવા માટે ગૌરવ લેતો જોયો છે? ભાષા એ વ્યવસ્થિત વિજ્ઞાન છે. કોઈ પણ ભાષા નું વ્યાકરણ વૈજ્ઞાનિક ઢબે નક્કી થયેલું હોય ત્યારે જ એ ભાષા બને છે. આપણી ગુજરાતી ભાષા માં એ કેટલી સુંદર રીતે ગોઠવાયેલું છે એની એક નાનકડી માહિતી આપું તમને. 
ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણત્રી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી.
ક ખ ગ ઘ ઙ – આ પાંચના સમુહને ‘કંઠવ્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ. 
ચ છ જ ઝ ઞ – આ પાંચેય ‘તાલવ્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ. 
ટ ઠ ડ ઢ ણ – આ પાંચેય ‘મૂર્ધન્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ. 
ત થ દ ધ ન – આ પાંચના સમુહને ‘દંતવ્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ. 
પ ફ બ ભ મ – આ પાંચના સમુહને ‘ઔષ્ઠવ્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ. 
અને છેલ્લે , 
જો હજી પણ આપણી માતૃભાષા ની કિંમત ના સમજ્યા હોવ , તો એટલું સમજો કે તમારું કઈ નાઈ થઇ શકે! 

સમય ની સ્પીડ વધી ગઈ છે કે આપણે રોકાવાનું ભૂલી ગયા છીએ ?? તમને શું લાગે છે? Hi

કેન્ડીડ વિથ પૂજા – ૨૬ ઓગસ્ટ , ૨૦૧૯ 

વર્ષ ૨૦૧૯ ના આઠમો મહિનો પૂરો થવા આવ્યો અને આપણને ખબર પણ ના રહી! છેલ્લા ઘણા વખત થી એવી ફીલિંગ આવે છે કે સમય ભાગી રહ્યો છે. દિવસો એટલા જલ્દી પુરા થઇ રહ્યા છે કે સમજાતું જ નથી. ક્યાં સવાર પડે છે અને ક્યાં રાત પડી જાય છે એની ખબર જ નથી રહેતી. કેટલું બધું કરવકાનું બાકી રહી જાય છે અને એમ થાય છે કે અરે?? દિવસ પતી ગયો?!  
આવી હાલત માત્ર તમારી જ નહીં , તમારી આસ પાસ ના મોટા ભાગ ના લોકો છે. હવે પહેલા ની જેમ નવરાશ નથી રહેતી. ઉંમર કોઈ પણ હોય દરેક વ્યક્તિ બસ ભાગ્યા જ કરે છે. કોઈ ની પાસે સમય જ નથી. અને ઘડિયાળ તો જાણે રેસ માં ભાગ લીધો હોય એ સ્પીડ પાર દોડે છે. દિવસ માં અત્યારે પણ કલ્લાક તો ૨૪ જ છે જે પહેલા હતા. તો એવું શું બદલાયું છે કે જેથી સમય ભાગતો હોવાની લાગણી આવે છે? 
જવાબ છે આપણી લાઇફસ્ટાઇલ. બદલાયેલા સમય માં કામ ના કલ્લાકો વધ્યા છે. સોશ્યિલ મીડિયા આવ્યા પછી માહિતી નો મારો વધ્યો છે. મનોરંજન ના સાધનો વધ્યા છે. બહાર આવવું જવા નો ટ્રેન્ડ વધ્યો છે. જો આ બધું જ વધ્યું છે તો ઘટ્યું છે શું? ઘટ્યો છે સમય. એકબીજા સાથે વીતાવાતો સમય. જમ્યા પછી પરિવાર સાથે બેસી ને ગપ્પા મારવા નો સમય. કોઈ એક પુસ્તક લઇ ને ફુરસદ થી એને વાંચવાનો સમય. પોતાનું ગમતું સંગીત સાંભળી ને કે ગમતી કોઈ પ્રવૃત્તિ કરી ને દિવસ પૂરો કરવાનો સમય. 
આ બધો જ સમય આપણી દિનચર્યા માંથી રીતસર નો ચોરાઈ ગયો છે. હવે ઉઠી ને સીધો મોબાઈલ હાથ માં આવે છે કારણકે એણે આપણા જીવન માંથી ઘડિયાળ અને એલાર્મ ક્લોક ને તદ્દન રિપ્લેસ કર્યા છે. વોટ્સ એપ અને ફેસબુક એ એકબીજા સાથે રૂબરૂ મળી ને થતી વાતો નો આનંદ અને રોમાંચ ચોર્યા છે. યુટ્યુબે સાથે બેસી ને રેડિયો પર ગમતા ગીતો સાંભળવાની મજા ચોરી છે. અને આ બધા થી ઉપર મોજ શોખ અને પરફેક્ટ જીવન જીવવા માટે વધુ કમાવાની અને રાતોરાત સફળતા મેળવવાની ઘેલછા એ જીવન નો ઠહેરાવ અને શાંતી ચોર્યા છે. 
આ બધા નું પરિણામ એટલે સ્ટ્રેસ , અદેખાઈ , ઈર્ષ્યા , ગુસ્સો, તણાવ અને અંતે અનેક રોગો ને આમંત્રણ. હવે જો આનાથી બચવું હોય તો શું કરવું? જીવન માં સાચી પ્રીયોરીટીઝ સેટ કરવી. તમારી જાત માટે શું ઈમ્પોર્ટન્ટ છે અને શું નથી એ તમે જ નક્કી કરી શકો. કોને કેટલો સમય ફકલાવવો છે એ પણ તમારા જ હાથ માં છે. એક વાર જો આ નક્કી કર્યું અને એણે અનુસરવાનું શરુ કર્યું , તો તમારો ચોરાયેલો સમય પાછો આવ્યો જ સમજો. 

