કેન્ડીડ વિથ પૂજા – ૨૧ જાન્યુઆરી , ૨૦૨૦
આજ થી લગભગ દસ બાર વર્ષ પહેલા જયારે એક ફેમેલી ગેટ ટૂ ગેધર ની ચર્ચાઓમાં મને ખબર પડેલી કે મુંબઈ શહેર માં એક બહેન એવો બિઝનેસ ચલાવે છે , જેમાં એ એમના ગ્રાહકો માટે એમની પસંદ નો જમવાનો ઓર્ડર તૈયાર કરી આપે , અને ગ્રાહક ની જ પસંદ ની રેસ્ટોરન્ટ માંથી એ ઓર્ડર તૈયાર કરાવી ને એમના ગ્રાહક ના ઘરે પહોંચાડે, ત્યારે ખુબ નવાઈ લાગેલી! કે એવું કેવું? રેસ્ટોરન્ટ નું જમવાનું કોઈ આપણા ઘરે આપી જાય? આપણે ત્યાં નહીં જવાનું? મને લાગેલું કે મુંબઈ માં કદાચ આવું બધું ચાલતું હશે કારણકે ત્યાં ટ્રાફિક ની સમસ્યા ખુબ મોટી છે અને શહેર પણ ઘણું મોટું છે. એમાં જો કોઈ તમારા ઘરે બેઠા તમારો મનપસંદ ઓર્ડર આપી જાય , તો એનાથી ઉત્તમ બીજું શું હોય? ત્યારે મને સહેજેય ખ્યાલ નહોતો કે ૧૦ વર્ષ ની અંદર મારી આસપાસ નું દુનિયા એ હદે બદલાઈ જવાની છે કે આ બહુ જ સહજ વાત બની જવાની છે. ( અને જનરેશન એક્સ અને વાય અને ઝેડ માટે તો , એક માત્ર વિકલ્પ.)
પણ ખેર , બરાબર આ જ સમયે , આઈ.આઈ.ટી. દિલ્હી માંથી ભણી ને બહાર નીકળેલા અને એ સમયે એક મલ્ટિનેશનલ કંપની માં કામ કરતા બે મિત્રો દીપિન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢા ના મન માં એક વિચાર આવ્યો. જે માત્ર ૧૦ વર્ષ ની અંદર જ ભારત માં જ નહીં પણ ભારત બહાર સમગ્ર દુનિયા માં ફેલાવાનો હતો. ડેપિન્દર અને પંકજે જોયું કે એ જે કંપની માં કામ કરે છે , ત્યાં માત્ર ફૂડ મેન્યુ જોવા માટે પણ લોકો એ ખુબ લાંબી રાહ જોવી પડે છે. એમને થયું કે આપણે એવું કાંઈ શરુ કરીએ જેનાથી આખી ઓફિસ ના લોકો મેન્યુ એક જ સમયે જેને જોવું હોય એ બધા જ પોતપોતાની રીતે જોઈ શકે તો? અને આ વિચારે ૨૦૦૮ ની સાલ માં જન્મ આપ્યો ફૂડીબે નામની વેબસાઈટ ને. જેના પાર જે જોઈતા હોય એ બધા જ મેન્યુ ઉપલબ્ધ હોય અને જેને જયારે જોવું હોય , જોઈ શકે. એના માટે રાહ જોવાની જરૂર નહીં. એમની આ વેબસાઈટ ખુબ ચાલી. માત્ર એમની ઓફિસ માં જ નહીં , પણ દિલ્હી આખા માં. પછી તો મુંબઈ માં પણ. અને એ વિચાર ને આગળ વધારવા માટે ૨૦૧૦ ની સાલ માં આ બંનેવ મિત્રો એ ફૂડીબે નું નામ બદલી ને ઝોમેટો કરી નાખ્યું. અને એમના સ્ટાર્ટઅપ ને રિ લોન્ચ કર્યું.
ત્યારથી લઇ ને આજે સવારે ૭ વાગ્યા સુધી કે જયારે ઝોમેટો એ ભારત માં ઉબેર ઇટ્સ ને ટેકઓવર કર્યું , એ દસ વર્ષ ના સમય માં આપણે સૌએ એની પ્રગતિ જોયેલી છે. પણ મને એવો વિચાર ચોક્કસ આવ્યો કે સાલું આની શરૂઆત ક્યાંથી થઇ હશે?! અને થોડું ખણખોદ કરતા , જે માહિતી મને મળી , એ બહુ રસપ્રદ છે.
