કેન્ડીડ વિથ પૂજા – ૨૬ ઓગસ્ટ , ૨૦૧૯

વર્ષ ૨૦૧૯ ના આઠમો મહિનો પૂરો થવા આવ્યો અને આપણને ખબર પણ ના રહી! છેલ્લા ઘણા વખત થી એવી ફીલિંગ આવે છે કે સમય ભાગી રહ્યો છે. દિવસો એટલા જલ્દી પુરા થઇ રહ્યા છે કે સમજાતું જ નથી. ક્યાં સવાર પડે છે અને ક્યાં રાત પડી જાય છે એની ખબર જ નથી રહેતી. કેટલું બધું કરવકાનું બાકી રહી જાય છે અને એમ થાય છે કે અરે?? દિવસ પતી ગયો?!
આવી હાલત માત્ર તમારી જ નહીં , તમારી આસ પાસ ના મોટા ભાગ ના લોકો છે. હવે પહેલા ની જેમ નવરાશ નથી રહેતી. ઉંમર કોઈ પણ હોય દરેક વ્યક્તિ બસ ભાગ્યા જ કરે છે. કોઈ ની પાસે સમય જ નથી. અને ઘડિયાળ તો જાણે રેસ માં ભાગ લીધો હોય એ સ્પીડ પાર દોડે છે. દિવસ માં અત્યારે પણ કલ્લાક તો ૨૪ જ છે જે પહેલા હતા. તો એવું શું બદલાયું છે કે જેથી સમય ભાગતો હોવાની લાગણી આવે છે?
જવાબ છે આપણી લાઇફસ્ટાઇલ. બદલાયેલા સમય માં કામ ના કલ્લાકો વધ્યા છે. સોશ્યિલ મીડિયા આવ્યા પછી માહિતી નો મારો વધ્યો છે. મનોરંજન ના સાધનો વધ્યા છે. બહાર આવવું જવા નો ટ્રેન્ડ વધ્યો છે. જો આ બધું જ વધ્યું છે તો ઘટ્યું છે શું? ઘટ્યો છે સમય. એકબીજા સાથે વીતાવાતો સમય. જમ્યા પછી પરિવાર સાથે બેસી ને ગપ્પા મારવા નો સમય. કોઈ એક પુસ્તક લઇ ને ફુરસદ થી એને વાંચવાનો સમય. પોતાનું ગમતું સંગીત સાંભળી ને કે ગમતી કોઈ પ્રવૃત્તિ કરી ને દિવસ પૂરો કરવાનો સમય.
આ બધો જ સમય આપણી દિનચર્યા માંથી રીતસર નો ચોરાઈ ગયો છે. હવે ઉઠી ને સીધો મોબાઈલ હાથ માં આવે છે કારણકે એણે આપણા જીવન માંથી ઘડિયાળ અને એલાર્મ ક્લોક ને તદ્દન રિપ્લેસ કર્યા છે. વોટ્સ એપ અને ફેસબુક એ એકબીજા સાથે રૂબરૂ મળી ને થતી વાતો નો આનંદ અને રોમાંચ ચોર્યા છે. યુટ્યુબે સાથે બેસી ને રેડિયો પર ગમતા ગીતો સાંભળવાની મજા ચોરી છે. અને આ બધા થી ઉપર મોજ શોખ અને પરફેક્ટ જીવન જીવવા માટે વધુ કમાવાની અને રાતોરાત સફળતા મેળવવાની ઘેલછા એ જીવન નો ઠહેરાવ અને શાંતી ચોર્યા છે.
આ બધા નું પરિણામ એટલે સ્ટ્રેસ , અદેખાઈ , ઈર્ષ્યા , ગુસ્સો, તણાવ અને અંતે અનેક રોગો ને આમંત્રણ. હવે જો આનાથી બચવું હોય તો શું કરવું? જીવન માં સાચી પ્રીયોરીટીઝ સેટ કરવી. તમારી જાત માટે શું ઈમ્પોર્ટન્ટ છે અને શું નથી એ તમે જ નક્કી કરી શકો. કોને કેટલો સમય ફકલાવવો છે એ પણ તમારા જ હાથ માં છે. એક વાર જો આ નક્કી કર્યું અને એણે અનુસરવાનું શરુ કર્યું , તો તમારો ચોરાયેલો સમય પાછો આવ્યો જ સમજો.