એમેઝોન ના વર્ષાજંગલો કેમ અત્યારે ચર્ચા માં છે? એમાં લાગેલી આગ ને લઇ ને કેમ વિશ્વ ચિંતા માં છે?  એમેઝોન ના જંગલો વિષે કેટલુંક જાણવા જેવું.  

કેન્ડીડ વિથ પૂજા – ૨૨ ઓગસ્ટ , ૨૦૧૯ 

એમેઝોન ના વર્ષાજંગલો સાથે આપનો નાતો કેટલો ? નિશાળ માં પર્યાવરણ માં ભણવામાં આવતું તું અને પરીક્ષા માં પૂછાયેલું એટલો! પણ ખરેખર એની સાથે આપણી પૃથ્વી નો નાતો ખૂબ જૂનો અને ખૂબ જ મહત્વ નો છે. એમેઝોન પણ ખાતર ની ઘંટડી એ આપણા અસ્તિત્વ પાર ખાતર ની ઘંટડી સમાન છે. 
છેલ્લા એક પખવાડિયા કરતા પણ વધુ સમય થી આ વર્ષા જંગલો માં લાગેલી આગ ને શરૂઆત માં કોઈ મીડિયા એ પ્રાધાન્ય ના આપ્યું. પણ હવે એ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે કે એ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. એના વિષે વાત કરીએ એ પહેલા એમેઝોન ના જંગલો વિષે ની કેટલીક મહત્વ ની વાત જાણી લઈએ. 
એમેઝોન ના આ વર્ષા જંગલો લગભગ ૫૬૦૦૦૦૦૦ વર્ષ થી આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે અને એ પૃથ્વી ના  ૯ દેશો માં ફેલાયેલા ૫૫૦૦૦૦૦ કિલોમીટર ના વિસ્તાર માં પથરાયેલા વર્ષા જંગલો છે. જેનો મોટો ભાગ બ્રાઝીલ માં આવેલો છે. આ એટલા જુના જંગલો છે કે એને ડાયનાસોર થી મંડી ને માણસો સુધી ના દરેક સમય ને ઝીલ્યો છે, પણ હવેનો સમય એને કપરો પડી રહ્યો છે.
એમેઝોન ના જંગલો પૃથ્વી પર મૌજુદ ૨૦% ઓક્સિજન ના ઉત્સર્જન માટે જવાબદાર છે. એટલે એક જોતા એ આપણી પૃથ્વી ની જીવાદોરી છે. સાથે એની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ પણ ખરી કે આ જંગલો ને જીવવા માટેનું મોટા ભાગ નું બળ એને સહારા ના રણ દ્વારા મળે છે. આ જંગલો માટે જરૂરી એવા કુદરતી ખાતર નું ૫૬ % ખાતર અહીંયા હવે દ્વારા સહારા ના રણ માંથી રજકણો અને ધૂળ સ્વરૂપે ઉડી ને પહોંચે છે. ( છે ને કુદરત ની અદભુત કમાલ!)  
