કેન્ડીડ વિથ પૂજા , ૧ ઓગસ્ટ , ૨૦૧૯
ગુજરાત માં ચોમાસુ છેક હવે શરુ થયું છે. સર્વત્ર વરસાદ બરાબર જામ્યો છે, અને હવામાન વિભાગ ની આગાહી સાચી માનીયે તો હાજી આવતા એક અઠવાડિયા સુધી આ વરસાદ આમ જ ચાલુ રહેવાનો છે.
ખેડૂતો માટે આ આનંદ ના સમાચાર છે. આમ તો વરસાદ આવે અને ચોમાસુ જામે એ સમગ્ર સૃષ્ટિ માટે આનંદ લઇ ને આવે છે. પણ અમુક વર્ગ એવો પણ છે જેમના માટે વરસાદ થી મુશ્કેલીઓ વધે છે. આ એ વર્ગ છે જેમના માટે ઘર એટલે ઉપર આકાશ અને નીચે જમીન.
તમે શહેર તમારા શહેર ના અમુક વિસ્તારો માંથી રાત્રે પસાર થતી વખતે અંધારા માં ચૂલા સળગતા જોયા હશે.જેના પર આ ગરીબો ની રસોઈ બને છે. શિયાળો અને ઉનાળો તો સહેલાઇ થી નીકળી શકે કારણકે બે ટેંક જમવાનું બની શકે. પણ એમના માટે મુશ્કેલી ત્યારે ઉભી થાય છે જયારે વરસાદ પડે છે. વરસતા વરસાદે ચૂલો પેટાવવો અશક્ય છે. અને જો ચૂલો ના પેટે તો જમે શું? ક્યાંથી જમે? શું જમે?
આવો વિચાર એક અમદાવાદી યુગલ ને આવ્યો. જેઓ મીડિયા પ્રોફેશનલ્સ છે. બ્લેક કાફે નામના મીડિયા ના અલગ અલગ વૉટ્સ એપ ગ્રુપ્સ ના એડમીન છે. (એમનું નામ ના લેવું એવો આ યુગલ નો ખાસ આગ્રહ છે.) આવા જરૂરિયાત મંદ લોકો ની મદદ કરવાના હેતુ થી એમણે મીડિયા ના આ વોટ્સ એપ ગ્રુપ્સ માં આવા લોકો ના ખોરાક ની વ્યવસ્થા માટે ફાળો એકઠો કરવા માટે અપીલ કરી અને માત્ર ૧૨ કલ્લાક ની અંદર લગભગ ૩૦૦ લોકો ખાઈ શકે એટલો ફાળો એકઠો થયો.જેના માટે એ દરેક મીડિયા પ્રોફેશનલ ને પણ સલામ કે જેમણે આ વિચાર ને આગળ વધારવા માટે એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર પોતાનો ફાળો નોંધાવ્યો. (આમાં છેક મુંબઈ થી મદદ મોકલનારા પણ છે.)આ ભંડોળ થી ફૂડ પેકેટ્સ ખરીદાયા. ( દુકાનદારે પણ એમાં પોતાના તરફ થી ફાળો ઉમેર્યો) અને વાત આવી વહેંચણી ની.

મને જયારે આ આખી વાત ની જાણ થઇ ત્યારે મને એમાં ખુબ રસ પડ્યો. અને આજે સવાર ના વરસાદી માહોલ માં જ્યાં કઈ જ કરવાનું મન નહોતું , ત્યાં એક એટલા સુંદર કાર્ય નો હિસ્સો બનાયું કે જે કદાચ મેં એમનેમ ક્યારેય ના કર્યું હોત! સવારે ૧૨ વાગ્યાથી અમે બધા જ ફૂડ પેકેટ્સ લઇ ને નીકળ્યા , શહેર ના અલગ અલગ વિસ્તારો માં ફર્યા અને આવા જરૂરિયાતમંદ લોકો સુધી એને પહોંચાડ્યા. દિવસ સાર્થક થયેલો લાગ્યો.

આ યુગલ ઘણા વખત થી વગર બોલ્યે સમાજ સેવાનું આ ઉત્તમ કામ કરે છે. આજે એમણે મને પણ આ કામ માં સાંકળી લીધી અને પ્રેરણા આપી એને સતત ચાલુ રાખવાની. આજનો આ બ્લોગ વાંચી ને જો તમને પણ કોઈ પ્રેરણા મળી હોય તો , આ ચોમાસે તમારા શહેર ના જરૂરિયાતમંદ લોકો ને મદદ કરવા ચોક્કસ આગળ આવજો.

અને છેલ્લે,
જયારે એવો વિચાર આવે કે મારા એકલાના કરવાથી શું ફરક પડે છે , ટાયરે યાદ રાખવું કે હંમેશા ટીપે ટીપે સરોવર ભરાય.