આજે ૭મી મે ૨૦૨૧. આજે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર ની ૧૬૦મી જન્મજયંતિ છે . એક એવી વિરલ પ્રતિભા જેના વિષે જેટલું કહો ,જેટલું લખો ઓછું પડે.
ચિત્રકાર , કવિ , સંગીતકાર , નાટ્યકાર , નિબંધકાર તત્વજ્ઞાની , કલાકાર , લેખક , ગીતકાર , ગાયક અને બીજું કેટલું બધું….

૧૯૧૩ ની સાલ માં જયારે એમને એમની રચના ગીતાંજલિ માટે સાહિત્ય નું નોબલ પારિતોષક એનાયત કરવામાં આવ્યું ત્યારે રવીન્દ્રનાથ ટાગોર એવા પહેલા ભારતીય જ નહીં એવા પહેલા એશિયન બન્યા કે જેમને નોબલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હોય .

વિશ્વના એ એવા એક માત્ર કવિ છે,કે જેમની બે અલગ અલગ રચનાઓ બે અલગ અલગ દેશો ના રાષ્ટ્રગાન છે .
એક આપણા ભારત નું રાષ્ટ્રગાન જન ગન મન , અને એક બાંગ્લાદેશ નું રાષ્ટ્રગાન અમર સોનાર બાંગ્લા

દેબેન્દ્રનાથ ટાગોર અને શારદા દેવી ના ૧૩ સરવાઈવિંગ બાળકો માં સૌથી નાનું બાળક એ આપણા રવીન્દ્રનાથ ટાગોર . જેમનો જન્મ થયેલો રોબીન્દ્રનાથ ઠાકુર તરીકે.ઘરમાં પ્રેમ થી એમને રવિ કહી ને સંબોધવામાં આવતા .


રવીન્દ્રનાથ નો ઉછેર મોટાભાગે ઘર ના નોકરો દ્વારા થયો . કારણકે એમના માં રવીન્દ્રનાથ ની બહુ નાની ઉંમર માં જ મૃત્યુ પામેલા . અને એમના પિતાજી ભારતભર માં અને વિદેશ માં ખુબ પ્રવાસ કરતા .

જો કે આજે મારે તમને જે વાર્તા કરવી છે , તે રવીન્દ્રનાથ ટાગોર ના આપણા અમદાવાદ કન્નેકશન વિષે ની વાર્તા છે .

આમ તો અમદાવાદ અને રવીન્દ્રનાથ ટાગોર એ બે નામ પડે એટલે સૌથી પહેલો આપણાને યાદ આવે ટાગોર હોલ અને બીજો યાદ આવે મોતીશાહી મહેલ , જે અત્યારે સરદાર પટેલ સ્મારક ભવન ના નામે ઓળખાય છે .

પણ આ સિવાય પણ રવીન્દ્રનાથ નું અમદાવાદ સાથે બહુ જ સ્ટ્રોંગ કન્નેકશન છે . હવે હું જો તમને એમ કહું કે ભારત ના મહાનતમ કવિ રવીન્દ્રનાથ ટાગોરે એમના જીવન ની પહેલી કવિતા ની રચના અમદાવાદ માં કરેલી કે પછી રવીન્દ્રસંગીત ની સૌ પહેલી પ્રેરણા એમને અમદાવાદ માં સાબરમતી ને કિનારે મળેલી .તો તમને ચોક્કસ રસ પડે ને વાર્તા આગળ જાણવામાં !!
રવીન્દ્રનાથ ના એક મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર એ સમયે જેમાં બધા જ યુરોપિયન્સ ની જ ભરતી થતી એવા ઇન્ડિયન સિવિલ સર્વિસીસ માં વરણી પામનારા પહેલા એવા ભારતીય હતા . એમનું પોસ્ટિંગ એ સમયે અમદાવાદ માં કરવામાં આવેલું . જી , આપણા અમદાવાદ માં.
હવે રવીન્દ્રનાથ ના આ મોટા ભાઈ એમ ઇચ્છતા હતા કે રવીન્દ્રનાથ અભ્યાસ કરવા માટે આગળ ઇંગ્લેન્ડ જાય . જેના માટે અંગ્રેજી શીખવું બહુ જરૂરી હતું . તો પોતે પોતાના ભાઈ ને અંગ્રેજી સાહિત્ય અને ભાષા બરાબર શીખવી શકે એ હેતુ થી સત્યેન્દ્રનાથ એ રવીન્દ્રનાથ ટાગોર ને અમદાવાદ બોલાવ્યા . પોતાની સાથે રહી અને અંગ્રેજી શીખવા માટે . વર્ષ હતું ૧૮૭૮ નું . રવીન્દ્રનાથ ટાગોર ની ઉંમર એ વખતે માત્ર ૧૭ વર્ષ ની હતી .

