કેન્ડીડ વિથ પૂજા – ૨૨ ઓગસ્ટ , ૨૦૧૯
એમેઝોન ના વર્ષાજંગલો સાથે આપનો નાતો કેટલો ? નિશાળ માં પર્યાવરણ માં ભણવામાં આવતું તું અને પરીક્ષા માં પૂછાયેલું એટલો! પણ ખરેખર એની સાથે આપણી પૃથ્વી નો નાતો ખૂબ જૂનો અને ખૂબ જ મહત્વ નો છે. એમેઝોન પણ ખાતર ની ઘંટડી એ આપણા અસ્તિત્વ પાર ખાતર ની ઘંટડી સમાન છે.
છેલ્લા એક પખવાડિયા કરતા પણ વધુ સમય થી આ વર્ષા જંગલો માં લાગેલી આગ ને શરૂઆત માં કોઈ મીડિયા એ પ્રાધાન્ય ના આપ્યું. પણ હવે એ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે કે એ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. એના વિષે વાત કરીએ એ પહેલા એમેઝોન ના જંગલો વિષે ની કેટલીક મહત્વ ની વાત જાણી લઈએ.
એમેઝોન ના આ વર્ષા જંગલો લગભગ ૫૬૦૦૦૦૦૦ વર્ષ થી આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે અને એ પૃથ્વી ના ૯ દેશો માં ફેલાયેલા ૫૫૦૦૦૦૦ કિલોમીટર ના વિસ્તાર માં પથરાયેલા વર્ષા જંગલો છે. જેનો મોટો ભાગ બ્રાઝીલ માં આવેલો છે. આ એટલા જુના જંગલો છે કે એને ડાયનાસોર થી મંડી ને માણસો સુધી ના દરેક સમય ને ઝીલ્યો છે, પણ હવેનો સમય એને કપરો પડી રહ્યો છે.
એમેઝોન ના જંગલો પૃથ્વી પર મૌજુદ ૨૦% ઓક્સિજન ના ઉત્સર્જન માટે જવાબદાર છે. એટલે એક જોતા એ આપણી પૃથ્વી ની જીવાદોરી છે. સાથે એની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ પણ ખરી કે આ જંગલો ને જીવવા માટેનું મોટા ભાગ નું બળ એને સહારા ના રણ દ્વારા મળે છે. આ જંગલો માટે જરૂરી એવા કુદરતી ખાતર નું ૫૬ % ખાતર અહીંયા હવે દ્વારા સહારા ના રણ માંથી રજકણો અને ધૂળ સ્વરૂપે ઉડી ને પહોંચે છે. ( છે ને કુદરત ની અદભુત કમાલ!)
હવે નો સમય આ જંગલો ને કપરો કેમ પડી રહ્યો છે? કારણકે વૈજ્ઞાનિકો ના કહેવા પ્રમાણે ૨૧૦૦ ની સાલ સુધી માં ગ્લોબલ વૉર્મિંગ ના કારણે આ જંગલો નો મોટા ભાગ નો હિસ્સો સદંતર નાશ પામી શકે. સાથે માનવ વસ્તી એ અહીંયા મોટા પ્રમાણ માં જંગલો કાપી ને મેદાન બનાવવાનું પાપ કર્યું છે. જેની સીધી અસર પૃથ્વી ની ઇકો સિસ્ટમ પર પણ પડી છે. આ બધા ને તો જાણે જે તે દેશ ની સરકારો એ કાયદા બનાવી ને કાબુ માં કરવાનો પ્રયત્ન કર્યો . પણ આ વર્ષે ખરી રામાયણ અહીં જંગલો માં ફાટી નીકળતા દાવાનળ ને કારણે થઇ છે.

જંગલો માં દાવાનળ ફાટી નીકળવો એ સામાન્ય ઘટના છે. પણ એમેઝોન ના જંગલો માં અમુક હદ થી વધારે આમ થવું ચોંતાજનક છે. કારણકે એમેઝોન ના જંગલો અહીંની ભીની આબોહવા અને મુખ્યત્વે ગીચ વર્ષા જંગલો હોવાના કારણે ફાયરપ્રુફ છે. તેમ છતાં છેલ્લા અમુક સમય માં ડીફોરેસ્ટેશન અને ગ્લોબલ વોર્મિંગ ના કારણે જે રીતે ત્યાંની આબોહવા સૂકી બની છે , અહીંયા વરસાદ નું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટ્યું છે. અને જંગલો એનો ફાયર પ્રુફ સ્વભાવ ગુમાવી રહ્યા છે. જેથી આગ લાગવાની ઘટના અવાર નવાર બનતી રહે છે. એમાં પણ વર્ષ ૨૦૧૯ આ જંગલો માટે આઘાતજનક રહ્યું છે.

માત્ર વર્ષ ૨૦૧૯ માં જ એમેઝોન ના જંગલો માં ૭૨૦૦૦ કરતા પણ વધુ આગ લાગવાના બનાવો બન્યા છે. જેમાં છેલ્લી ઘટના માં છેલ્લા ૨૦ એક દિવસ થી અહીં લાગેલી આગ ઓલવાઈ નથી અને જંગલ નો મોટો ભાગ એમાં સપડાયો છે. આની સીધી અસર પૃથ્વી ના વાતાવરણ પર થશે એ વાત નક્કી છે. ઉપરાંત આ જંગલો માં વસતા પ્રાણીઓ નું શું? , એમાં જ ઉગતા ઝાડ પણ ફૂલ છોડ ના અલભ્ય ખજાના નું શું? એ બધા પ્રશ્નો તો ઉભા જ છે. આ પૃથ્વી નો એટલો અલભ્ય ખજાનો અત્યારે આગ માં બળી રહ્યો છે જે આપણે ફરી ક્યારેય પાછો નહીં મેળવી શકીયે. અને કદાચ એ જ લાંબા ગાળે આપણા વિનાશ નું એક કારણ પણ બને! એટલા માટે અહીં લાગેલી આગ એ વૈશ્વિક સમસ્યા બની છે. જેમ બને એમ જલ્દી માનવજાત એ ભેગા થઇ ને આ આગ ને કાબુ માં કરવી જ રહી . એકજુથ થઇ ને આ જંગલો ને બચાવવા જ રહ્યા.

અને છેલ્લે ,
આર્થિક અને ભૌતિક સમૃદ્ધિ પાછળ દોડતો માણસ હાજી સુધી એ સમજી નથી શકતો કે પૈસા થી સુખ સુવિધા ખરીદી શકાશે પણ ચોખ્ખી હવે , પાણી અને બીજી પૃથ્વી નહિ ખરીદી શકાય!