
ગઈકાલે વિશ્વ યોગ દિવસ ની સાથે સાથે ૩૮ મોં આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ પણ ઉજવાયો. સમગ્ર વિશ્વ માં દરેક પ્રકાર ના સંગીત નો પ્રચાર અને પ્રસાર થાય અને દરેક સંગીતકાર ને એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુ થી ૧૯૮૨ ની સાલ થી આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ ની ઉજવણી થાય છે. આમ તો સંગીત એટલો મોટો વિષય છે કે એના પણ ઘણું બધું લખી અને ચર્ચી શકાય. પણ અહીંયા વાત સંગીત માટે નક્કી કરેલા દિવસ ની ઉજવણી , એની શરૂઆત અને આપણા રોજિંદા જીવન માં સંગીત ના મહત્વ ની કરવી છે.
આવો એક દિવસ નક્કી હોવો જોઈએ એવો સૌ પહેલો વિચાર ૧૯૭૬ ની સાલ માં અમેરિકન આર્ટિસ્ટ જોએલ કોહેન એ વિશ્વ સમક્ષ મુકેલો. પણ ત્યાર બાદ ૧૯૮૧ ના ઓક્ટોબર મહિના માં ફ્રાન્સ ના સાંસ્કૃત્તિક મંત્રી જેક લંગ એ મૌરિસ ફ્લેયુરેટ સાથે મળી ને ૧૯૮૨ ની સાલ ની ૨૧ મી જૂને એકે એવા કાર્યક્રમ નું આયોજન કર્યું કે જ્યાં કોઈ પણ પ્રકાર ના સંગીતકાર , નીવડેલા કે નવા , ભાગ લઇ શકે અને પોતાની કાલા ને લોકો સુધી પહોંચાડી શકે.અને ત્યારથી અત્યાર સુધી વિશ્વ ના લગભગ ૧૨૦ દેશો માં આ દિવસ ની ઉજવણી થાય છે. ખરેખર માં એ સમય માં જેક લંગ એ નોંધ્યું કે ફ્રાન્સ માં દર બીજો યુવાન એક ય બીજું સંગીત નું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. પણ એ પ્રવૃત્તિ એમના ઘર સુધી સીમિત રહી જાય છે. સમાજ ના અન્ય લોકો સુધી નથી પહોંચતી.અને એટલે જ પોતાના દેશ ના સંગીતકારો ને વૈશ્વિક પ્લેટફોર્મ આપવાના હેતુ થી અને સંગીત ના પ્રચાર અને પ્રસાર ના હેતુ થી વિશ્વ સંગીત દિવસ ની ઉજવણી ની શરૂઆત થઇ.
આપણે ત્યાં ભારત માં મારા હિસાબે પરંપરાગત રીતે સંગીત ના બે પ્રકાર છે. એક ભારતીય શાસ્ત્રીય સંગીત અને બીજું પ્રાદેશિક લોક સંગીત. આપણા દેશ માં ભાષા અને સંસ્કૃતિ ના વૈવિધ્ય ના કારણે પ્રાદેશિક લોક સંગીત માં પણ ઘણું વૈવિધ્ય છે. જેને જોઈએ એટલું પ્લેટફોર્મ નથી મળ્યું. વર્ષો સુધી રેડિયો માં કામ કર્યું હોવાથી હું એમ કહી શકું છું કે આપણે ત્યાં મોટાભાગે સંગીત ની વ્યાખ્યા બોલિવૂડ ના ગીતો સુધી જ સીમિત છે. એ આપણા જીવન નો એકે મહત્વ નો હિસ્સો છે. પણ હવે મોટાભાગ ના લોકો ને એ ફરિયાદ છે કે એમાં પણ રિમિક્સ અને રીમેડ ગીતો ના કારણે વૈવિધ્ય ની ઓટ આવતી જાય છે. મારા હિસાબ થી પશ્ચિમ ના દેશો માં ઈન્ડિપેન્ડેન્ટ મ્યુઝિક એટલે કે સ્વતંત્ર સંગીત ને જેટલું મહત્વ મળે છે એટલું આપણે ત્યાં નથી મળતું. અને એટલે જ મોટા પ્લેટફોર્મ પર સંગીત માં વૈવિધ્ય ઓછું દેખાય છે.
એક પ્રજા તરીકે આપણે જયારે આપણા પ્રાદેશિક સંગીત ને દિલ થી અપનાવી એને માનવાનું શરુ કરીશું ત્યારે કદાચ પરિસ્થિતિ બદલાશે. વધુ માં વધુ કલાકારો ને પોતાની કાલા દુનિયા શુદ્ધિ પહોંચાડવાનો મોકો મળશે.
અને છેલ્લે,
શું તમને ખબર છે,
૧) ઘણી ઓછી એવી પ્રવૃત્તિઓ છે કે જેમાં તમારા સંપૂર્ણ મગજ નો ઉપયોગ થાય છે. સંગીત એમાંની એક છે.
૨) માત્ર પ્રાણીઓ જ નહીં , ઝાડ , પાન અને વનસ્પતિ ને શાસ્ત્રીય સંગીત સંભળાવતા એ બમણી ગતિ થી ઉછરે છે.