અહીંયા એમનો ઉતારો શાહીબાગ માં અત્યારે જે સરદાર પટેલ સ્મારક ભવન તરીકે ઓળખાય છે , એ મોતીશાહી મહેલ માં આપવામાં આવેલો . આ મહેલ ના એક નાનકડા રૂમ માં ટાગોર લગભગ ૬ મહિના રહેલા.

રવીન્દ્રનાથે પોતાના પુસ્તક માં લખેલું છે ‘મુઘલ સલ્તનત નો ભવ્ય ભૂતકાળ ધરાવતા આ શહેર અમદાવાદ માં હું જ્યાં ઈચ્છું ત્યાં ફરવા માટે મુક્ત છું . અને એ બાબતે હું મુગ્ધ પણ છું .અહીંયા જ્યાં એક મુઘલ સુલતાન ના મહેલ માં રાખવામાં આવ્યા છે , ત્યાં મારા કમરા ની આગળ એક મોટી અગાશી છે . અને એ અગાશી પરથી ઘૂંટણસમા સાબરમતી નું પાણી જે કિનારા ની રેતી સાથે વળાંક લેતા ભળી જાય છે , એ સુંદર નજારો મારો નિત્યક્રમ છે . ઘણીવાર એમ થાય છે કે આ મહેલ ના આંગણામાં પથ્થરો થી બનેલા બેઘમ ના સ્નાનાગારો , કઈ કેટલીયે રહસ્યમયી વાતો પોતાની અંદર સમાવી ને બેઠા છે.’


રવીન્દ્રનાથ ટાગોરે એમના જીવન ની શ્રેષ્ઠ રચનાઓ લખવાની શરૂઆત અમદાવાદ માં કરેલી . એમને આપણા આ શહેર પ્રત્યે એક અલગ પ્રકાર નો લગાવ હતો .
એમને પોતાની આત્મકથા માં અમદાવાદ વિષે લખ્યું છે,’અમે કલકત્તા ના લોકો છીએ . ઇતિહાસ અમને અમારા શહેર ના ભવ્ય ભૂતકાળ વિષે ના કોઈ પુરાવા નથી આપતો . પણ અમદાવાદ માં મને એવું અનુભવાય છે કે જાણે ઇતિહાસ મારી સામે જ છે , અહીંયા થંભી ગયો અને અને આ શહેર ના ભવ્ય ભૂતકાળ તરફ નજર તાકી ને ઉભો છે.’

રવીન્દ્રનાથ ટાગોર ના કમ્પોઝિશન્સ માંથી જે સંગીત નો પ્રકાર ઉદ્ભવ્યો , એ રવીન્દ્રસંગીત તરીકે ઓળખાય છે .
પણ શું તમને ખબર છે કે રવીન્દ્રનાથ ટાગોર એમના જીવન ની સૌથી પહેલી કવિતા આપણા અમદાવાદ માં કંપોઝ કરેલી . રવીન્દ્રસંગીત ના મૂળિયાં આપણા શહેર ની આ હવા માં , શાહીબાગ ના એ મોતીશાહી મહેલ માં નંખાયેલા .

રવીન્દ્રનાથે લખ્યું છે કે “પૂનમ ના અજવાળા ની રાત્રે , આ અગાશી અને એની સામે ખળ ખળ વહેતી નદી સાથે આ મંદ પવન એ મારા માટે મૂડ બદલાવનું કામ કર્યું છે . આવી જ એક રાત્રે મેં મારા જીવન ની સૌથી પહેલી મારી જ લખેલી એક કવિતા સ્વરબધ્ધ કરી ,જે હજી આજે પણ મારા પ્રસિદ્ધ થયેલા કામો માં સ્થાન ધરાવે છે .”
કવિતા છે અમર ગોલાપ બાલા

આ કવિતા ટાગોર ના જીવન ની પહેલી વહેલી કવિતાઓમાની એક છે . એમની બહુ ચર્ચિત ટૂંકી વાર્તા ક્ષુદિતા પાષાણ ( હંગરી સ્ટોન ) એ પણ એમને અમદાવાદ ના એમના ૬ મહિના ના વસવાટ દરમ્યાન જ લખેલી .

મજાની વાત એ છે કે અમદાવાદ ના પ્રસિદ્ધ હઠીસીંઘ પરિવાર ની દીકરી શ્રીમતીબેન હઠીસિંગ , એ સમયે રવીન્દ્રનાથ ટાગોર ના ભત્રીજા સૌમેન્દ્રનાથ ટાગોર ને પરણેલા.

ગુરુદેવ વિષે ઘણી વાતો અને વાર્તા તમે આજ સુધી સાંભળી હશે વાંચી હશે . પણ એમના અમદાવાદ સાથે ના જોડાણ ની આવી વાર્તા કદાચ પહેલી વાર સાંભળતા હશો . આજની વાર્તા ડોટ કોમ ની વાર્તા ને લઇ ને તમારો પ્રતિભાવ હોય તો મને મોકલી આપો
જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં
અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા
Facebook: https://www.facebook.com/rjPooja.Official/
Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08
Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09