હવે નો સમય આ જંગલો ને કપરો કેમ પડી રહ્યો છે? કારણકે વૈજ્ઞાનિકો ના કહેવા પ્રમાણે ૨૧૦૦ ની સાલ સુધી માં ગ્લોબલ વૉર્મિંગ ના કારણે આ જંગલો નો મોટા ભાગ નો હિસ્સો સદંતર નાશ પામી શકે. સાથે માનવ વસ્તી એ અહીંયા મોટા પ્રમાણ માં જંગલો કાપી ને મેદાન બનાવવાનું પાપ કર્યું છે. જેની સીધી અસર પૃથ્વી ની ઇકો સિસ્ટમ પર પણ પડી છે. આ બધા ને તો જાણે જે તે દેશ ની સરકારો એ કાયદા બનાવી ને કાબુ માં કરવાનો પ્રયત્ન કર્યો . પણ આ વર્ષે ખરી રામાયણ અહીં જંગલો માં ફાટી નીકળતા દાવાનળ ને કારણે થઇ છે. 
જંગલો માં દાવાનળ ફાટી નીકળવો એ સામાન્ય ઘટના છે. પણ એમેઝોન ના જંગલો માં અમુક હદ થી વધારે આમ થવું ચોંતાજનક છે. કારણકે એમેઝોન ના જંગલો અહીંની ભીની આબોહવા અને મુખ્યત્વે ગીચ વર્ષા જંગલો હોવાના કારણે ફાયરપ્રુફ છે. તેમ છતાં છેલ્લા અમુક સમય માં ડીફોરેસ્ટેશન અને ગ્લોબલ વોર્મિંગ ના કારણે જે રીતે ત્યાંની આબોહવા સૂકી બની છે , અહીંયા વરસાદ નું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટ્યું છે. અને જંગલો એનો ફાયર પ્રુફ સ્વભાવ ગુમાવી રહ્યા છે. જેથી આગ લાગવાની ઘટના અવાર નવાર બનતી રહે છે. એમાં પણ વર્ષ ૨૦૧૯ આ જંગલો માટે આઘાતજનક રહ્યું છે. 
 માત્ર વર્ષ ૨૦૧૯ માં જ એમેઝોન ના જંગલો માં ૭૨૦૦૦ કરતા પણ વધુ આગ લાગવાના બનાવો બન્યા છે. જેમાં છેલ્લી ઘટના માં છેલ્લા ૨૦ એક દિવસ થી અહીં લાગેલી આગ ઓલવાઈ નથી અને જંગલ નો મોટો ભાગ એમાં સપડાયો છે. આની સીધી અસર પૃથ્વી ના વાતાવરણ પર થશે એ વાત નક્કી છે. ઉપરાંત આ જંગલો માં વસતા પ્રાણીઓ નું શું? , એમાં જ ઉગતા ઝાડ પણ ફૂલ છોડ ના અલભ્ય ખજાના નું શું? એ બધા પ્રશ્નો તો ઉભા જ છે. આ પૃથ્વી નો એટલો અલભ્ય ખજાનો અત્યારે આગ માં બળી રહ્યો છે જે આપણે ફરી ક્યારેય પાછો નહીં મેળવી શકીયે. અને કદાચ એ જ લાંબા ગાળે આપણા વિનાશ નું એક કારણ પણ બને!  એટલા માટે અહીં લાગેલી આગ એ વૈશ્વિક સમસ્યા બની છે. જેમ બને એમ જલ્દી માનવજાત એ ભેગા થઇ ને આ આગ ને કાબુ માં કરવી જ રહી . એકજુથ થઇ ને આ જંગલો ને બચાવવા જ રહ્યા. 
અને છેલ્લે , 
આર્થિક અને ભૌતિક સમૃદ્ધિ પાછળ દોડતો માણસ હાજી સુધી એ સમજી નથી શકતો કે પૈસા થી સુખ સુવિધા ખરીદી શકાશે પણ ચોખ્ખી હવે , પાણી અને બીજી પૃથ્વી નહિ ખરીદી શકાય! 

