કેન્ડીડ વિથ પૂજા – ૨૩ જુલાઈ
ભારતીય મહિલાઓ નો ચહેરો બદલાઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષેત્ર માં મહિલાઓ ‘સુપર વૂમન’ તરીકે ઉભરી રહી છે. આમ જોવા જાવ તો છેલ્લા એક મહિના ની અંદર એવી કેટલી મહિલાઓ છે કે જેમના નામ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હોય. જેમના થકી દેશ નું માથું ગર્વ થી ઊંચું થયું હોય. આ એવી જ મહિલાઓ છે જે સાવ તમારા મારા જેવી છે. આપણા જેવા જ ઘર પરિવાર માંથી આવે છે અને આપણા જેવો જ ઉછેર પામેલી છે. જે વસ્તુ એમને આપણા થી અલગ બનાવે છે એ છે એમની અડગ હિમ્મત , લડી લેવાની તાકાત , કઈ કરી છૂટવાની ભાવના અને એ માટે નું મજબૂત મનોબળ.

અત્યારે સૌથી વધુ ચર્ચા માં જો કોઈ બે સ્ત્રીઓ હોય તો એ છે ભારત ના ચંદ્રયાન ૨ ની પ્રોજેક્ટ ડિરેક્ટર્સ રીતુ કરીધલ અને મુથૈયા વનિતા. આ બે સ્ત્રીઓ ના સુકાન પદે ભારત એ સફળતા પૂર્વક ગઈકાલે પોતાનું બીજું ચંદ્રયાન લોન્ચ કર્યું. હવે કોઈ સ્ત્રી આ પ્રોજેક્ટ સાંભળે એ આટલી મોટી વાત કેમ હોતી હશે ? તો એ એટલા માટે કારણકે ખગોળ વિજ્ઞાન નું સંશોધન એ એવો વિષય છે કે જ્યાં અત્યાર સુધી માત્ર પુરુષો નું જ પ્રભુત્વ રહ્યું છે. જયારે ચંદ્રયાન ૨ ના પ્રોજેક્ટ પર કામ કરનારી ટીમ માં ૩૦% સ્ત્રીઓ છે, મુથૈયા વનિતા ૩૦ વર્ષ થી ઈસરો સાથે સંકળાયેલા છે અને ખુબ નીચે થી કામ કરી ને ઉપર સુધી આવ્યા છે. જયારે રીતુ કરીધલ ૨૪ વર્ષ થી ઈસરો સાથે જોડાયેલા છે. એક સામાન્ય ગૃહિણી ની જેમ જ પોતાનું ઘર પણ સાંભળે છે અને ઓફિસે ના સમય પછી ઘરે આવી ને બાળકો ને હોમ વર્ક પણ કરાવે છે.

Source : Google
આ પ્રોજેક્ટ સાથે એક એવા સ્ત્રી વૈજ્ઞાનિક પણ સંકળાયેલા છે જે આપણા અમદાવાદી છે. એક સામાન્ય ‘વર્કિંગ વૂમન’ છે પણ એમની સિદ્ધિ ઓ અસામાન્ય છે. એમનું નામ છે જલશ્રી દેસાઈ. વ્યવસાયે ઇલેકટ્રોનિક્સ એન્જિનિયર છે જે અવકાશી સાધનો માં વપરાતા વિવિધ ભાગો બનાવવા માં પાવરધા છે. એ પણ ચંદ્રયાન ૨ ની ટીમ નો હિસ્સો છે. હું એમને અંગતપણે ઓળખું છું અને એટલે જાણું છું કે આ સ્ત્રીઓ પોતાનું ઘર સાચવવાની સાથે સાથે ભારત ના અવકાશી સપનાઓ ને સાકાર કરવા માટે દિવસ રાત એક કરતા હોય છે, મને એવા કેટલાય દિવસો વિષે જાણ છે કે જયારે આ ‘સુપર હ્યુમન્સ’ સતત ૨૪ કલ્લાક સુધી કામ કરતા હોય. એવી કેટલીયે ક્ષણો આવી હોય કે જે એમને નાસીપાસ કરી મુક્તિ હોય , તેમ છતાં એ દરેક ને પર પાડી ને આ સ્ત્રીઓ આ મુકામ સુધી પહોંચી છે , જેના પર સમગ્ર દેશ ને ગર્વ છે.

ગઈકાલે જ મેં ગોલ્ડન ગર્લ હિમા દાસ વિષે વાત કરેલી. એક સાવ સામાન્ય ગરીબ પરિવાર માંથી આવતી ખેડૂત પુત્રી આજે દુનિયા ને પાછળ છોડી ને આગળ દોડી રહી છે. એને એક સમય એવો પણ જોયેલો છે કે જ્યાં એના ઘર માં ખાવા માટે માત્ર ભાત જ હોય અને એના પાર ગુજરાત ચાલતું હોય. દોડ માટે ની ખાસ બનાવટ ના શૂઝ પહેરવાનું હાજી એને માત્ર બે વર્ષ થી જ શરુ કર્યું છે. અને આજે દુનિયા ને હંફાવી રહી છે.

અને છેલ્લે,
આજે જયારે આપણે આ બધી જ સ્ત્રીઓ ના નામ , કામ અને એમની સિદ્ધિઓ પર ગર્વ કરીયે છીએ ત્યારે એ વિચારવાનું રહ્યું કે આ ત્યારે શક્ય બને છે જયારે આ સ્ત્રીઓ ને એમનો પરિવાર એમના સપનાઓ પુરા કરવા માટે ખુલ્લું આકાશ આપે છે. એમનો સમાજ એમને આગળ વધવા માટે ની તક પુરી પાડે છે અને એ માટે મોકલું મેદાન આપે છે. કાશ દેશ ની દરેક સ્ત્રી ને આ ખુલ્લું આકાશ અને મોકલું મેદાન મળતા હોત!