
છેલ્લા થોડા દિવસ થી છાપામાંના સમાચારો ની એકબીજા સાથે ની વિસંગતતા વધી હોય એવું મને લાગે છે. એક તરફ તમે વાંચો કે ભારત માં ચોમાસા નું આગમન થઇ ચૂક્યું છે અને બીજી તરફ તમે વાંચો કે ચેન્નાઇ માટે Day Zero આવી ગયો છે. ( Day Zero એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં જે તે સ્થળ પાસે પોતાનું પીવાનું પાણી તદ્દન ખલાસ થઇ જાય છે. ) ચેન્નાઇ ની હાલ ની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એની નોંધ લેવાઈ રહી છે. આમ જુવો તો ગયા વર્ષે નીતિ આયોગ ના એક અહેવાલ પ્રમાણે આ વર્ષ સુધી માં ભારત ના ૨૧ શહેરો માટે Day Zero આવવાનો છે . જેમાં ચેન્નાઇ , બેંગલુરુ , દિલ્હી અને હૈદરાબાદ ટોચ પર છે.
ભારત માં પાણી ની આટલી મોટી સમસ્યા કેમ સર્જાઈ છે? એના અમુક પાયા ના કારણો આપણે દરેકે સમજવા જેવા છે. આપણા દેશ માં પાણી નો મોટા ભાગ નો સ્ત્રોત ભૂગર્ભ જળ એટલે કે જમીન ની અંદર રહેલું પાણી છે. અને દુનિયા માં ભૂગર્ભ જળ નો ઉપયોગ કરવા વાળા દેશો માં ભારત નું સ્થાન સૌથી મોખરે છે. તમને જાણી ને નવાઈ લાગશે કે આ ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ નો ઉપયોગ કરવા માં બીજા અને ત્રીજા સ્થાને ચીન અને અમેરિકા નું નામ છે. આ બંને દેશો ભેગા થઇ ને જેટલું પાણી વાપરે છે એનાથી પણ વધારે પાણી આપણે આપણી જમીન માંથી ખેંચીએ છીએ. અને એટલે જમીન માં પાણીં નું તળ ખૂબ નીચું ગયું છે. જો આંકડાઓ ની વાત કરીએ તો છેલ્લા ૧૦ વર્ષ માં ભારત નું ગ્રાઉન્ડ વોટર ૬૧ % જેટલું ઘટ્યું છે.
આપણે ત્યાં ૮૫ % જેટલું તળ નું પાણી ખેતી માં વપરાય છે. ૯ ટકા જેટલું પાણી ઘર ની રોજિંદી ક્રિયાઓ માં વપરાય છે અને લગભગ ૨ ટકા જેટલું પાણી જ ઉદ્યોગો માં વપરાય છે. વસ્તીવધારો , પાણી ની અસમાન વહેંચણી , પાણી નો વ્યય અને વરસાદી પાણી નો બગાડ, એ આપણે ત્યાં પાણી ની સમસ્યા ના મુખ્ય કારણો છે.
જો કે એવું નથી કે ભારત માં પૂરતો વરસાદ નથી પડતો. સેન્ટ્રલ વૉટર કમિશન મુજબ આપણે ત્યાં દર વર્ષે પાણી ની કુલ જરૂરિયાત ૩૦૦૦ બિલિયન ક્યુબિક મીટર ની છે. જેની સામે ૪૦૦૦ બિલિયન ક્યુબિક મીટર વરસાદ પડે છે. પણ આ વરસાદ નું માત્ર ૮% પાણી જ આપણે સંગ્રહી શકીએ છીએ. જે સમગ્ર વિશ્વ માં સૌથી ઓછું છે. વસ્તી વધારો અને આંધળા ઔદ્યોગિક વિકાસ ની દોટ માં આપણે પાણી સંઘરવાના પરંપરાગત ઉપાયો ને વિસરી ગયા છીએ. કુવા, તળાવ અને ભૂગર્ભ માં ટાંકીઓ રાખી ને પાણી સંઘરવાની રીત હવે વપરાતી નથી. સાથે જ ઘરકામ માં જે પાણી વપરાય છે , એમાંનું ૮૦% પાણી ખાળ કુવા અને ગટર ના માર્ગે નદી નાળાઓ માં વહી જાય છે , રીસાયકલ થતું નથી અને પાણી નું પ્રદુષણ પણ ફેલાવે છે.
આની સામે ઇઝરાયેલ જેવો દેશ કે જે રણ માં આવેલો છે , જ્યાં પાણી ની સખત અછત હોય છે , ત્યાં ઘરકામ માં વપરાયેલું ૧૦૦ ટકા પાણી રીસાયકલ થાય છે અને એમાંથી ૯૪ ટકા પાણી વળી પાછું વપરાશ માં લેવાય છે. આ જ પાણી માંથી ઇઝરાયેલ નું ૫૦% જેટલું ઇરીગેશન પણ સચવાઈ જાય છે.
જો આ વસ્તુ નું મહત્વ આપણે સમજી શકીએ તો ખ્યાલ આવે કે આપણે ખુબ ગંભીર પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ . અહીંયા માત્ર સરકાર કે મગતરા પ્રજા એકલે હાથે કઈ ચમત્કાર ના કરી શકે. બન્નેવે સાથે મળી ને પાણીદાર ભવિષ્ય માટે પગલાં ભરવા પડે. આપણે આપણી અમુક આદતો સુધારવી પડે. શ્રેષ્ઠ ઉપાય વરસાદ ના પાણીં ના સંગ્રહ નો છે. પહેલા ના સમય માં જે રીતે આપણે ત્યાં વરસાદ નું પાણી સંગ્રહાતું , જેથી ભૂગર્ભ જળ નું તળ પણ જળવાઈ રહેતું , એ ઉપાયો ફરી અજમાવવાનો સમય આવી ગયો છે. નહીંતો નજીક ના જ ભવિષ્ય માં આપણે ત્યાં પાણી માટે ગૃહ યુદ્ધ થાય તો નવાઈ નહિ!
અને છેલ્લે,
બીજું કંઈ મહાન નાઈ તો આપણા તરફ થી આપણે નાની નાની શરૂઆત તો કરી જ શકીએ, જેમકે .
૧) સવારે બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ.
૨) પીવાના પાણી નો જરૂર હોય એટલો જ ગ્લાસ ભરીયે અને બાકી નું પાણી વેડફીયે નહીં.
૩) ખાસ કરી ને R.O. ના વહી જતા પાણી ને સંગ્રહી ને એનો અન્ય વસ્તુ માં વપરાશ કરી શકીયે.
૪) શાવર ( ફુવારા) ને બદલે ડોલ માં પાણી ભરી ને નાહવાનું રાખીયે. ( એમાં અડધો અડદ પાણી બચાવી શકાય)
૫) બાકીના કોઈ ઉપાય જો તમને યાદ આવતા હોય તો એને પણ અજમાવી જોવાય અને અન્ય સાથે વહેંચાય. જેથી વધુ માં વધુ પાણી બચાવી શકાય.