કેન્ડીડ વિથ પૂજા , ૨ ઓગસ્ટ , ૨૦૧૯

હમણાં બે દિવસ પહેલા જ એક બનાવ બન્યો. જેમાં એક ગ્રાહકે ખૂબ જાણીતી ફૂડ ડિલિવર કરતી એપ્લિકેશન થકી ફૂડ ઓર્ડર કર્યો. જેમાં એ ગ્રાહક ના ડિલિવરી બોય તરીકે મુસ્લિમ ધર્મ પાળતી એક વ્યક્તિ ને કામ સોંપવામાં આવ્યું. જેથી ગ્રાહક એ રોષે ભરાઈ ને ઝોમેટો ને લખ્યું કે ‘પવિત્ર શ્રાવણ માસ માં એ મુસ્લિમ ધર્મ પાળતી વ્યક્તિ પાસે થી પોતાનું અન્ન નહીં સ્વીકારે , જેથી એનો ઓર્ડર કેન્સલ કરી દેવો.’ આના જવાબ માં ઝોમેટો એ લખ્યું કે ‘અન્ન નો કોઈ ધર્મ નથી હોતો. અન્ન પોતે જ ધર્મ છે.’
આ બાબત ને લઇ ને સોશ્યિલ મીડિયા પાર હવે યુદ્ધ જામ્યું છે. ઝોમેટો ના આ જવાબ ને બિરદાવવા વાળાઓ ની કતાર લાગી છે. તો સામે પક્ષે ઘણા લોકો એવા પણ છે કે જેમણે ઝોમેટો એ ભૂતકાળ માં ‘હલાલ ફૂડ’ ને લઇ ને કોઈ મુસ્લિમ ગ્રાહક ને જે જવાબ આપેલો એને લઇ ને નારાજ છે. ઝોમેટો ની સાઈટ પર હલાલ ફૂડ નું અલગ થી ઓપ્શન જોવા મળે છે. ઝોમેટો ને પ્રશ્ન કરનારા લોકો નું એમ કહેવું છે કે જો અન્ન નો ખરેખર કોઈ ધર્મ નથી તો પછી તમે હલાલ ફૂડ નો ઓપ્શન કેમ રાખો છો? વાત એટલી બધી વણસી છે કે લોકો એ હવે ઝોમેટો ની સાઈટ નું રેટિંગ ઘટાડવાનું શરુ કર્યું છે અને ઝોમેટો એ આના માટે એક ખાસ સંદેશ જારી કરવો પડ્યો છે.જેમાં એ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે.
અહીંયા સવાલ એ છે કે શું અન્ન નો ખરેખર કોઈ ધર્મ હોઈ શકે? જવાબ છે ના. ભાણું પીરસાય ત્યારે તમે જયારે જમવા બેસો છો , ત્યારે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા ભાણા માં પીરસાયેલી રોટલી માટે ઘઉં ઉગાડનારા ખેડૂત નો ધર્મ કયો છે? કે પછી જે ભાટ ખાધા કે જે શાક ખાધું એ તમારા સુધી પહોંચ્યું એ પ્રોસેસ માં એ કયા કયા ધર્મ ની વ્યક્તિઓ ના હાથ માંથી પસાર થઇ ને તમારા સુધી પહોંચ્યું છે?
જયારે અન્ન નો એક પણ દાણો આપણા ભાણા સુધી પહોંચે છે ત્યારે એ બહુ લાંબી સફર કાપી ને આપણા સુધી પહોંચ્યો હોય છે. એ જે ખેતર માં વવયો છે , એના માટેનું બિયારણ જ્યાં બન્યું છે , એમાં નંખાયેલું ખાતર જ્યાંથી આવ્યું છે , જેના ઘ્વારા એ પણ લણાયો છે , જેના ઘ્વારા એ બજાર માં તમારા શાકવાળા કે કરિયાના વાળા સુધી પહોંચ્યો છે અને એ કરિયાના વાળા ને ત્યાંથી જે વ્યક્તિ એને તમારા ઘર સુધી પહોંચાડી ગયો છે , શું આપણે એ બધાના ધર્મ પૂછી ને જમીયે છીએ?! પછી એ શ્રાવણ હોય , પર્યુષણ હોય કે ઈદ.
ઘણા લોકો ને ઝોમેટો એ પોતાની સાઈટ પર હલાલ ફૂડ ની અલગ કેટેગરી ના ટેગ રાખ્યા છે એથી વાંધો છે. પણ વાનગી ફરાળી હોય કે હલાલ , અન્ન તો અન્ન હોય છે. આપણા માંથી કેટલા લોકો એમ જોવા ગયા છે કે દરેક કસાઈ કોઈ એક જ ધર્મ ના છે અને દરેક ખેડૂત કોઈ એક જ ધર્મ ના.
જેટલા પણ લોકો આ ચર્ચા માં ઉતાર્યા છે એ બધા ને મારો એક સવાલ છે કે ક્યારેય એક ચાવના કે ગાંઠિયા ના પેકેટ માટે ગરીબ બાળકો ને અંદર અંદર લડતા કે પછી પડાપડી કરતા જોયા છે?? શું ક્યારેય પોતે એવી ભૂખ અનુભવી છે કે જયારે પાસે ખાવા માટે એક દાણો પણ ના હોય, કે ના હોય પૈસા??
જો કદાચ જોયા હોત, કે એના માટેનો વિચાર પણ કર્યો હોત , તો આજે આવી નક્કામી ચર્ચા માં ન જોડાત.
અને છેલ્લે ,
આપણે ત્યાં અન્ન ને જ ઈશ્વર નું સ્થાન આપવામાં આવ્યું છે. હવે જયારે ઝોમેટો હોય કે ઉબેર ઇટ્સ , ઈશ્વર ખુદ તમારા સુધી પહોંચતો હોય , ત્યારે શું તમે ઈશ્વર નો પણ ધર્મ પૂછી ને એને આવકારશો?