શું તમને પણ તહેવારો બોરિંગ લાગે છે? કે પછી તહેવાર ની રાજા ની રાહ તમે એટલા માટે જ જોતા હોવ છો કે જેથી કરી ને ક્યાંક ફરવા જય શકાય? તો આ ચોક્કસ વાંચો.   

કેન્ડીડ વિથ પૂજા – ૨૧ ઓગસ્ટ , ૨૦૧૯ 

બાળપણ માં જયારે શાળા માં ‘મારો પ્રિય તહેવાર’ વિષય પર નિબંધ લખવાનો આવતો ત્યારે મોટા ભાગ ના લોકો દિવાળી અને ઉત્તરાયણ પર નિબંધ લખતા. કારણકે એ સહેલું પડતું. લખવા જેવી ઘણી બધી બાબતો આ તહેવારો ની ઉજવણી માંથી મળી રહેતી. અને એથીયે વધુ મહત્વનું કારણ , ( મોટા ભાગ ના લોકો માટે) નિબંધ માળા માંથી આ વિષય પર નિબંધ રેડી મેઇડ મળી જતો. 
પહેલા તહેવારો આવે ત્યારે એની ઉજવણી કરવા માટે સમય મળતો , એની તૈયારી કરવા માટે સમય મળતો. તહેવારો ની રાહ જોવાતી, એ પ્રમાણે ખરીદી થતી. આપણું પ્લાંનિંગ પણ એની આસપાસ થતું. અને હવે , તહેવારો ની રાહ તો જોવાય છે પણ એને કારણે મળતી રાજાઓ માટે. જેથી આપણે પ્લાન કરી શકીયે કે એ રાજાઓ માં ક્યાં બહાર ફરવા જવું છે! સમય બદલાયો છે અને જિંદગી ઝડપી બની છે. એનો આ પ્રતાપ છે. અહીંયા એ સાચું છે કે ખોટું છે એવી ચર્ચા કરવાનો જરાય આશય નથી. સમય સાથે બધું જ બદલાય. પણ શું તમને ખબર છે કે આપણી સંસ્કૃત્તિ માં તહેવારો ઉજવવાનું આટલું મહત્વ કેમ છે? 
મુખ્યત્વે આપણે ત્યાં ત્રણ પ્રકાર ના તહેવારો ઉજવાય છે. ધાર્મિક અને સાંસૃત્તિક , રાષ્ટ્રીય અને ઋતુ વિષયક. ભારત ની ભૂમી પર જયારે ક્યારેય કોઈ માનવ સમુદાય સ્થાયી થયો હશે અને એણે પોતે નદી કિનારા ની ખેતી લાયક જમીનો પસંદ કરી ને ત્યાં કાયમી વસવાટ શરુ કર્યો હશે ત્યારે સમયાંતરે એક જૂથ ના બધા લોકો ભેગા થતા રહે , એમની વચ્ચે સુમેળ રહે , એક ની એક ઘરેડ માંથી એમને મુક્તિ મળે એ માટે તહેવારો ની ઉજવણી ની શરૂઆત થઇ હશે. કારણકે એ વખતે મનોરંજન ના અન્ય કોઈ સાધનો કે શોધ તો હતા નહીં. આ જ એક રસ્તો હતો લોકો માટે એકબીજા સાથે હળવા મળવાનો અને રોજિંદી ઘરેડ માંથી બહાર નીકળવાનો. સૌ પ્રથમ તહેવારો ઋતુ વિષયક રહ્યા હશે. પછી ખેતી અને પાક સાથે જોડાયા હશે, ત્યાં સુધી માં સંસ્કૃત્તિ અને ધર્મ એટલા તો વિકસ્યા હશે કે એવા તહેવારો ની ઉજવણી પણ શરુ થાય અને છેલ્લે રાષ્ટ્રીય તહેવારો આવ્યા હશે.  
આજ ના સમય માં તહેવારો નું માહત્મ્ય ઘટ્યું છે. હવે એની પહેલા જેવી ઉજવણી પણ નથી થતી. પણ આજના સમય માં તહેવારો નું મુખ્ય કામ આપણને આપણી સંસ્કૃતિ અને આપણા મૂળ સાથે જોડી રાખવાનું છે. માર્કેટિંગ ના જમાના માં જ્યાં દરેક પ્રસંગ ને ધંધો વધારવાની એક તક તરીકે જ જોવાય છે , એ હોડ માં આપણે ઉજવણી ની માજા ભૂલ્યા છીએ. આજ કલ માર્કેટ દરેક તહેવાર ને લગતી રેડી મેઇડ વસ્તુઓ ઉપલબ્ધ હોવાથી આપણે એની તૈયારી સાથે જોડાયેલું પોતીકાપણું ભૂલ્યા છીએ, એટલે આજે તહેવારો આપણને વધુ ને વધુ નિસ્તેજ લાગે છે. 
અને છેલ્લે , 
રાંધણ છઠ ના દિવસે ઘરે ખૂબ રસોઈ બને અને શીતળા સાતમે ટાઢું ખવાય , એ પ્રથા પાછળ પૌરાણિક કથાઓ જોડાયેલી ચોક્કસ હોય , એમાં ના માનતા હોઈએ તો પણ ચાલે, પણ પરંપરા ને જાળવી રાખવાનો આનંદ અને એની સાથે જોડાઈ રહેવા ના ફાયદા ને જો ગણીએ તો હવેના સમયમાં સાવ ‘ફાલતુ’ લગતા આ તહેવારો ને આપણે ચોક્કસ ફરીથી ઉજવતા થઈએ જ! 

