કેન્ડીડ વિથ પૂજા – ૩૦ ઓગસ્ટ , ૨૦૧૯

ભગવાન શ્રી ગણેશ ના તહેવાર ના શ્રી ગણેશ થવામાં માત્ર ૨ દિવસ ની વાર છે. દુનિયા નો કદાચ આ એકમાત્ર એવો તહેવાર હશે કે જયારે આપણે વાજતે ગાજતે ભગવાન ને ઘરે લાવતા હોઈશું , નક્કી કરેલા દિવસો એમની ખાતિરદારી કરતા હોઈશું અને પુરા માં સન્માન સાથે આવતા વર્ષે ફરી આવે એવી આજીજી સાથે વળાવતા હોઈશું.
જયારે આ તહેવાર ની ઉજવણી ની શરૂઆત થઇ ત્યારે લોકો પોતાના ઘર ની આસ પાસ ની માટી ભેગી કરી અને એમાં પાણી ભેળવી ગણેશજી બનાવતા અને એને રંગવા માટે સાવ જ કુદરતી રંગો વાપરતા. જેથી કરી ને જયારે આ ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવાનું થાય , ત્યારે આ પદાર્થો સહેલાઇ થી જમીન માં ભળી જાય. સમય બદલાયો એમ રીત પણ બદલાઈ. હવે ગણેશ જી ની પ્રતિમા પ્લાસ્ટર ઓફ પોરિસ ની બને છે અને એને રંગવા માટે જે રંગો વપરાય છે એ પણ રસાયણ યુક્ત હોય છે. આવી પ્રતિમા દેખાવ માં સારી લાગે અને વજન માં પણ કદાચ હલકી હોય . ભાવ માં પણ સસ્તી પડે ( અને જાતે કોઈ મહેનત નહીં!) પણ એનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ પ્રતિમા ઓ વિસર્જન વખતે જે નદી માં કે તળાવ માં વિસર્જિત કરવામાં આવે ત્યાં અનહદ પ્રદુષણ ફેલાવે છે.
હવે જયારે ઈશ્વર ને ઘરે આમંત્રણ આપવું હોય તો સૌથી પહેલું જેનું ધ્યાન રાખવું પડે એ છે પર્યાવરણ. કારણકે ઈશ્વર નો સૌથી પહેલો વાસ પર્યાવરણ માં જ છે.
કેવી રીતે ઘરે બનાવી શકાય ગણેશજી ની પ્રતિમા.
આપણી નજીક માં જો કોઈ કુંભાર હોય , તો એની પાસે થી સરળતા થી પ્રતિમા બનાવવા માટે જોઈતી ચીકણી માટી મળી રહે. જો આપના ઘર ની આસ પાસ ક્યાંય એ ઉપલબ્ધ હોય તો એ પણ વાપરી શકાય. આ ચીકણી માટી માં પાણી ભેળવી ને એને ગણેશ જી નો આકાર આપી શકાય. મૂર્તિ ને સીધી રાખવા માટે અને એ પડી ના જાય એ માટે ધાડ અને માથું જોડી રાખવા આઈસક્રીમ સ્ટીક કે પછી ટૂથપિક નો ઉપયોગ પણ કરી શકાય. જો બાળકો પાસે આ પ્રવૃત્તિ કરાવવા માં આવે તો અતિ ઉત્તમ.
એને રંગાવ માટે કેટલાક એવા ફૂલો જે તમારા ઘર ની આસપાસ ઉગતા હોય , એને પીસી ને એમાંથી રંગ બનાવી શકાય. પીળા રંગ માટે હળદર કે મરૂન રંગ માટે બીટ વાપરી શકાય. લાલ રંગ માટે કંકુ પણ વાપરી શકાય.
એને સજાવવા માટે ઘર ની આસપાસ થતા ફૂલો નો માળા બનાવી શકાય. ઘર માં પડેલા તોય કે ટિક્કી થી મુગટ પણ થઇ શકે. અને આપના જાતે બનાવેલા ગણેશજી તૈયાર.

ઘરે જાતે કે પછી બાળકો દ્વારા બનાવવા માં આવતી પ્રતિમા ની જો ઘર માં સ્થાપના થાય તો એનું પોતીકાપણું જ કૈક અલગ હોય છે. સાથે એના અનેક ફાયદાઓ પણ છે. બાળકો આપણી સંસ્કૃત્તિ અને સભ્યતા ના પરિચય માં આવે. એમની રચનાત્મક સમાજ ખીલે. એક હકારાત્મક પ્રવૃત્તિ માં એમનો સમય પસાર થાય.અને સૌથી મહત્વનું એ કે આવી પ્રતિમાઓ વિસર્જન વખતે પર્યાવરણ ને નુકશાન ના પહોંચાડે. આજે આ વાત અહીંયા ખાસ એટલે કહેવાની કારણકે આ બધો જ મારો જાત અનુભવ છે.
અને છેલ્લે,
આવી જાતે બનાવેલી ગણેશ પ્રતિમા નું આપના ઘર માં સ્થાપન થાય એ બાદ ગણેશજી આપના પાર ખુબ પ્રસન્ન રહે અને એમના આશીર્વાદ સદાય આપણી સાથે રહે એવી શુભેચ્છા. ( જો પ્રયોગ કરો તો અનુભવ ચોક્કસ શેર કરજો. )