અમદાવાદ અને અમદાવાદીઓ વિષે ની ઘણી બધી વાતો અને કહેવતો પ્રચલિત છે . જેમાંની એક વાત
“મારવાડી પાસેથી માલ લે , સિંધી ને વેચે અને તોય નફો કરે , તે અમદાવાદી .”

સાબરમતી ના કિનારે વસેલા આ નગર ના વાસીઓ એટલે કે અમદાવાદીઓ ખરેખર પોતાના ધંધા ની સૂઝ બૂઝ માટે જાણીતા છે .
અમદાવાદ ની સ્થાપના ના ૬૧૦ વર્ષ આ ૨૬ મી ફેબ્રુઆરી એ પૂરા થાય છે . જેના માન માં આ આખું અઠવાડિયું હું તમને અમદાવાદ ના ઇતિહાસ ની વાર્તા કરી રહી છું .આ જગ્યા પર અમદાવાદ વસ્યું એની પહેલા અહીંયા બીજા બે સમૃદ્ધ નાગરો વસેલા હોવાના પુરાવાઓ આપણને ઇતિહાસ માંથી મળે છે . પણ એ છેલ્લા ૧૨૦૦ વર્ષ ની વાત છે . સાબરમતી ના આ કિનારે માનવ વસતી હોવાના પુરાવા છેક ત્રેતા યુગ થી મળી આવે છે . જેની વાર્તા અત્યાર સુધી આપણે જોઈ .
ગઈકાલે વાત કરેલી આશા ભીલ ના આશાવલ કે આશાપલ્લી નગર વિષે . અને આજે હું તમને વાર્તા કરવાની છું એ આશાવલ પછી કે એ જ સમય દરમિયાન અહીંયા વસેલા નગર કર્ણાવતી વિશેની . તો ચાલો શરૂઆત કરીએ .

અણહિલપુર પાટણ ની રાજગાદી પર મૂળરાજ સોલંકી ના સમય થી સોલન્કી યુગ ની શરૂઆત થઇ . એના પછી ચામુણ્ડાદેવ , વલ્લભરાજ , દુર્લભરાજ અને બાણાવાળી ભીમદેવ સોલંકીયુગ ની ગાદી પર આવ્યા .
આ ભીમદેવ નો પુત્ર તે સાબરમતી ના કાંઠે કર્ણાવતી નગર વસાવનાર કર્ણદેવ સોલંકી . ‘ પ્રબંધ ચિંતામણી ’ નામ ના એક નાટક માં કહેવાયું છે કે કર્ણદેવ સોલંકી એ ૬ લાખ ભીલો ના રાજા એવા આશાભીલ ને હરાવી ને , આશાવલ નું નામ ‘ કર્ણાવતી’ કરી નાખેલું .

એવું મનાય છે કે આશાવલ નગર ના દક્ષિણ ભાગ માં કર્ણાવતી ની લશ્કરી છાવણી નખાયેલી. હાલ ના કોચરબ ગામ અને પાલડી સંસ્કાર કેન્દ્ર સુધી કર્ણાવતી નગરી ની એ છાવણી પથરાયેલી હતી .
ઈન ફેક્ટ જયારે પાલડી નું સંસ્કાર કેન્દ્ર બાંધવાનું હતું , એની પહેલા ત્યાં માટી નો એક મોટો ટીંબો હતો . સંસ્કારકેન્દ્ર નું મકાન બાંધવા માટે એ ટીંબા ને જયારે ખોદવામાં આવ્યો ત્યારે એમાંથી ઘણા બધા શિલ્પ અને પ્રતિમાઓ મળી આવી .