ભારતીય સંગીત નો એક મજબૂત આયામ ‘ખૈયામ’. 

કેન્ડીડ વિથ પૂજા – ૨૦ ઓગસ્ટ , ૨૦૧૯ 
ગઈકાલે ભારત ના સુપ્રસિદ્ધ સંગીતકાર ખૈયામ જી ના નિધન ના સમાચાર આવ્યા. સહજ જ મન માં વિચાર આવ્યો કે ભારતીય સંગીત ની દશા બેઠી જ છે. નવું કઈ બનતું નથી , રિમિક્સ ના નામે જુના નો કચ્ચરઘાણ વળે છે અને એક આખી એ પેઢી વિદાય લઇ રહી છે જેમનું કર્ણપ્રિય સંગીત અત્યાર માટે તો આપણો સહારો છે જ!
મોહમ્મદ ઝહૂર ‘ખૈયામ’ હાશ્મી જેમને આપણે સૌ ‘ખૈયામ’ ના નામે જ ઓળખીયે છીએ. ભારતીય સંગીત નો એ એક એવો આયામ છે કે જે સદીઓ સુધી આમ જ અકબંધ રહેવાનો છે. આજે સવારે જ મારા મોર્નિંગ વિડીયો ‘ મોર્નિંગ વિથ પૂજા’ માં મેં વાત કરેલી યુનિવર્સ ની તાકાત વિષે. એક એવી તાકાત કે જે અશક્ય ને પણ શક્ય બનાવે. એક એવી તાકાત કે જે સમગ્ર બ્રહ્માંડ ચલાવે છે. મેં વાત કરેલી કે આપણે કોઈ પણ વસ્તુ જોઈતી હોય એ જયારે આપણે આ અગમ્ય તાકાત પાસેથી માંગીએ , કુદરત પાસેથી માંગીયે અને એને મેળવવા મથ્યા રહીયે તો એ આપણને ચોક્કસ જ મળે જ. ખૈયામ સાહેબ ની વાત માં પણ આવું કૈક થયું છે. 
ખૈયામ સાહેબ નો જન્મ અખંડ ભારત વાળા પંજાબ પ્રાંત માં થયેલો. જન્મ સમય નું એમનું નામ શહાદત હુસૈન હોવાનું પણ ક્યાંક વાંચવામાં આવેલું. ખેર , એમનો પરિવાર ખૂબ શિક્ષિત હતો અને પરિવાર માં ભણતર નું ખૂબ મહત્વ હતું.પણ ખૈયામ સાહેબ ને ભણવું જરાય ગમતું નહીં. એમને ફિલ્મો માં જ રસ પડતો. ભણવું ના પડે અને ફિલ્મો માં એક્ટર તરીકે કામ કરી શકાય એ ઈચ્છા એ લગભગ ૧૨ ૧૫ વર્ષ ના ખૈયામ સાહેબ ભાગી ને દિલ્હી કાકા ના ત્યાં આવી જાય છે. ત્યાં પણ એમને શાળા એ બેસાડાય છે. પણ ભણવા કરતા ફિલ્મો માં રસ વધુ હોવાથી એમના કાકા એમને સંગીત શીખવાની પરવાનગી આપે છે. જ્યાં ખૈયામ સાહેબ પંડિત અમરનાથ પાસે સંગીત શીખે છે.  આ ખૈયામ સાહેબ ના જીવન નો ટ્રેનિંગ પોઇન્ટ.
હવે કુદરત કેવી કમલ કરે છે! દિલ્હી થી લાહોર બાબા ચિશ્તી , કે જે પંજાબી ફિલ્મો ના ખૂબ જાણીતા સંગીતકાર છે, એમની પાસે ખૈયામ સાહેબ ને સંગીત શીખવાની પરવાનગી મળે છે. શરૂઆત ની જ મુલાકાત માં બાબા ચિશ્તી ખૈયામ થી એટલા ખૂશ થાય છે કે એમને પોતાના મદદનીશ તરીકે નોકરી આપે  છે. થોડો સમય આ નોકરી કરી ને ખૈયામ સાહેબ લાહોર છોડી ને મુંબઈ આવે છે હિન્દી ફિલ્મો માં પોતાનું નસીબ અજમાવવા. આ વખતે એની ઉંમર માત્ર ૧૭ વર્ષ ની. 
