કેન્ડીડ વિથ પૂજા – ૨૭ ઓગસ્ટ , ૨૦૧૯

‘બેટા , ડાઉનસ્ટેઇર્સ પ્લે કરી ને આવ્યા પછી હેન્ડ્સ અને લેગ્સ વૉશ કરી ને આવો….’
‘તું અહીંયા સીટ કર. મારી બાજુ માં.’
‘બહુ મોબાઈલ પ્લે કરીશ ને તો તારી આઈસ બગડી જશે.’
શું તમે પણ તમારા બાળકો સાથે આ રીતે વાત કરો છો? તો તમે રોજ બે ભાષા ની હત્યા કરો છો. એક તમારી માતૃ ભાષા અને બીજી અંગ્રેજી ભાષા. કારણકે તમે બે માંથી એકેય ભાષા માં સરખી વાત કરતા નથી. આ વાત આજે એટલા માટે , કારણકે આમ તો રોજ ક્યાંક ને ક્યાંક થતું હોય છે પણ આજે એક એવી વ્યક્તિ ને એના બાળક સાથે વાત કરતા સાંભળી કે એના પછી હું આજે આ વાત તમારી સમક્ષ મુકવા માટે મજબૂર થઇ ગઈ.
મને એમ કહેતા જરાય અતિશયોક્તિ નથી લગતી કે આપણે અંગ્રેજો ના રાજ માંથી આઝાદ તો થઇ ગયા છીએ પણ ગુલામી ની માનસિકતા નથી છોડી શક્યા, આ મારુ ઓબઝર્વેશન છે કે જે માં બાપ પોતાના બાળકો અન્યો કરતા વધુ સ્માર્ટ છે અને પોતે પણ અંગ્રેજી બોલી શકે છે એમ દુનિયા ને બતાવવા માંગે છે એ લોકો મોટા ભાગે આ રીતે વાત કરે છે. હું હાજી સુધી નથી સમજી શકી કે આમ કરવાની જરૂર શા માટે ?
ભાષા એ પ્રત્યાયન નું માધ્યમ છે. તમે કોઈ એક વાત અન્ય વ્યક્તિ ને કહેવા માંગો છો , તમારો ભાવ પ્રદર્શિત કરવા માંગો છો એ માટેનું એક સાધન માત્ર છે. જો કોઈ વ્યક્તિ ને પોતાની માતૃભાષા ઉપરાંત અન્ય ભાષાઓ સારી પેઠે આવડે છે ( જેવી કે અંગ્રેજી કે હિન્દી ) તો એ સારી બાબત છે, પણ એ વ્યક્તિ ની હોંશિયારી નું માપદંડ ના હોઈ શકે. જો એમ વાત હોય તો કોઈ પણ અંગ્રેજ ક્યારેય ઠોઠ હોય જ નહીં, બધા જ ખૂબ જ હોંશિયાર જ હોય. પણ એવું જરાય નથી.બાળક ને અંગ્રેજી કેમ આવડવું જ જોઈએ ?? કેમ એ પોતાના ઘર માં બોલાતી પોતાની માતૃભાષા માં શુદ્ધ રીતે વાત ના કરી શકે?! અને આમ કરવાથી એ ‘ઓછું હોંશિયાર લાગશે કે એનો વટ નહિ પડે’ એવું વિચારનારા લોકો એ કે માં બાપ એ પોતાની માનસિકતા ની ચકાસણી કરાવવી / કરવી જરૂરી છે.
દુનિયા ના બીજા કોઈ દેશ માં અંગ્રેજી ભાષા માટેની આટલી ઘેલછા નથી જેટલી આપણે ત્યાં છે. તમે ક્યારેય કોઈ અંગ્રેજ ને ગુજરાતી ભાષા આવડતી હોવા માટે ગૌરવ લેતો જોયો છે? ભાષા એ વ્યવસ્થિત વિજ્ઞાન છે. કોઈ પણ ભાષા નું વ્યાકરણ વૈજ્ઞાનિક ઢબે નક્કી થયેલું હોય ત્યારે જ એ ભાષા બને છે. આપણી ગુજરાતી ભાષા માં એ કેટલી સુંદર રીતે ગોઠવાયેલું છે એની એક નાનકડી માહિતી આપું તમને.
ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણત્રી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી.
ક ખ ગ ઘ ઙ – આ પાંચના સમુહને ‘કંઠવ્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.
ચ છ જ ઝ ઞ – આ પાંચેય ‘તાલવ્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
ટ ઠ ડ ઢ ણ – આ પાંચેય ‘મૂર્ધન્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
ત થ દ ધ ન – આ પાંચના સમુહને ‘દંતવ્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.
પ ફ બ ભ મ – આ પાંચના સમુહને ‘ઔષ્ઠવ્ય’ કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.
અને છેલ્લે ,
જો હજી પણ આપણી માતૃભાષા ની કિંમત ના સમજ્યા હોવ , તો એટલું સમજો કે તમારું કઈ નાઈ થઇ શકે!
ખૂબ સરસ વાત કહી પૂજા! ગુજરાતી ભાષાનું ગૌરવ દરેક ગુજરાતીને હોવું જોઈએ.
LikeLiked by 1 person