કેન્ડીડ વિથ પૂજા – ૩૧ જુલાઈ, 2019

આજે સવારે જ કેફે કોફી ડે ના માલિક વી. જી. સિદ્ધાર્થ ના મૃતદેહ મળ્યા ના સમાચાર આવ્યા. છેલ્લા ત્રણ દિવસ થી એમની શોધખોળ ચાલી રહેલી. એવું કહેવાય છે કે એમને દેવા ના બોજ હેઠળ તણાવ સહન નાઈ કરી શકવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. અને આમ કરતા પહેલા એમણે પોતાની કંપની ના સીઈઓ ને ફોન કરી ને કંપની નું ધ્યાન રાખવાની સૂચના પણ આપેલી અને પોતાના કર્મચારીઓ જોગ એક પાત્ર પણ લખેલો. જેમાં કબૂલાત કરેલી કે ‘હું આ બિઝનેસ મોડેલ ને સફળતા પૂર્વક ચલાવી શક્યો નહીં, ખૂબ લડ્યો , હવે થાકી ગયો છું’
વી જી સિદ્ધાર્થ ખૂબ શ્રીમંત અને જાણીતા પરિવારમાંથી આવે છે. આજથી લગભગ ૨૪ વર્ષ પહેલા એમણે બંગ્લોર માં પહેલા સીસીડી ની સ્થાપના કરેલી અને ત્યારથી અત્યાર સુધી માં એમની કંપની દેશભર માં સીસીડી ના લગભગ ૧૫૦૦ જેટલા આઉટલેટ ધરાવે છે. સાથે વી જી સિદ્ધાર્થ ના જ અંતિમ પત્ર માં જણાવ્યા મુજબ એમની કંપની ની મિલ્કતો એના દેવા કરતા વધુ છે. જેથી એમાં રોકાણ કરનાર દરેક વ્યક્તિ ને પોતાના પૈસા તો પાછા મળી જ જશે. તો પછી આ સમય કેમ આવ્યો કે આટલા સફળ બિઝનેસમેને આવું પગલું ભરવું પડ્યું?
જવાબ છે અતિશય મહત્વાકાંક્ષા. ખૂબ ઓછા સમય માં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી લેવાની મહત્વાકાંક્ષા. એક માણસ એક જીવન માં કેટલું કરી શકે? અને જીવન માં મહત્વાકાંક્ષા ને નક્કી કરતો કોઈ માપદંડ ખરો? નિશાન નીચું ના રાખીયે પણ નિશાન એટલું ઊંચું પણ ના રાખીયે કે જે આપણી પહોંચ અને ગણતરી ની બહાર હોય. સફળતા અને નિષ્ફળતા એ કોઈ પણ ધંધા નો ભાગ છે. પણ એની સામે કદરેક ધંધો અમુક ગણતરી પણ ચાલી ને જ થાય છે. એમાં લેવામાં આવતા રિસ્ક પણ અમુક ગણતરી ને આધીન જ હોય છે. જયારે પોતાની અતિ મહત્વાકાંક્ષા ને સંતોષવા માટે કોઈ વ્યક્તિ આ ગણતરી ની બહાર જાય ત્યારે આ પરિસ્થિતિ આવી ને ઉભી રહેતી હોય છે.

આજે સવારે જ દેશ ના ખૂબ જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ પોતે એક ટવીટ કરી ને લખ્યું છે કે ‘ હું ના તો એને ઓળખતો હતો કે ના તો એની આર્થિક પરિસ્થિતિ વિષે મને કોઈ ખ્યાલ હતો. પણ હું માત્ર એટલું જાણું છું કે ધંધા ની નિષ્ફળતા એ ધંધો કરનાર નું સ્વમાન તોડી નાખે એટલી ખરાબ ના હોવી જોઈએ, નહીતો ઉદ્યોગ સાહસિકતા મારી પરવારશે. ‘
આ વાત આપણા રોજિંદા જીવન માં પણ એટલી જ લાગુ પડે છે. જીવન માં મહત્વાકાંક્ષા હોવી સારી બાબત છે. આગળ વધવું અને ઊંચાઈઓ ના નવા શિખર સાર કરવાના સપના અને એ માટે ના પ્રયત્નો પણ સારી બાબત છે. પણ એની સાથે સાથે એના માટે લીધા રિસ્ક્સ ની ગણતરી હોવી પણ જરૂરી છે. ઊંચી સફળતા ના સપનાઓ સાથે નિષ્ફળતાઓ ને પચાવી શકવાની તાકાત હોવી પણ જરૂરી છે. અને જે હોય , જેટલું મળે એમાં સંતોષ માનવો અને આગળ માટે પ્રયત્નો ચાલુ રાખવા એ સૌથી મોટી વાત છે. ખાસ કરી ને આજની પેઢી માટે ‘ અતિ’ નો અર્થ સમજવો ખૂબ જરૂરી છે.

અને છેલ્લે,
કોઈ પણ વસ્તુ માં ‘ અતિ’ વિનાશ જ સર્જે છે. એટલે જ આપણે ત્યાં કહેવત છે ‘સંતોષી નરસદા સુખી’
ઈશ્વર વી જી સિધ્ધાર્થ ના આત્મા ને શાંતી આપે.