મજાની વાત ત્યાં છે કે આપણે જેમને મહાન સંગીતકાર ખૈયામ સાહેબ તરીકે ઓળખીયે છીએ એમણે સંગીત ની દુનિયા માં પોતાની કારકિર્દી ની શરૂઆત એમના મિત્ર સંગીતકાર રેહમાન વર્મા સાથે ‘ શર્માજી – વર્માજી’ નામ થી કરેલી. આમાં શર્મા જી એટલે આપણા ખૈયામ સાહેબ . સંગીત આપેલું ૧૯૪૮ ની  ફિલ્મ ‘ હીર રાંઝા ‘ માં. પણ ભારત ના ભાગલા પછી વર્માજી ઉર્ફ રેહમાન વર્મા એ પરિવાર સાથે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું અને શર્માજી એ ખૈયામ ના નામ થી એક સ્વતંત્ર સંગીતકાર તરીકે કારકિર્દી ના શ્રીગણેશ કર્યા. 
મારા રેડિયો ના કાર્યકાળ દરમ્યન આશાજી સાથે ના એક ઇન્ટરવ્યૂ માં એમણે ખૈયામ સાહેબ વિષે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરેલી. આશાજી કહે છે કે ખૈયામ સાહેબ ખૂબ કડક સંગીતકાર હતા. એમને પોતાની ધૂન માં ગાયક દ્વારા સહેજ પણ છૂટ છાટ લેવાય એ પસંદ નહોતું કારણકે એ બરાબર જાણતા હતા કે એ પોતે શું બનાવી રહ્યા છે. આશાજી એ એક કિસ્સો ટાંકેલો.’ઉમરાઓ જાન’ ના ગીત ‘ઈન આંખોં કી મસ્તી મેં’  ના રેકોર્ડિંગ વખતે ખૈયામ સાહેબે આશાજી ને એક આલાપ અમુક રીતે ગાવાનો કહેલો. જે આશાજી એ પોતાની રીતે થોડો બદલી ને ગાયો. ખૈયામ સાહેબે એને ફરી ને ફરી ત્યાં સુધી રેકોર્ડ કરાવ્યો જ્યાં સુધી એમને જોઈતું કોમ્પોઝિશન રેકોર્ડ ના થયું. આશાજી ને શરુ માં બહુ ખરાબ લાગ્યું કે આવા કેવા સંગીતકાર ! પણ પાછળ થી જયારે એમણે આખું ગીત સાંભળ્યું ત્યારે એમને સમજાયું કે ખૈયામ જી એ કરેલું સૂચન એમના પોતાના સૂચન કરતા વધુ સારું હતું. 
૨૦૧૧ ની સાલ માં ખૈયામ સાહેબ ને સંગીત ક્ષેત્રે પોતાના અદભુત કર્યા બાદલ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ થી નવાજવામાં આવ્યા. અને ગઈકાલે ભારતીય સંગીત નો આ ઝળહળતા સૂર્ય  ૯૨ વર્ષ ની વયે અસ્ત થયો. જે પોતાની પાછળ આપણા માટે પોતાના સંગીત નો સુવર્ણ વારસો છોડી ને ગયો.   

