
આ મહિના ની શરૂઆત માં જ બ્રિટન ના રાણી એલિઝાબેથ ના પૌત્ર હેરી અને એમના પત્ની મેગને બ્રિટન ના રાજ પરિવાર ની જવાબદારીઓ છોડી ને પોતાનો હક જતો કરવાની જાહેરાત કરી. સમગ્ર દુનિયા માટે આ જાહેરાત ખુબ અણધારી અને આઘાતજનક હતી. જેમ પ્રિન્સ હેરી એ કહ્યું એમ , કે એમણે આ નિર્ણય સ્વાભાવિકપણે રાતોરાત નહોતો જ લીધો અને છેલ્લા ઘણા મહિનાઓ થી રાણી એલિઝાબેથ સાથે પણ આ વિષે ઘણી ચર્ચાઓ ચાલી રહેલી , જેના અંતે એમણે બ્રિટન ના શાહી પરિવાર અને એની જવાબદારીઓ સાથે સાથે એ જવાબદારીઓ નિભાવવાના બદલામાં પ્રજા તરફ થી મળતા ફંડ થી પણ અલગ થવાનું નક્કી કર્યું.
સત્તા છોડવી , કે પછી પૈસા અને રાજાશાહી નું સન્માન (રોયલ સ્ટેટસ ) છોડવું , એ ખુબ અઘરી વાત છે. પણ જેટલી અઘરી વાત એને છોડવું છે , એટલી જ અઘરી વાત એને નિભાવવું પણ છે. ખાસ કરી ને મેગન અને હેરી એ છેલ્લા વર્ષ માં અનેક વખત મીડિયા સામે શાહી પરિવાર ની જવાબદારીઓ અને મીડિયા ના સતત ધ્યાન માં રહેવાથી થતી મુશ્કેલી ઓ વિષે વાત કરેલી. સાથે જ એમણે આ શાહી દરજ્જો છોડવાનું કારણ એ પણ આપ્યું છે કે એમણે એમની ફાઇનાન્શિયલ ઈન્ડિપેન્ડેન્સ એટલે કે આર્થિક સ્વતંત્રતા પણ જોઈએ છે. જેમાં પોતાની મરજી થી જાતે ખર્ચો કરી શકવાની સાથે સાથે પોતાની મરજી થી જાતે કમાઈ શકવાની વાત પણ શામેલ છે.
આજના જમાનામાં આ કેટલી અઘરી વાત છે? મારા હિસાબ થી આ અઘરી હોવા છતાં ખુબ ગર્વ લેવા જેવી વાત છે. વિશ્વ માં એવું અનેકવાર બન્યું છે કે પોતાના પ્રેમ માટે કોઈ રાજવી પરિવાર ના સભ્ય એ રાજપાટ છોડી દીધો હોય. પણ કદાચ આવું પહેલી વાર બની રહ્યું છે કે પોતાની સ્વતંત્રતા માટે કોઈ રાજકુમાર રાજપાટ છોડી રહ્યો હોય!
આપણે સૌ માનવી તરીકે આ પૃથ્વી પર સ્વતંત્ર રીતે જીવવા સર્જાયા છીએ. પણ દેશ , દુનિયા અને સમાજ ની સાથે રહેવા માટે જાણતા અજાણતા જ અનેક બંધનો માં બંધાયેલા રહેવું પડે છે. માત્ર શારીરિક સ્વતંત્રતા જ સ્વતંત્રતા નથી. માનસિક સ્વતંત્રતા પણ એટલી જ જરૂરી છે. કોઈ પણ કારણોસર , પોતાની ગમતી વસ્તુ ના કરી શકવી , અમુક રીતે જ વર્તવું , અમુક પ્રકારે જ કામ કરવું , માનવ સહજ ઈચ્છાઓ ને જાકારો આપવો , આ બધું જ માનસિક બંધનો દર્શાવે છે. અને કોઈ માણસ કઈ હદ સુધી આ પરિસ્થિતિ માં જીવી શકે? જો કદાચ જીવી પણ જાય , તો ખુશ રહી શકે?
અહીંયા સ્વતંત્રતા નો અર્થ એ સ્વચ્છન્દતા પણ નથી. આ બંનેવ વચ્ચે ની ભેદરેખા ખુબ પાતળી છે. પણ જવાબદારી પૂર્વક લીધેલી સ્વતંત્રતા થી ઉત્તમ બીજું કાંઈ નથી. જો કોઈ રાજકુમાર એની પત્ની સાથે રાજપાટ છોડી ને , પોતાની જાતે કમાઈ ને , પોતાની રીત નું જીવન જીવવા માંગતો હોય , તો એને એ બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. જો કે બ્રિટન ના શાહી પરિવાર માટે પણ આવું પહેલા ક્યારેય નથી બન્યું , એટલે એમણે નક્કી કાર્ય મુજબ આ આખી પરિસ્થિતિ ને આગળ એક વર્ષ સુધી જોવામાં આવશે , અને પછી આગળ શું નક્કી થશે એ સમય જ કહેશે.
છેલ્લે ,
પોતાની સ્વતંત્રતા અને રાજપાટ માંથી રાજપાટનો ત્યાગ કરવાની ખુમારી વિષે ની વાર્તાઓ ઘણી સાંભળી છે , પણ એને પ્રત્યક્ષ જોવાનું આપણા માટે પહેલી વાર બન્યું છે. જે ખુબ રોમાંચક છે. જો કે જો તમારે આ બેમાંથી એક ની પસંદગી કરવાની હોય તો શેની પસંદગી કરો?
આજના જમાના માં કોઈ પોતાની કૌટુંબિક સંપત્તિમાં ભાગ આપવા તૈયાર નથી અને આમણે પોતાની રોયલ સ્ટેટ્સ છોડી દીધું
LikeLiked by 1 person