
તમે #Metoo મૂવમેન્ટ વિષે તો જાણતા જ હશો. પણ શું તમે એ જાણો છો કે સોશ્યિલ મીડિયા પર #MeToo ની જેમ જ એક નવી #MenToo મૂવમેન્ટ શરુ થઇ છે. જેમ #MeToo માં સ્ત્રીઓ પોતાની સાથે થયેલા શારીરિક શોષણ કે અયોગ્ય વર્તન વિષે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવે છે. એમ જ આ #Mentoo મૂવમેન્ટ પુરુષો માટે છે. એવા પુરુષો માટે કે જેઓ કોઈ પણ સ્ત્રી તરફ થી શારીરિક શોષણ ના ખોટા આરોપો નો શિકાર બન્યા છે. આ ચળવળ અત્યારે સમગ્ર વિશ્વ માં જોર પકડી રહી છે. ખાસ કરી ને ભારત માં.
આપણા સમાજ માં અમુક કુરિવાજો એ પ્રકારે પ્રવર્તે છે કે જેનો શિકાર મોટાભાગે સ્ત્રીઓ બનતી હોય છે. દહેજ , બહુપત્નીત્વપ્રથા , શારીરિક અને માનસિક શોષણ , માનસિક અને શારીરિક ત્રાસ આ બધી જ સમસ્યાઓ નો ભોગ મોટાભાગે સ્ત્રીઓ ને બનવું પડતું હોય છે. પુરુષ પ્રધાન સમાજ માં અત્યાર સુધી ઘર માં અને ઘર ની બહાર પણ પુરુષો નું જ પ્રભુત્વ રહ્યું છે પણ હવે એકવીસમી સદી માં સ્ત્રીઓ ઘર ની બહાર વધુ નીકળતી થઇ છે , શિક્ષણ નું પ્રમાણ વધ્યું છે અને સ્ત્રીઓ પોતાના હકો માટે વધુ જાગૃત બની છે અને અવાજ ઉઠવતી થઇ છે. આને સરકાર તરફ થી કડક કાયદાઓ નું રક્ષણ પણ મળ્યું છે. પણ સવાલ એ છે કે શું દર વખતે સ્ત્રીઓ એ જ ભોગવવું પડે છે?
અહીંયા આપણે ભારત ને બે ભાગ માં વહેંચી ને જોવાની જરૂર છે. ગામડાઓ નું ભારત અને શહેરી ભારત. આપણા દેશ માં જેમ જેમ આધુનિકતા આવતી ગઈ , શહેર માં સ્ત્રીઓ ની પરિસ્થિતિ માં ઘણો ફરક આવ્યો છે , પણ ગામડાઓ માં હજી પરિસ્થિતિ મોટાભાગે પહેલા જેવી જ છે. હવે સ્ત્રીઓ ના રક્ષણ માટે દેશભર માં કાયદાઓ તો સરખા જ રહેવાના. એટલે જ ખાસ કરી ને શહેરી ભારત માં આ કાયદાઓ નો દુરુપયોગ વધ્યો છે. જેનો ભોગ પુરુષો બનતા હોય છે.
આપણે બધા જ જાણીયે છીએ કે આપણે ત્યાં સ્ત્રીઓ અને પુરુષો નો ઉછેર અલગ અલગ રીતે કરવામાં આવે છે. છોકરાઓ રડી ના શકે , એણે તન અને મન થી મજબૂત જ હોવું પડે. એને દુઃખ ના થાય અને જો કોઈ દુઃખ હોય તો એ છોકરીઓ ની માફક લોકો સાથે વહેંચી ના શકે! આ બધા નું પરિણામ એ આવે છે કે ઘણા કિસ્સાઓ માં જ્યાં પુરુષો અમુક પરિસ્થિતિ નો ભોગ બન્યા હોય , ત્યાં ક્યાં તો સમાજ ના ડર થી અથવાતો આવડતું જ નથી એ હિસાબે એ પોતાની વાતો અન્યો સાથે વહેંચી શકતા નથી. સાથે અહીંયા સ્ત્રીઓ ના હક્કો માટે લડતી ઘણી બધી સંસ્થાઓ છે. પણ પુરુષો ના હક્કો માટે લડતી સંસ્થાઓ ની સંખ્યા ખૂબ ઓછી છે. આવી પરિસ્થિતિ માં એક પુરુષ જાય તો ક્યાં જાય?
જે પુરુષો એ આ #Mentoo ચળવળ ની શરૂઆત કરી છે , એ લોકો પોતે ‘જેન્ડર ઇક્વાલિટી’ ની અપેક્ષા રાખે છે અને માને છે કે આપણે ત્યાં કાયદાઓ ‘જેન્ડર બાયસ્ડ’ એટલે કે પક્ષપાતી છે. સ્ત્રીઓ ના રક્ષણ માટે કાયદાઓ છે પણ પુરુષો ના રક્ષણ માટે કઈ જ નથી. સાથે એ લોકો એમ પણ કહે છે કે મોટા ભાગ ના આવા કિસ્સાઓ માં પુરુષો દહેજ ના અને માનસિક અને શારીરિક શોષણ ના ખોટા કેસ માં ફસાતા હોય છે. આને લઇ ને જાગૃતિ ફેલાવવા અને પુરુષો સાથે થતા આ પક્ષપાત ને લોકો સુધી પહોંચાડવા માટે આ ચળવળ ની શરૂઆત થઇ છે. અહીંયા મુદ્દો એ છે કે ચળવળ તો શરુ થઇ ગઈ , પણ એનું કોઈ ઠોસ પરિણામ આવે ત્યારે ખરું!
અને છેલ્લે,
આ #Mentoo ચળવળ તો અહીંયા હમણાં શરુ થઇ, અમદાવાદ શહેર માં ‘પત્ની પીડિત પતિ સંઘ’ ની સ્થાપના ઘણા વર્ષો પહેલા થયેલી છે. જો તમે આ શહેરમાં રહેતા હોવ કે એની મુલાકાત લીધેલી હોય તો શક્ય છે કે તમે આ સંઘ ના બોર્ડ વાળી ગાડી શહેર ના રસ્તાઓ પર ફરતી જોઈ હોય!