આજે વર્લ્ડ ફોટોગ્રાફી  ડે નિમિત્તે  વાત વિશ્વ ના કેટલાક પહેલા ફોટોગ્રાફ્સ ની. 

કેન્ડીડ વિથ પૂજા – ૧૯ ઓગસ્ટ , ૨૦૧૯ 

આજે વિશ્વ ફોટોગ્રાફી ડે છે ત્યારે મારે ફોટોગ્રાફી ને લઇ ને કેટલીક એવી વાતો તમારી સાથે શેર કરવી છે જે તમે કદાચ પહેલા નહિ જાણી હોય! 
વિશ્વ માં સૌથી પહેલી વખત ફોટોગ્રાફ્સ લેવાની પહેલ અથવા એ માટે ના પ્રયત્નો ની શરૂઆત છેક ૧૮ મી સદી માં થયેલી. ૧૭૧૭ ની સાલ માં જ્હોન હેન્રીચ નામ ના એક માણસે કાચ ની બોટલ પર પ્રકાશ થી દ્રશ્યમાન થતી વસ્તુ ની છબી ઝીલવાનો પ્રયત્ન કરેલો. અલબત્ત એ પોતાના પ્રયોગો માં અડધો સફળ થયેલો. કારણકે એ છબીઓ ઝીલી શકતો પણ એને સાચવી શકતો નહિ. અને ભગવાન જાણે કેમ પણ એને એવો વિચાર પણ ના આવ્યો કે આ ઝીલેલી છબી ને કાયમ માટે સાચવવી હોય તો? 
આવો વિચાર ૧૮૦૦ ની સાલ ની આસપાસ થોમસ વેજગુડ નામના વ્યક્તિ ને આવ્યો અને એને આ માટેના પ્રયત્નો શરુ કર્યા, પણ એમાં એને સફળતા મળી નહીં. જો કે , ફોટોગ્રાફી ની દુનિયા માં ક્રાંતિ સર્જી શકે એવા કેટલાક ડોક્યુમેન્ટશન એના પ્રયોગો થી ચોક્કસ થયા. અને પછી એ દિવસ પણ આવ્યો કે જયારે વિશ્વ ને એનો પહેલો કાયમ સાચવી શકાય એવો , જેને આપણે ફોટોગ્રાફ કહીયે છીએ એવો ફોટો મળ્યો. 
૧૮૨૬ ની સાલ માં જોસેફ નામના એક ફ્રેન્ચ વ્યક્તિ એ ફ્રાન્સ ના બુર્ગન્ડી વિસ્તાર માં આવેલા પોતાના ઘર ની બારી માંથી બહાર ના દ્રશ્ય નો ફોટો કેદ કર્યો. જેને દુનિયા નો સૌથી પહેલો ફોટો માનવામાં આવે છે. પણ આશ્ચર્ય ની વાત એ હતી કે આ ફોટોગ્રાફ ને કેદ કરવા માટે કેમેરા ને અમુક દિવસો સુધી જે ની તે પરિસ્થિતિ માં રાખવો પડેલો. જેથી ચિત્ર સંપૂર્ણ પણે ઝીલી શકાય. જે તમે અહીંયા જોઈ શકશો.  
