
હું આજ થી પહેલા ઘણી વખત ઘણા અલગ અલગ પ્લેટફોર્મ્સ પાર આ વાત કરી ચુકી છુજે મારે આજે ફરી કરવી છે કારણકે આજના ગુજરાતી છાપા માં એના વિષે ફ્રન્ટ પેજ પર અહેવાલ છપાયા પછી આ મુદ્દો ફરી એક વાર ચર્ચા માં છે. વાત બાળકો ના મોબાઈલ , ટેબ્લેટ અને ટીવી ના વળગણ ની છે.

આજ ના એક જાણીતા ગુજરાતી છાપા માં અહેવાલ છે કે રાજ્યભર માં મોબાઈલ ફોન ની લત ના કારણે ૫૦% બાળકો ની આંખો ત્રાંસી અને ૧૮% બાળકો નું વિઝન નબળું પડ્યું છે. આ કેટલી ચોંકાવનારી અને ગંભીર વાત છે! મોટાભાગ ના કિસ્સાઓ માં મા – બાપ પાસે નોકરી કે કામ ના કારણે સમય નથી એટલે બાળકો ના હાથ માં મોબાઈલ ફોને થમાવી દેવામાં આવે છે. જેના ગંભીર પરિણામો આપણે હવે ભોગવી રહ્યા છીએ. અહેવાલ એમ પણ કહે છે કે સતત ફોને સામે જોઈ રહેવાના કારણે ૧૦ % બાળકો ની આંખ ની કિકી કાયમ માટે ત્રાંસી થઇ ગઈ છે. જેનો ઉપચાર ઓપેરશન પછી આજીવન ચશ્મા છે.
મા બાપ કેમ નહિ સમજતા હોય કે બાળક લાવવાનો નિર્ણય એ એક ખૂબ મોટી જવાબદારી છે. અને બાળક આવી ગયા પછી એ આપણી સૌથી પહેલી પ્રાયોરિટી. એ માટીના એક પિંડ સમાન છે. એને જેમ વાળવામાં આવશે એ એમ વળશે. ઘર માં એને હાથ માં મોબાઈલ નામ નું રમકડું આપી દેવું જેથી આપણે આપણું કામ કરી શકીએ / પતાવી શકીએ ( પછી એ નોકરી હોય કે ઘરકામ .) , ઘર ની બહાર પણ એને ફોને થમાવી દેવો જેથી કરી ને આપણે કોઈ ની સાથે શાંતિ થી વાત કરી શકીએ , રેસ્ટોરન્ટ માં ડિનર લઇ શકીએ અને બાળક ના તોફાન બદલ ‘ક્ષોભજનક’ પરિસ્થિતિ માં ના મુકાઈએ! આ માનસિકતા અંતે ગંભીર રીતે બાળક ના સ્વાસ્થ્ય નો ભોગ લઇ અહીં છે. અહીંયા વાત માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહિ પણ માનસિક સ્વાસ્થ્ય ની પણ છે.
નિષ્ણાતો મોબાઈલ ફોન ના વળગણ ને નશીલા દ્રવ્યો , નશીલી દવાઓ અને નશીલા પદાર્થો ના વળગણ જેટલું અને અમુક અંશે એથી પણ ખતરનાક માને છે. આશ્ચર્ય ની વાત એ છે કે અહીંયા બાળક ને મોબાઈલ ના નશા ને રવાડે ચડાવનાર મા બાપ ખુદ જ છે. મોબાઈલ નું વળગણ કોઈ પણ વ્યક્તિ માં અનિંદ્રા , ગુસ્સો , ચિંતા , ચીડિયાપણુ વધારે છે અને એને ડિપ્રેશન તરફ ધકેલે છે.
સૌથી મોટી વાત , મોબાઈલ ફોન થાકી તમારું બાળક ઈન્ટરનેટ નામ ના એક એવા વિશ્વ ના સંપર્ક માં આવી રહ્યું છે જ્યાં દુનિયા ભાર ની સારી અને નરસી દરેક માહિતીઓ નો ખજાનો છે. બાળક અમુક ઉંમર નું ના થાય ત્યાં સુધી એ પોતે એટલું પરિપક્વ જ નથી હોતું કે એ પોતાના માટે ની સારી અને નરસી બાબતો વિષે સમજી શકે અને નિર્ણય લઇ શકે. ઘણા મા બાપ ની એવી દલીલ હોય છે કે બાળક ખૂબ જીદ કરે અને રડે એના કરતા થોડી વાર એ મોબાઈલ જોઈ લે તો શું ફરક પડે? ફરક એ પડે કે એ બાળક ની જીદ ના તાબે થવાની વાત છે. જેમ પહેલા કહ્યું એમ , એ બાળક છે , એને નથી સમજણ કે એના માટે સારું શું ને ખરાબ શું, પણ એને એ ચોક્કસ ખબર છે કે માં બાપ એક વાર તાબે થયા એટલે હવે આ પ્રમાણે કરવાથી કાયમ થશે અને મારુ કામ નીકળી જશે.
તો શું કરવું ?
હું કોઈ એક્સપર્ટ નથી કે આના વિષે કઈ સલાહ આપી શકું. હું માત્ર એ વાત કરી શકું જે મેં મારા બાળક સાથે આચરણ માં મૂકી હોય અને મને એનો ફાયદો થયો હોય.
૧) સૌથી પહેલા તો બાળક ના પાક્કા મિત્ર બનાય.
૨) જયારે બાળક જીદ કરે અને એ વસ્તુ એના માટે યોગ્ય ના હોય , ત્યારે કોઈ પણ ભોગે એના તાબે ના થવાય . શાંતિ થી પણ મક્કમ રીતે પોતાના મુદ્દા સાથે વળગી રહેવાય અને બને તો એને સમજાવવા ની કોઈશિષ કરાય કે આમ કેમ નહિ.
૩) જયારે બાળક ને કોઈ વસ્તુ કરવાની ના પડાય , તો એની સામે એ શું કરી શકે એના ઓપ્શન્સ પણ અચૂક અપાય.
૪) એની સાથે શક્ય હોય એટલો વધુ સંવાદ સાધી શકાય , બાળક સાથે બાળક બની ને રહેવા માં હંમેશા કામ સરળ થતું મેં જોયું છે.
૫) જયારે ઘરની બહાર નીકળવાની વાત આવે તો પાસે હંમેશા એની વાર્તા ના પુસ્તકો કે રંગો સાથે રાખી શકાય જેથી એને એની પ્રવૃત્તિ મળે.
અને છેલ્લે ,
હું જાણું છુ કે મારા આ વિચારો સાથે અસંમત થનારા ઘણા લોકો હશે. મારે માત્ર એટલું જ કહેવાનું કે આ મારા વિચારો છે. જેના ઉપર કામ કરવાથી મને ફાયદો થયો છે. દરેક મા બાપ ની પરિસ્થિતિ અને ઉછેર ની રીત અલગ હોઈ શકે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.