કેન્ડીડ વિથ પૂજા – ૨૪ જુલાઈ, 2019

આજે એક એવી વાત કરવી છે જે વાંચી ને જો તમે ફરવાના શોખીન હોવ તો કદાચ તમને મજા ના પણ આવે , પણ સાવ હકીકત છે.
આજની તારીખે ટુરિઝમ એ વિશ્વ ની સૌથી વધુ ઝડપ થી વિકસતી જતી ઇન્ડસ્ટ્રીઝ માની એક છે, એમાં પણ આપણે ગુજરાતીઓ તો ફરવાના એકદમ શોખીન! અને હવે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટેશન , એકોમોડેશન, ગ્રુપ ટુર્સ , ફરવા માટેની પર્સનલ લોન વગેરે વગેરે જેવી સુવિધાઓ ખૂબ સહેલાઇ થી ઉપલબ્ધ હોવાના કારણે વૈશ્વિક ટુરિઝમ માં પૃથ્વી ના ઇતિહાસ માં ક્યારેય નહોતો એટલો વધારો નોંધવામાં આવ્યો છે. આમ તો જો ખિસ્સા ને પરવડે તો ટ્રાવેલિંગ કરવામાં અને ફરવામાં કઈ જ ખોટું નથી. ઉપરથી એ સાંસ્કૃત્તિક આદાન પ્રદાન વધારે છે , લોકો ને નજીક લાવે છે , દુનિયા નાની બનાવે છે એવા ઘણા બધા વૈશ્વિક ફાયદા છે. પણ હાલ ના તબક્કે એનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે વિશ્વ ના લોકો નું વધુ પડતું ટુરિઝમ આપણી પૃથ્વી ના વાતાવરણ ને ધીમે ધીમે અક્ષમ્ય નુકસાન પહોંચાડી રહ્યું છે.
જી હા, વધુ પડતું ટ્રાવેલિંગ અને વધુ પડતું ટુરિઝમ પર્યાવરણ ને ભારોભાર નુકશાન પહોંચાડી રહ્યું છે. જેમ મેં પહેલા કહ્યું એમ , પૃથ્વી ના ઇતિહાસ માં એકસાથે આટલી મોટી સંખ્યા માં માનવ જાતિ એક સ્થળે થી બીજા સ્થળે માત્ર થોડા સમય માટે સ્થળાંતર કરતી હોય એવું ક્યારેય નથી બન્યું. જેની સીધી અસર જે તે જગ્યા ની કાર્બન ફૂટપ્રિન્ટ્સ ના વધારા પર પડે છે. ( આ કાર્બન ફુટ પ્રિન્ટ એટલે જે તે વ્યક્તિ કે સંસ્થા દ્વારા એમની પ્રવૃત્તિઓ થકી ઉત્સર્જિત કરાતા કાર્બન નું માપ) જે એ જગ્યા ને પ્રદુષિત / ખૂબ પ્રદુષિત કરવા માટે કારણભૂત છે.
જેમ જેમ પ્રવાસીઓ ની સંખ્યા વધે , એમ એમ એના ધસારા ને પહોંચી વળવા માટે ત્યાં હોટેલ્સ , ટ્રાન્સપોર્ટેશન અને ખાણી પીણી ની વ્યવસ્થા પણ વધવાની, અને આ બધાય ના વધુ પડતા ઉપયોગ ના કારણે પ્રદુષણ નું પ્રમાણ વધવાનું. મુશ્કેલી ત્યાં છે કે આપણે ત્યાં જે પ્રકાર ની ગૃપ ટુર્સ નું આયોજન થાય છે જેમાં ઓછા સમય માં વધુ જગ્યાઓ ફરવા માટે દરેક જગ્યાએ માત્ર અમુક કલાકો જ ગાળવાના રહે છે , જેથી વાહન વ્યવહાર અને ખાણી પીણી નો વપરાશ ખૂબ વધે છે અને અંતે એ જગ્યા ના કાર્બન ફૂટપ્રિન્ટ્સ વધે છે. જેની સીધી અસર ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ ના વધારા પર પડે છે.

તમને યાદ હશે થોડા સમય પહેલા ના છાપાં માં છપાયેલા આપણા મનાલી ના ફોટોગ્રાફ્સ. મનાલી શહેર એ ભારત નું ખૂબ જાણીતું પર્યટન સ્થળ છે. ઉપરની મનાલી ની તસ્વીર આ વખત ના ઉનાળુ વેકેશન પછી લેવાયેલી છે. જ્યાં સહેલાણીઓ ૨૦૦૦ ટન કચરો છોડી ને ગયેલા. મનાલી પહેલાથી જ પાણી ની તંગી અને ગંદકી ના પ્રશ્ન સામે ઝઝૂમી રહેલું , જેમાં આ ઉનાળા પછી સખત પ્રમાણ માં વધારો થયો છે. કારણકે આખા મનાલી માં ઉપલબ્ધ ૭૦% પાણી ત્યાંની હોટેલ્સ માં વપરાય છે. જેથી સ્થાનિક રહીશો ને પાણી ની ખૂબ તંગી નો સામનો કરવો પડે છે. સાથે વધુ પ્રમાણ માં પર્યટકો ભેગા થઇ જવાથી કચરા નો નિકાલ અને ગંદકી ની સફાઈ પણ મોટા પ્રશ્નો થઇ પડ્યા છે. જે આ સુંદર સ્થળ ને કાયમી નુકશાન પહોંચાડી રહ્યા છે.
આ જાણ્યા પછી કે આ લખાવનો હેતુ એ ચોક્કસ નથી કે આપણે ટ્રાવેલિંગ સાવ બંધ કરી દઈએ કે પછી સાવ ઓછું કરી નાખીયે. પણ આપણે જે રીતે ટ્રાવેલ કરીએ છીએ એમાં બદલાવ ચોક્કસ લાવી શકીએ. એક્સપર્ટસ ના હિસાબે અમુક મુદ્દાઓ નું જો ધ્યાન આપીએ તો કદાચ આ સમસ્યા નો ઉકેલ લાવી શકીએ.
જેમકે,
૧) અવાર નવાર વિદેશ જ ફરવા જવાનો મોહ રાખવા કરતા આપણે જ્યાં રહીએ છીએ ત્યાંની અને નજીક ની જગ્યાઓ પહેલા ફરી લઈએ. ( ટૂંકમાં , વિદેશ જ જવું એવો મોહ ના રાખવો. )
2) પોતાના દેશ માં જો ફરવા જવાના હોઈએ તો બસ , ટ્રેન અથવા અન્ય લોકલ ટ્રાન્સપોર્ટેશન નો જ ઉપયોગ વધુ કરીયે. વિમાની મુસાફરી શક્ય હોય તેટલી ઘટાડીયે.
૩) પાણી ના વપરાશ પર ધ્યાન આપીયે. અને શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક શાકાહારી વાનગીઓ ખાવાનો આગ્રહ રાખીયે.
અને છેલ્લે,
૪) આપણે જ્યાં ફરી ને પાછા જઈએ છીએ એ જગ્યાઓ આપણને જીવન ભાર ની ખૂબ બધી યાદો આપે છે , એને કચરો આપી ને ના આવીએ.