કેન્ડીડ વિથ પૂજા , ૫ ઓગસ્ટ, ૨૦૧૯

આજે સવારથી જ્યારથી દેશ ના ગૃહ પ્રધાન અમિત શાહ એ જમ્મુ અને કાશ્મીર માંથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫ એ હટાવવા ની જાહેરાત કરી છે , સાથે જમ્મુ કાશ્મીર માંથી લડાખ ને અલગ કરી ને બંનેવ ને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાની વાત કરી છે ત્યાર થી ભારત અને પાકિસ્તાન બંનેવ દેશો માં જાને ભૂકંપ આવ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે.
આખી પરિસ્થિતિ ને બે અલગ અલગ દેશો માં કેટલી અલગ અલગ રીતે જોવા માં અને લેવા માં આવે છે એનો ચિતાર અત્યારે એ બંનેવ દેશો ની ન્યૂઝ ચેનલ ના કવરેજ અને પ્રસારણ પરથી ખ્યાલ માં આવે છે . એક તરફ ભારત ની ન્યૂઝ ચેનેલો રાજ્ય સભા ટીવી નું લાઈવ પ્રસારણ બતાવી ને આખી વાત ને પોઝિટિવલી રજુ કરી રહી છે. જયારે બીજી બાજુ પાકિસ્તાન નું મીડિયા આ વાત ને એમની જાણતા સુધી એ રીતે મૂકી રહ્યું છે કે ‘ભારત હવે બેકાબુ બન્યું છે અને આવી પરિસ્થિતિ માં શું અમેરિકા અને બીજા મોરા દેશો એ ભારત સાથે વાતચીત ના કરવી જોઈએ? સાથે જુના વિડિઓ રેકોર્ડિંગ્સ બતાવી ને એવું પણ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે કે અત્યાર ની કાશ્મીર ની પરિસ્થિતિ ખુબ ખરાબ છે! ‘
આમ જોવા જાવ તો કોઈ પણ ન્યૂઝ ચેનલ અને પત્રકાર નું કામ જનતા સુધી નિષ્પક્ષ ખબર પહોંચાડવાનું છે, નહિ કે એના પર પોતાની વિચારધારા અને પોતાનો મત થોપી ને જનતા ના વિચારો અને અભિપ્રાયો ને પ્રભાવિત કરવાનું. બંનેવ દેશ ની ન્યૂઝ ચેનલ્સ પોતાનું આ કર્તવ્ય ચુકી છે.
ભારત ની જનતા એ આ ફેંસલા ને અપનાવ્યો છે અને પાકિસ્તાન ની જનતા એ એને જાકારો આપ્યો છે એ ન્યૂઝ ચેનલ્સ કેવીરીતે નક્કી કરી શકે? ૧૩૫ કરોડ ની વસ્તી ધરાવતા દેશ માંથી પોતે નક્કી કરેલા ૩૫ લોકો ને ટીવી પર બતાવી ને એનાથી આખા દેશ નો મૂડ તો ના જાણી શકાય ને? અને એ પણ ત્યારે કે જયારે એ દેશ ના લોકો સુધી કોઈ સમાચાર તટસ્થ રીતે ના પહોંચતા હોય.
મને એ દ્રષ્ટિ એ સોશ્યિલ મીડિયા ગમે , કે એના પર વ્યક્તિ કોઈ પણ પ્રકાર ના દબાવ કે પ્રભાવ માં આવ્યા વગર પોતાની રીતે પોતાની વાત મૂકી શકે. ( જો કે એમાં પણ છટક બારીઓ છે , છતાંય), અને બીજું સોશ્યિલ મીડિયા પર ના પ્રતિભાવો ને એક ચોક્કસ આંકડો હોય છે. જે જાહેર હોય છે. (૧૩૫ કરોડ ની જનતા માંથી ૩૫ લોકો એવું નહીં )
આવે વખતે જનતા તરીકે આપણે પણ સતર્ક રહેવાની જરૂર ખરી કે જ્યાં જે જોઈએ છીએ , જે સાંભળીયે છીએ એને સ્વીકારતા પહેલા એ વાત માં કેટલું સત્ય છે એની ખરાઈ કરીએ અને પછી જ માનીયે! બાકી કાશ્મીર મુદ્દે આજની જાહેરાત થી હું એક સામાન્ય ભારતીય તરીકે ખૂબ ખુશ છું.સહમત છું કે હવે ખરા અર્થ માં કાશ્મીર ભારત નો હિસ્સો છે.