૧૯૩૯ ની સાલ માં જોસેફ ના જ એક સહ કાર્યકર એ વિશ્વ ને સૌથી પહેલી કૉમર્શિયલી ચાલી શકે એવા ફોટોગ્રાફ્સ લેવાની પદ્ધતિ ભેટ ધરી. ત્યારથી અત્યાર સુધી માં ફોટોગ્રાફ્સ અને ફોટોગ્રાફી નું સ્વરૂપ સમયાંતરે બદલાતું રહ્યું છે. ફોટોગ્રાફી એ વિશ્વ ને મળેલી એક એવી અમૂલ્ય ભેટ છે જે આવનારા ભવિષ્ય માટે આપનો ભૂતકાળ જાળવી રાખે છે. યાદો જાળવી રાખે છે. ધીમે ધીમે એવી પણ પદ્ધતિ શોધાઈ કે જેમાં એક ફોટોગ્રાફ લેવા માટે જેમ કલ્લાકો કે દિવસો લગતા એક અમુક મિનિટો પછી સેકન્ડસ અને હવે મિલી સેકન્ડસ લાગે છે.     
સેલ્ફી એ ફોટોગ્રાફી નું એવું સ્વરૂપ છે કે જે અત્યાર ના સમય માં ખૂબ લોકપ્રિય છે. વિશ્વભર માં આ પ્રથા છેલ્લા એક દાયકા માં પ્રસિદ્ધ થઇ છે. પણ વિશ્વ નો સૌથી પહેલો સેલ્ફી ફોટોગ્રાફ છેક ૧૮૩૯ ની સાલ માં જ લેવાયેલો. એટલે કે આજથી લગભગ ૧૮૦ વર્ષ પહેલા. જયારે રોબર્ટ કોર્નેલિયસ નામના ફોટોગ્રાફર એ ફિલાડેલ્ફિયા માં પોતે જ પોતાના લેન્સ સામે બેસી જવાનું નક્કી કર્યું. લગભગ એક મિનિટ સુધી પોતાના કેમેરા સામે બેસી ને  એને ઉભા થઇ ને પોતાનો લેન્સ કવર કર્યો. પછી જે રિઝલ્ટ મળ્યું , એ વિશ્વ નો સૌથી પહેલો સેલ્ફ પોટ્રેટ ફોટોગ્રાફ બન્યો. જે કૈક આવો દેખાય છે. 

BDW, મારો આ ફોટો ખેંચવા માટે નો પૂરો યશ જશ ઠક્કર ને જાય છે.

અને છેલ્લે, 
ફોટોગ્રાફી ની કલા ને શોધાયે બે સદી થી પણ વધુ સમય વીતી ગયો છે. આપણા મન મોટા ભાગ ના લોકો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ થી લઇ ને કલર ફોટોગ્રાફ અને કેમેરા રીલ થી માંડી ને ડિજીટલ ફોટોગ્રાફ    સુધી ની સફર ને જાણે છે. પણ મારા હિસાબે શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ હંમેશા કેમેરા ના લેન્સ થી નહીં આપણી આંખો ના લેન્સ થી ઝીલાય છે. જે જિંદગીભર યાદ રહે છે.