ઘણી બધી વખત જયારે લોકો મને એમ પૂછતાં હોય છે કે એક સારા RJ બનવા માટે શું કરવું ?ત્યારે મારો સૌથી પહેલો જવાબ હોય છે થિએટર કરો .
“નાટક શીખો”
રંગમંચ સાથે પરિચિત થાવ. આવતીકાલે ૨૭ મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસતરીકે સેલિબ્રેટ થાય છે ત્યારે આજની વાર્તા નાટ્ય કલા, થિએટર, An art of Drama વિષે ની, એની ઉત્પત્તિ અને ભારત માં એની સ્થિતિ વિષે ની વાર્તા.

રંગમંચ
રંગમંચ એ આપણને કેટલા બધા સફળ કલાકારો આપ્યા છે જેમ કે ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પૃથ્વીરાજ કપૂર, સીમા બિસ્વાસ, ફારૂક શૈખ ,દીપક ડોબરિયાલ ,પંકજ કપૂર ,શાહરુખ ખાન, ઇરફાન ખાન અને ના જાણે કેટલા બીજા નામ.જો લખવા બેસું તો આખો ગ્રંથ ભરાઈ જાય એટલા નામ આવે કલાકારો ના જેમના જીવન માં રંગમંચ એ ખુબ મોટો ભાગ ભજવ્યો છે.
જો આધુનિક ઈતિહાસ જોવા જઈએ તો તમને ક્યાંક એવું જાણવા મળે કે ભારતીય રંગમંચ કે પછી ભારતીય નાટ્ય શાસ્ત્ર એ એશિયા અને યુરોપ નું સૌથી જૂનું રંગમંચ છે . પણ જો આપણા શાસ્ત્રો ની વાત ધ્યાન માં લઈએ , તો ભારતીય નાટ્યશાસ્ત્ર એટલું જ જૂનું છે જેટલું જૂનું ભારત દેશ નું અસ્તિત્વ છે . એક સરસ વાર્તા છે નાટ્ય શાસ્ત્ર ની રચના ને લઇ ને.
આમ તો શિવજી સાથે જોડાયેલી ઘણી બધી વાર્તા તમે જાણતા હશો, ઘણી વાર્તા મેં પણ કહી હશે. પણ આજે રંગમંચ સાથે જોડાયેલી વાર્તા કહું
એ વાર્તા પ્રમાણે બન્યું એવું કે બ્રહ્માજીએ જયારે સૃષ્ટિ નું સર્જન કર્યું ,ત્યારે દેવો બહુ ખૂશ થયા.પણ પછી દેવો ને એમ લાગ્યું કે સૃષ્ટિ રચાઈ તો ગઈ,પણ અહીંના લોકો ના મનોરંજન માટે કંઈક હોવું જોઈએ.આ પ્રશ્ન ને લઇ ને દેવો બ્રહ્માજી પાસે ગયા .તો બ્રહ્માજી એ એમને સૂચવ્યું કે આ પ્રશ્ન નું નિરાકરણ તો શિવાજી જ લાવી શકે.એટલે દેવો શિવાજી પાસે ગયા.અને પોતાની સમસ્યા જણાવી કે સૃષ્ટિની રચના થઇ ગઈ,પણ મનોરંજન નો અભાવ છે.

