કેન્ડીડ વિથ પૂજા – ૧૪ ઓગસ્ટ , ૨૦૧૯

બે ગુજરાતી ફિલ્મો આજકાલ ખુબ ચર્ચા માં છે, બંનેવ ફિલ્મો એ નેશનલ એવૉર્ડ જીતી ને ધૂમ મચાવી છે. પહેલી છે ગુજરાતી ફિલ્મો ની કેટાગોરય માં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ચૂંટાયેલી રાહુલ ભોલે અને વિનીત કનૌજિયા ની ‘રેવા’. જે ખૂબ જાણીતા લેખક ધ્રુવ ભટ્ટ ની નવલકથા તત્વમસિ પાર આધારિત ફિલ્મ છે. અને બીજી ફિલ્મ જેને ભારત ભર ની વર્ષ ૨૦૧૮ ની સાલ માં બનેલી ફિલ્મો ને પાછળ છોડી ને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી ઇતિહાસ રચી દીધો છે , તે અભિષેક શાહ ની ‘ હેલ્લારો’ ., કચ્છ ના રણ માં એક નાના ગામ માં રહેતરી સ્ત્રીઓ કે જેમનું આખું જીવન પુરુષો એ ઘડેલા નિયમો ને આધીન ચાલે છે , એમની આ સુંદર વાત છે.
‘હેલ્લારો’ ફિલ્મ વધુ ખાસ એટલે પણ છે કારણકે ભારત ભર ની સર્વશ્રેષ્ઠ ફિલ્મ નો ખિતાબ મેળવનારી એ પહેલી ગુજરાતી ફિલ્મ છે . હજી આ ફિલ્મ થીયેટર્સ માં રિલીઝ થઇ નથી એટલે ફિલ્મ આપણા માંથી કોઈ એ જોઈ જ નથી. પણ બહુ જલ્દી એ લાભ પણ આપણને મળી જશે. હવે તો આ ફિલ્મ ને નશનલ એવોર્ડ મળ્યો એટલે જોઈતી હાઇપ મળી ગઈ છે પણ જો આમ ના થયું હોત તો મોટો પ્રશ્ન એ છે કે આ ફિલ્મ આપણે થીએટર માં જોવા જાત ખરા?
આ જ વસ્તુ ફિલ્મ ‘રેવા’ સાથે પણ બની છે. ફિલ્મ ખૂબ સુંદર છે. જયારે રિલીઝ થઇ ત્યારે ફિલ્મ ઘણા લોકો એ ફિલ્મ ને વખાણેલી પણ ખરી. તેમ છતાં આ ફિલ્મ મોટો વકરો કરવામાં ખાસ સફળ ના રહી. ( અહીંયા વકરાથી મારી ગણતરી બોલિવૂડ ની બ્લોકબસ્ટર ફિલ્મો ની કમાણી સાથે છે.) કદાચ નેશનલ એવોર્ડ મેળવ્યા પછી એ ફિલ્મ ની ઓનલાઇન કમાણી માં વધારો થાય તો કહેવાય નઈ!
આ બંનેવ ફિલ્મો ની સફળતા અને જે રીતે અલગ અલગ વિષયો પર ગુજરાતી ફિલ્મો બની રહી છે એ જોતા એમ ચોક્કસ કહી શકાય કે હવે એવી સારી ફિલ્મો બને છે જે આપણને , ગુજરાતીઓ ને પૈસા ખર્ચી ને થિયેટર માં જોવા જવી ગમે. વિવિધ વિષયો પર પ્રયોગાત્મક ફિલ્મો પણ બની રહી છે. જેવી કે આર.જે. ધ્વનિત ને ચમકાવતી ‘શોર્ટ સર્કિટ’. કે પછી હમણાં જ આવેલી પ્રતીક ગાંધી અને દીક્ષા જોશી ની ‘ધૂનકી’. એવી ફિલ્મો પણ બની રહી છે કે જે નેશનલ એવોર્ડ જીતી લાવે. તેમ છતાં ગુજરાતી ફિલ્મો જોવા માટે થિયેટર માં કાગડા ઉડતા હોય છે. દર્શકો ના અભાવ ના કારણે શોઝ કેન્સલ કરવા પડે છે. ( ધૂનકી માટે આમ થયેલું. આ બધા માં ‘ચાલ જીવી લઈએ’વાદ છે જેને હમણાં જ ૨૫ અઠવાડિયા – સિલ્વર જ્યુબિલી પૂરી કરી)
એક ફિલ્મ જયારે બની ને રિલીઝ થાય છે ત્યારે એની પાછળ કંઈક અમુક સો માણસો ની મહિનાઓ ની અથાગ મહેનત અને સખત પરિશ્રમ દાવ પર લાગેલા હોય છે. અને એમાં પણ વાત જયારે આપણી માતૃભાષા ની ફિલ્મો ની હોય , તો એ હવે ના સમય માં આપણી નૈતિક ફરજ બને છે કે આપણે પણ ફિલ્મ ને એટલા જ ઉમળકા થી વધાવી લઈએ જેટલા ઉમળકા થી આપણે બોલિવૂડ ની માઈન્ડલેસ ફિલ્મો પાછળ પૈસા ખર્ચતા હોઈએ છીએ. કારણકે હવે આપણી પાસે ‘સારી ગુજરાતી ફિલ્મો તો બનતી જ નથી યાર’ એવું બહાનું બચ્યું નથી. જેટલો પ્રેમ આપણે ‘ચાલ જીવી લઈએ’ અને ‘લવ ની ભવાઈ’ ને આપ્યો છે , એટલો બધી જ સારી ગુજરાતી ફિલ્મો ને આપીયે , એ આપણી જવાબદારી છે.
અને છેલ્લે,
ક્રિટીકલી સક્સેસફૂલ ગુજરાતી ફિલ્મો નો દોર જમ્યા પછી હવે હું એ દિવસ ની રાહ જોઈ રહી છુ કે જયારે મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ ની જેમ જ કોઈ ગુજરાતી ફિલ્મ ના ૧૦૦ કરોડ ની ક્લબ માં શામેલ થવા ની ખુશીઓ આપણે એકબીજા સાથે વહેંચતા હોઈએ અને એની વાતો કરતા હોઈએ.