જે કર્ણદેવ ના કર્ણાવતી ના સમય ની હોવાનું મનાય છે અને એ પ્રતિમાઓ હાલ માં એ જ સંસ્કાર કેન્દ્ર ના પટાંગણ માં મુકવામાં આવી છે . કોક વાર મોકો મળે તો કર્ણાવતી ના એ અવશેષો જોવા જેવા છે . આશા ભીલ ની આશાવલ નગરી પર કર્ણદેવ સોલંકી એ ચડાઈ કરી અને ૬ લાખ ની વસતી ધરાવતા આશાવલ નું નામ બદલી ને કર્ણાવતી કરી નાખ્યા નું મનાય છે . પણ કર્ણદેવ ને આમ કરવાની શું જરૂર પડી ?
એની વાર્તા કંઈક એમ છે કે વડોદરા પાસે કર્ણદેવ નો , ત્યાંના શાસકો સામે પરાજય થયો . એ પછી આ વિસ્તાર પોતાના પાટણ રાજ્ય માટે જોખમી બની શકે , એવો એમનો વિચાર હતો . આ જોખમ ને ટાળવા માટેના એક રક્ષણાત્મક પગલાં તરીકે કર્ણદેવે આશાવલ પર ચડાઈ કરીને એ જીત્યું . એનું નામ કર્ણાવતી પડ્યું અને અહીંયા પોતાની લશ્કરી છાવણી સ્થાપી .

બીજી એક વાર્તા પ્રમાણે , જયારે કર્ણદેવ મહી અને નર્મદા નદી ની આસપાસ નો વિસ્તાર જીતવા માટે જઈ રહેલા , ત્યારે રસ્તા માં આશા ભીલ નું આશાવલ પણ આવ્યું . તો એને જીતી ને પોતાની લશ્કરી છાવણી સ્થાપી ને એમણે આગળ ની કૂચ જારી રાખી . જોકે કર્ણદેવે કર્ણાવતી માં અમુક એવા સ્થાપત્યો નું બાંધકામ પણ કરાવ્યું જે હજી આટલા વર્ષે આજે પણ અમદાવાદ પહેલા ની કર્ણાવતી નગરી ના પુરાવાઓ સ્વરૂપે આપણી આસપાસ હાજર છે .
સૌથી પહેલું કોછરબા દેવી નું મંદિર.
જે આજના કોચરબ ગામ માં આવેલું હતું . કોચરબ ગામ માં હજી આજે પણ કૌશલ્ય દેવી નું એક મંદિર છે . જે આજ કોછરબા દેવી નું મંદિર કે જે કર્ણદેવ સોલંકી દ્વારા સ્થાપવામાં આવેલું હોવાનું મનાય છે .

કર્ણાવતી નગરી નો બીજો અને સૌથી મોટો પુરાવો જે આપણી વચ્ચે હયાત છે તે સારંગપુર દરવાજા બહાર આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવ
કર્ણાવતી નગરી નો બીજો અને સૌથી મોટો પુરાવો જે આપણી વચ્ચે હયાત છે તે સારંગપુર દરવાજા બહાર આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવ . જે આજે એની સ્થાપના ના ૧૨૦૦ વર્ષ પછી પણ આજે અડીખમ છે . આ મંદિર ના ટ્રસ્ટી ના કહેવા પ્રમાણે તો ઈસ. ૯૫૦ ની સાલ માં કર્ણદેવ સોલંકી એ આ મંદિર નું નિર્માણ કરેલું . અને કર્ણદેવ ના દીકરા અને પાટણ ના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી નો રાજ્યાભિષેક પણ આ મંદિર માં કરવામાં અવાયેલો.

કર્ણદેવ સોલંકી એ અમદાવાદ માં કર્ણસાગર નામ નું એક તળાવ પણ બંધાવેલું . જેનો પાછળ થી સુલતાન કુતબુદ્દીન એ જીર્ણોદ્ધાર કર્યો . આજે એ કાંકરિયા તળાવ તરીકે આપણા શહેર માં દરરોજ હજારો મુલાકાતીઓ ને આકર્ષે છે .

હવે પ્રશ્ન એમ થાય કે જો અહીંયા ગુજરાત ના આટલા મહાન પ્રતાપી રાજા એ કર્ણાવતી નગરી વસાવેલી તો પછી અમદાવાદ ની સ્થાપના કેવી રીતે કયા સંજોગો માં થઇ ? એની વાર્તા આવતીકાલે .
જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં
અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા
Facebook: https://www.facebook.com/rjPooja.Official/
Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08
Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09