એ સમયે શિવજી એ ભરતમુનિ ને જવાબદારી સોંપી કે એ આ પ્રશ્ન ઉકેલી આપે . અને શિવજી ના આદેશ પર ભરતમુનિ એ જે શાસ્ત્ર ની રચના કરી . તે આપણું ભરતમુનિ રચિત ભારતીય નાટ્ય શાસ્ત્ર , કે જે આ પૃથ્વી પરનો સૌથી જૂનો નાટ્ય ગ્રંથ માનવામાં આવે છે .એક બીજી પણ વાર્તા છે . એમ કહેવાય છે કે પાર્વતીજી જયારે પોતાના પિતા ના ઘરે થી કૈલાશ પર શિવજી ના સાથે રહેવા આવ્યા , ત્યારે એમના મનોરંજન માટે શિવજી એ ભરતમુનિ ને વિનંતી કરી નાટ્ય શાસ્ત્ર રચવાની . અને ભરતમુનિ એ વિશ્વ નું સૌથી જૂનું નાટ્ય શાસ્ત્ર રચ્યું .
ભરત મુનિ એ શિવજી ના આદેશ પર નાટ્ય શાસ્ત્ર ની રચના તો કરી , પણ એના પ્રચાર અને પ્રસાર નું કામ ભરતમુનિ ના દીકરાઓ અને શિષ્યો એ કર્યું . આ નાટ્ય શાસ્ત્ર નો એક શ્લોક બહુ પ્રચલિત છે . જેમાં એક ઉત્તમ નાટક ના ચાર મુખ્ય તત્વો નો સમાવેશ થાય છે . અને હજી આજની તારીખે પણ ભારતભર માં ક્યાંય પણ જો નાટક ભજવાતું હોય , તો નાટક ની શરૂઆત પહેલા , રંગભૂમિ ની પૂજા કરતી વખતે આ શ્લોક ચોક્કસ પણે ગવાય .
”आंगिकम भुवनम यस्य
वाचिकं सर्व वाङ्ग्मयम
आहार्यं चन्द्र ताराधि
तं नुमः सात्विकं शिवम्”
આ શ્લોક માં શ્રેષ્ઠ નાટક માં હોવા જ જોઈએ એવા ચાર તત્વો ની વાત છે.
- આંગીકામ,એટલે કે નાટક માં જે અંગભંગિમાઓ વપરાય છે , જે અદાકારી વપરાય છે તે
- વાચિક્મ ,એટલે બોલવાની કલા.
- આહાર્યમ ,એટલે કે નાટક અને પાત્રને અનુરૂપ પોશાક , કે માત્ર એ પહેરવાથી જ સામેવાળી વ્યક્તિ તમે કયા પાત્ર ને ભજવી રહ્યા છો તે કહી શકે .
- અને સાત્વિકમ, એટલે એક કલાકાર તરીકે તમે જે પાત્ર ભજવી રહ્યા છો ,એમાં તમે સંપૂર્ણ પણે ઓતપ્રોત થઇ જાવ .

જયારે કોઈ નાટક માં આ ચાર તત્વો ભેગા મળે છે , ત્યારે એક સંપૂર્ણ નાટક રચાય છે .

ભરતમુનિ એ નાટ્યશાસ્ત્ર ની રચના કરી ને ભારત ભર માં એનો પ્રચાર ને પ્રસાર થયો , એ પછી ભારત ના દરેક ખૂણા માં નાટક ના અલગ પ્રકાર અસ્તિત્વ માં આવ્યા. નાટ્ય શાસ્ત્ર પ્રમાણે નાટક ને ૧૦ પ્રકાર માં વહેંચવામાં આવ્યું છે
પણ જો ભારત ના રાજ્યો માં નાટક ના અલગ અલગ પ્રકાર ની વાત કરું , તો જેમ ગુજરાત ની પ્રાચીન નાટ્ય કલા નો પ્રકાર ભવાઈ છે , એ રીતે મહારાષ્ટ્ર માં તમાશો થાય છે . બંગાળ માં જાત્રા ભજવાય છે અને ઉત્તરપ્રદેશ માં નૌટંકી . રાજસ્થાન માં સ્વાંગ ભજવાય છે અને મધ્યપ્રદેશ માં માચ .



”નાટ્ય શાસ્ત્ર માં ૯ રસ નો પણ ઉલ્લેખ છે.”
જેના પર નાટક બની શકે . અને એ દરેક રસ ના શ્લોક પણ આલેખાયા છે .
શૃંગાર રસ , રૌદ્ર રસ , અદભુત રસ , ભયાનક રસ , બીભત્સ રસ , હાસ્ય રસ , કરુણરસ , શાંત રસ અને વીર રસ .

જો કે , તમે છેલ્લે ક્યુ નાટક જોયેલું યાદ છે ? તમને કેવું લાગેલું ?
જો તમને આ વાર્તા વાંચવી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં
અને આ વાર્તા ને વિડિઓ માં જોવા મારા
Facebook: https://www.facebook.com/rjPooja.Official/
Twitter: https://twitter.com/RJPoojaOfficial?s=08
Instagram: https://instagram.com/rjpooja.official?igshid=1wt1zmndcha09