કેન્ડીડ વિથ પૂજા – ૨૯ જુલાઈ, 2019

સોશ્યિલ મીડિયા ના જમાના માં કોઈના થી કઈ પણ છૂપું નથી. અહીંયા કોઈ પણ વાત ને આગ ની જેમ પ્રસરતા અને દુનિયા ભાર માં પહોંચતા વાર નથી લાગતી. આની સારી અને નરસી બંનેવ બાજુઓ છે. એક સામાન્ય નાગરિક તરીકે આપણે એને ભરપેટ માણીયે છીએ, પણ જે લોકો આ સામાન્ય નાગરિક ની કેટેગરી માં નથી આવતા , અથવા એવી જગ્યાઓ એ કામ કરે છે જે જાહેર જીવન ને સ્પર્શતી હોય , એ લોકો શું સોશ્યિલ મીડિયા ના વાપરી શકે?
આ સવાલ છેલ્લા એક અઠવાડિયા થી ખૂબ ચર્ચા માં છે જ્યારે થી પોલીસ કોન્સ્ટેબલ અપ્લીટ ચૌધરી અને ડી.વાય.એસ.પી. મંજીતા વણઝારા નો ટિક્ટોક વિડીયો સોશ્યિલ મીડિયા માં વાઇરલ થયો છે. અહીંયા પ્રશ્ન એ છે કે શું જાહેર જીવન જીવતા કે જાહેર જીવન માં મહત્વની સેવાઓ બજાવતા લોકો ની અંગત જિંદગી નથી હોતી? ટિક્ટોક જેવી એપ્લિકેશન એ ઘણા ખરા અંશે મનોરંજન માટે , હળવાશ અનુભવવા કે પોતાની પ્રતિભા ને લોકો સુધી પહોંચાડવા માટે વપરાતી હોય છે. તો જયારે કોઈ એક મહત્વ ના હોદ્દા પાર કામ કરતી વ્યક્તિ પોતાના અંગત જીવન માં આવી નવરાશ ની પળો માણે એમાં ખોટું શું છે?
હજી હમણાં જ આપણા વડાપ્રધાન શ્રી એ પોતે દુનિયાભર માં પ્રખ્યાત એવા મેન v / s વાઈલ્ડ કાર્યક્રમ ના એક એપિસોડ માં પોતે ચમકવાના હોવાની વાત દર્શાવતો વિડીયો એમના સોશ્યિલ મીડિયા પર મુક્યો છે અને એ યોગ્ય છે કે નહીં, એને લઇ ને દેશભર માં ચર્ચાઓ શરુ થઇ ચુકી છે. એવું કેમ ના થઇ શકે?
હા, એ વાત ચોક્કસ છે કે એ કાયદાના દાયરા માં રહેલી વાત હોવી જોઈએ. કોઈ પોલીસે કોન્સ્ટેબલે જો પોલીસે સ્ટેશન માં કે પોલીસે ના વાહનો નો ઉપયોગ કરી ને કે પોલીસે ના ડ્રેસ માં એ વિડીયો લીધેલા હોય તો કદાચ એ હોદ્દા નું કે એ જગ્યાનું માં ના જળવાય એ સમજી શકાય એવી બાબત છે. પણ એ ફરજ બજાવતી વ્યક્તિ ને અંગત રીતે એની ફરજ ના સમય સિવાય ના સમય માં આવી નવરાશ ની ક્ષણો માણવાનો સંપૂર્ણ અધિકાર છે. પશ્ચિમ ના દેશો માં આવી તણાવપૂર્ણ પરિસ્થિતિ માં કામ કરતા અફસરો માટે ખાસ આવા કાર્યક્રમો થતા હોય છે જેથી એ લોકો હળવાશ અનુભવી શકે.
આપણે હવે ‘અમુક વ્યક્તિઓ એ અમુક રીતે જ વર્તવું જોઈએ’ , ‘ અમુક રીત નો પોશાક જ અપનાવવો જોઈએ’ , ‘ અમુક કામ જ કરવા જોઈએ’ પ્રકાર ની માનસિકતા માંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. કારણકે દુનિયા ઘણી આગળ વધી ચુકી છે. સમય બદલાઈ ચુક્યો છે. આવનારી પેઢી સાથે કદમ થી કદમ મિલાવી ને ચાલવા માટે એ જેવી છે એને એ જ નિખાલસતાથી અપનાવવી ખૂબ જરૂરી છે. હવે પેલી જૂની પુરાણી માનસિકતા નહિ ચાલે. અને જો તમે એને નહિ છોડો તો તમે નહિ ચાલો, દુનિયા તો આગળ ચાલી જ જશે!
અને છેલ્લે,
પેલું કહેવાય છે ને કે ‘ Change is the only constant. ‘ , આ વાત કજેટલી જલ્દી સ્વીકારી લેવાય એટલું જ વધુ સારું. નહીતો આજે નહિ તો કાલે , તમારી અસ્વિકૃત્તિ પાક્કી છે.