
મારા એક મિત્ર એ મને થોડા દિવસ પહેલા ડિનર પર બોલાવેલી. અમે જમવા બેઠા ત્યારે એણે સહેજ અચકાતા મને કહ્યું , આજે જમવામાં પરોઠા શાક જ બનાવડાવ્યા છે કારણકે મારી તબિયત સહેજ નરમ છે. બાકી મને રોજ રોજ દાળ ભાત શાક રોટલી જેટલું હેવી અને આટલું ઓઇલ વાળું ફૂડ ભાવતું અને ફાવતું નથી. મેં બહુ જ સહજતા થી એને સામે પ્રશ્ન કર્યો કે તો તુ દરરોજ શું જમે? અને એણે બ્રોકોલી , ઓલિવ , એલેપીનો , મલ્ટી ગ્રેઈન પાસ્તા , હોલ વ્હીટ બ્રેડ સેન્ડવિચ , બોઇલ્ડ વેજિટેબલ્સ વિથ ઓલિવ ઓઇલ અને આવી ઘણી વાનગીઓ ના નામ લીધા. અને મને જરાય આશ્ચર્ય ના થયું. આપણામાંના મોટા ભાગ ના લોકો ની હાલ ફિલહાલ આ જ વાર્તા છે.
તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે દુનિયાભર ના લોકો નો ખોરાક આટલો અલગ અલગ કેમ છે? દુનિયા ની વાત છોડો , આપણે ભારત માં જ ગુજરાત થી રાજસ્થાન કે મહારાષ્ટ્ર સુધી જઈએ એમાં જ ભાષા ની સાથે ખોરાક ની આદતો તદ્દન અલગ અને બદલાયેલી જોવા મળે છે. ઇન્ગ્રેડિએન્ટ્સ થી માંડી ને પરંપરાગત વાનગીઓ સુધ્ધાં માં ઘણો ફરક જોવા મળે છે. આવું કેમ હશે?
કોઈ પણ પ્રદેશ ની ખાણી પીણી ની આદતો નો આધાર ઘણી બધી વસ્તુઓ પર રહેલો છે. એ પ્રદેશ ની ભૌગોલિક પરિસ્થિતિ , ત્યાં વસતા લોકો ની આદતો , પસંદ , નાપસંદ , એમની ધાર્મિક માન્યતાઓ , ત્યાંની આબોહવા અને બીજું ઘણું બધું. જેમકે આપણે ત્યાં ગુજરાત માં દરેક વાનગી માં ગળપણ નો ઉપયોગ કેમ વધુ હોય છે? એનું કારણ અહીંની આબોહવા છે. કારણકે અહીંનું વાતાવરણ સુક્કું છે. અને અહીંના પીવા ના પાણી માં ક્ષાર નું પ્રમાણ પણ વધુ છે. જેથી જો ખોરાક માં ગોળ નો ઉપયોગ કરવામાં આવે તો એ શરીર માં પાણી નું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે અને ક્ષાર વાળા પાણી માં બનેલી રસોઈ ના સ્વાદ ને પણ સુધારી શકાય. મતલબ , ખોરાક માં ગળપણ હોવું એ શરૂઆત માં અહીં વસેલા લોકો ની પસંદ કરતા જરૂરિયાત વધુ હતી. અને પાછળ થી એ પરંપરા
બની. આવું દરેક પ્રદેશ નું છે.
ક્યારેય એવો પણ વિચાર આવ્યો છે કે આપણે મેંદા માંથી બનેલી બ્રેડ કે નૂડલ્સ ને રોજ નથી ખાઈ શકતા અને દુનિયા ના ઘણા બધા દેશો માં એ રોજિંદો ખોરાક છે. કારણકે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ , પાક અને ત્યાં વસતા લોકો ની આદતો ને એ માફક આવે છે. એટલે જ ત્યાંના લોકો એને પચાવી શકે છે. આપણે નથી પચાવી શકતા.
બદલાયેલા સમય સાથે આપણે ખાણી પીણી ના નવા શોખ કેળવીએ , નવી વસ્તુઓ અપનાવીએ પણ સાથે આપણી પાસે જે છે એને ના ભૂલીએ એ ખૂબ જરૂરી છે. એ પણ સમજીએ કે આપણા વડવાઓ દ્વારા આપણને ખોરાક ની જે આદતો અને વાનગીઓ પરંપરા માં મળી છે , એ આપણે જ્યાં વસીએ છીએ એ મુજબ ,આપણને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પૂરતી પણ છે અને જરૂરી પણ છે.
અને છેલ્લે,
આપણે આપણી પરંપરાગત વાનગીઓ અને પાક શાસ્ત્ર થી વિમુખ થઇ રહ્યા છીએ. કારણકે સમય ની સાથે ધીમે ધીમે આપણા દાદીઓ અને મમ્મીઓ રસોડા માંથી રિટાયરમેન્ટ લઇ રહ્યા છે.