જો આપણે ઘરની બહાર બનાવેલું ફૂડ જાતે જ ડિલિવરી લઇ ને ઘરે આવી ને જમવા વાળા વિચારની ( ટેક અવે ફૂડ ) વાત કરીએ તો એની શરૂઆત એન્શિયન્ટ ગ્રીસ માં થયેલી. જ્યાં એવા ગરીબ લોકો , કે જેમની પાસે ઘરે રસોડું રાખી શકવાની તાકાત ના હોય , એમના માટે રસ્તાઓ અને બજાર માં ખાસ થર્મોપોલિયમ ની વ્યવસ્થા કરવામાં આવતી. કે જેમાં ખોરાક ગરમ રહી શકતો. અને કામ પરથી ઘરે જતો માણસ , ત્યાંથી ગરમ ખોરાક લઇ ને ઘરે જઈ શકતો. ( આપણને આ વિચાર થોડો અજીબ લાગે કારણકે આપણા ભારતીય ઘરો માં ખોરાક હંમેશા ઘરે અને ગરમ જ બન્યો છે. પણ પશ્ચિમ અને યુરોપ ના દેશો માં જ્યાં સંસ્કૃતિ આપણા કરતા ઘણી સદીઓ પછીથી વિકસી છે , એમનો ખોરાક હંમેશા ગરમ નહોતો. )
પણ આ તો ટેક અવે ફૂડ ડિલિવરી ની વાત થઇ. પહેલી એક્ચ્યુઅલ ફૂડ ડિલિવરી કઈ થઇ હશે? તો એનો ઇતિહાસ ૧૭૬૮ ની સાલ માં કોરિયા સુધી જાય છે. જ્યાં સૌથી પહેલી વખત ‘કોલ્ડ ન્યુડલ્સ’ ની હોમમાં ડિલિવરી થયેલી. એના પછી ૧૮૮૯ માં , ઇટાલી ના રાજા અમ્બર્ટો અને રાણી માર્ગરિટા એ આળસી જઈ ને એમના મહેલ માં પિઝા ની ડિલિવરી મંગાવી. ( આ એ જ પિઝા છે જેનું નામ આપણે રાણી માર્ગરીટા ના નામ પરથી માર્ગરીટા પાડ્યું છે. અને એને ખુબ ટેસ થી આરોગીએ છીએ.) ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટન માં હજ્જારો નિરાશ્રિત પરિવારો ને ગરમ ભોજન મળી રહે એની ખાસ વ્યવસ્થા બ્રિટન ની સરકારે કરી. જેમાં દેશભર માં ‘ હોટ મીલ’ પહોંચાડવામાં આવતું. યુદ્ધ પૂરું થયા પછી અમેરિકા ના કમર્શિયલ સેક્ટરે આ વિચાર અપનાવી લીધો અને શરૂઆત થઇ દુનિયા ના શરૂઆત ના ફૂડ ડિલિવરી બિઝનેસ ની. જેના થકી અમેરિકા ની રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ટકી ગઈ.કારણકે આ એ સમય હતો કે જયારે વધતો જતો અમેરિકન મિડલ ક્લાસ , એમના ઘર માં નવા આવેલા ટીવી ને છોડવા નહોતો માંગતો અને એટલે જ પોતાના ઘરે રસોઈ બનાવવાનું ચલણ વધી રહ્યું હતું.

જો કે , અત્યાર સુધી આ બધું જ ફોન દ્વારા કે પછી અગાઉ થી અપાયેલા ઓર્ડર દ્વારા ચાલતું હતું. પહેલો ઓનલાઇન ફૂડ ડિલિવરી ઓર્ડર ક્યારે અપાયો? અને કોને અપાયો? એનો ઇતિહાસ બહુ જ નજીક ના ભૂતકાળ માં વર્ષ ૧૯૯૪ ની સાલ માં જાય છે. જ્યાં પિઝા હટે પહેલી વાર એનો ઓનલાઇન ડિલિવરી કરેલી.
બસ એ ઘડી ને આજનો દિવસ , ઓનલાઇન ફૂડ ઇન્ડસ્ટ્રી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને આપણે એના સહારે જીવી રહ્યા છીએ.

છેલ્લે,
ઓનલાઇન ફૂડ ડિલિવરી માં આખી દુનિયા ના મસાલા ના ચટાકા હશે , પણ માં ના હાથ ના રોટલી શાક ઘર ના રસોડે જ બને છે. કારણકે ઘર કા ખાના આખિર ઘર કા ખાના હોતા હૈ!
